Columns

ઇઝરાયેલે હિઝબોલ્લાહ સામે યુદ્ધ છેડીને મોટું જોખમ વહોરી લીધું છે

એક સમયે મધ્ય પૂર્વનું પેરિસ કહેવાતું બૈરુત આ દિવસોમાં ગરીબીમાં જીવી રહ્યું છે. આતંકવાદ, સાંપ્રદાયિકતા અને અસ્થિર સરકારે લેબનોનને બરબાદ કરી નાખ્યું છે. લેબનોન એક ઉદારમતવાદી લોકશાહી દેશ છે. આનો અર્થ એ થયો કે અહીં મુખ્ય રાજકીય અને લશ્કરી હોદ્દા ચોક્કસ ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ માટે આરક્ષિત છે. લેબનોનમાં રાષ્ટ્રપતિ હંમેશા મેરોનાઈટ કેથોલિક હોય છે. વડા પ્રધાન સુન્ની મુસ્લિમ હોય છે અને સંસદના સ્પીકર શિયા મુસ્લિમ હોય છે, જ્યારે સંસદના ડેપ્યુટી સ્પીકર અને નાયબ વડા પ્રધાન હંમેશા ગ્રીક ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓ હોય છે. વધુમાં લેબનીઝ સશસ્ત્ર દળોના ચીફ ઓફ જનરલ સ્ટાફ હંમેશા ડ્રુઝ હોય છે.

આવી સ્થિતિમાં લેબનોનમાં વાસ્તવિક સત્તા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે નથી પરંતુ હિઝબોલ્લાહ અને તેના સાથીઓ પાસે છે. હિઝબોલ્લાહ એક શિયા ઉગ્રવાદી જૂથ છે જે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની પ્રત્યે વફાદારી ધરાવે છે. તેની પાસે લેબનોનમાં કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર પર સત્તા છે, જેને દેશમાં કોઈ પણ અવરોધી શકતું નથી.ઇઝરાયેલી વાયુસેનાએ અત્યાર સુધીમાં દક્ષિણ લેબનોનમાં ૧,૧૦૦ થી વધુ હિઝબોલ્લાહ લક્ષ્યાંકો પર હુમલો કર્યો છે, જેમાં ૫૦૦ લોકો માર્યા ગયાં છે અને ૧,૦૦૦ થી વધુ ઘાયલ થયાં છે.લેબનોનમાં હિઝબોલ્લાહના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતાં હજારો પેજર્સ એક સાથે વિસ્ફોટથી ફાટી પડ્યાં હતાં. આ ઘટનામાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૨,૮૦૦થી વધુ લોકો ઘાયલ થયાં છે. પેજર બ્લાસ્ટ માટે હિઝબોલ્લાહે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે.

૧૯૮૨માં ઇઝરાયલના આક્રમણ બાદ હિઝબોલ્લાહની લશ્કરી જૂથમાંથી લેબનોનની સૌથી શક્તિશાળી રાજકીય અને લશ્કરી સંસ્થા બનવાની સફર શરૂ થઈ હતી. હિઝબોલ્લાહ ત્યારથી લેબનીઝ રાજકારણમાં એક મુખ્ય ખેલાડી તરીકે પરિવર્તિત થયું છે. આજે તે માત્ર એક રાજકીય પક્ષ નથી પરંતુ દેશની અંદર એક અલગ રાજ્ય છે. હિઝબોલ્લાહ એક શક્તિશાળી સશસ્ત્ર લશ્કર છે, જે લેબનીઝ સશસ્ત્ર દળોને તાકાત અને સત્તામાં વટાવી જાય છે.

હિઝબોલ્લાહ ૧૯૮૨ માં બૈરૂત પર ઇઝરાયેલના કબજા દરમિયાન મૂળ શિયા ઉગ્રવાદી જૂથ અમલના એક  પેટા જૂથ તરીકે ઉદ્દભવ્યું હતું. અમલ અને હિઝબોલ્લાહ લેબેનોન માટે લડ્યાં હતાં, પરંતુ આખરે સાથે રહેવા સંમત થયાં કારણ કે તેઓ બંને સીરિયાતરફી હતાં. તેઓ બંને ઇઝરાયેલ સામેના સંઘર્ષનો ભાગ હતા અને તેમની રચના પહેલાં પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO) સંગઠનનો ભાગ હતા. હિઝબોલ્લાહે પાછળથી સંઘર્ષનું નેતૃત્વ કર્યું અને ૧૯૯૦ ના દાયકાના અંત સુધીમાં એકાધિકાર સ્થાપ્યો હતો.

૨૦૦૦ ના દાયકામાં જ્યારે ઇઝરાયેલે વર્ષોના પ્રતિકાર પછી લેબનોનમાંથી એકપક્ષીય રીતે પીછેહઠ કરી હતી ત્યારે હિઝબોલ્લાને વ્યાપક માન્યતા મળી હતી. હિઝબોલ્લાએ આને જીત તરીકે જાહેર કરી અને લોકોનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારથી હિઝબોલ્લાહ દિવસે ને દિવસે વધુ મજબૂત બન્યું છે.હિઝબોલ્લાહના વડા હસન નસરાલ્લાહ પાસે કોઈ જાહેર હોદ્દો નથી, પરંતુ તેઓ લેબનોનના વાસ્તવિક શાસક છે. તેઓ સરકારી ટેલિવિઝન પર ભાષણ આપે છે, તેઓ દેશની નીતિઓ નક્કી કરે છે અને તેનું પાલન કરવા માટેના નિયમો પણ નક્કી કરે છે.  લેબનોનના પ્રમુખ અને વડા પ્રધાન પણ તેમની નીતિઓને અપનાવે છે. તેણે સરકારની વિવિધ શાખાઓમાં અને સુરક્ષા સંસ્થામાં ઘૂસણખોરી કરી છે.

સંરક્ષણ નિષ્ણાતોનો દાવો છે કે હિઝબુલ્લાહ પાસે મિસાઈલ અને ડ્રોનની ફાયરપાવર એટલી બધી છે કે જો તણાવ મોટા પાયે યુદ્ધમાં ફેરવાઈ જાય તો તે જૂથ ઇઝરાયેલના ઉત્તરીય વિસ્તારોમાં લગભગ ૧૫૦ અબજ ડોલરની આર્થિક, ઔદ્યોગિક, ખાદ્ય સુવિધાઓ અને સંપત્તિનો નાશ કરી શકે છે. આ ચર્ચા એટલા માટે વધી છે કારણ કે હિઝબુલ્લાએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલનો મોટો હિસ્સો તેની મિસાઈલોની રેન્જમાં છે. હિઝબોલ્લાહની ક્ષમતાઓ ઇઝરાયેલના ઉત્તરના આર્થિક કેન્દ્રને જોખમમાં મૂકે છે. ઇઝરાયેલનું ૮૦ ટકા અનાજ ઉત્પાદન, ૭૦ ટકા ડેરી પુરવઠો અને ૪૦ ટકા માંસનો પુરવઠો ઉત્તરમાંથી આવે છે.

તનુવા અથવા ઇડોમ જેવા ઇઝરાયેલી કૃષિ વ્યવસાયો સામે હિઝબોલ્લાહ દ્વારા કરવામાં આવેલો હુમલો ઇઝરાયેલી ખાદ્ય બજારને પાંગળું કરી શકે છે. ઇઝરાયેલની તેલ શુદ્ધિકરણ અને બળતણ ઉત્પાદનક્ષમતાનો ૬૦ ટકા હિસ્સો લેબનીઝ સરહદની દક્ષિણે ૩૫ કિ.મી. દૂર એકર બંદર પાસે કેન્દ્રિત છે. આ તમામ ઇઝરાયેલનાં સંવેદનશીલ આર્થિક કેન્દ્રો છે, જે હિઝબોલ્લાહની મિસાઇલો અને ડ્રોન હથિયારોની રેન્જમાં છે. ડ્રોન ઇઝરાયેલ માટે પણ એક સમસ્યા છે કારણ કે તે તેના એર ડિફેન્સ નેટવર્ક સામે અસરકારક સાબિત થયાં છે. તે સિસ્ટમ જમીનની નજીકથી ઊડતા ડ્રોનને નિશાન બનાવવામાં અસરકારક સાબિત થઈ નથી.

હિઝબોલ્લાએ તાજેતરમાં એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં એક વિશાળ ભૂગર્ભ મિસાઈલ બેઝ દર્શાવવામાં આવ્યો છે. આ વિડિયો દ્વારા ઇઝરાયલને એવો સંદેશ આપવાનો પ્રયાસ છે કે લેબનોન પાસે પહેલાં કરતાં વધુ હથિયારો અને લશ્કરી સાધનો છે. વિડિયો ફૂટેજ એક ટનલ નેટવર્ક બતાવે છે, જે રોકેટ લોન્ચ કરતી ટ્રકને ચલાવવા માટે પૂરતું મોટું છે. તેની પાસે કેટલીક પ્રક્ષેપણ સાઇટ્સ પણ છે જ્યાંથી મિસાઇલો લોન્ચ કરી શકાય છે.હિઝબોલ્લાહે તાજેતરમાં તેના હૂપો ડ્રોનનો ઉપયોગ કરીને ઇઝરાયેલી હવાઈ સંરક્ષણમાં પ્રવેશ કરવાની ક્ષમતા સાબિત કરી છે.

જુલાઇમાં હિઝબોલ્લાહ જૂથે ઉત્તર ઇઝરાયેલમાં સ્વતંત્ર રીતે કાર્યરત ડ્રોનના ફૂટેજ પ્રકાશિત કર્યા હતા, જેમાં લેબનીઝ સરહદથી ૪૫ કિ.મી. દૂર સ્થિત એક મુખ્ય એરબેઝ સહિત IDF સુવિધાઓના હાઈ રિઝોલ્યુશન ફૂટેજનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ જૂથે ઇઝરાયેલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ પર શૂટ કરાયેલ ડ્રોન ફૂટેજ પણ પ્રકાશિત કર્યા હતા, જેમાં આર્ટિલરી બેટરી, રડાર સાઇટ્સ અને આયર્ન ડોમ એર અને મિસાઇલ સંરક્ષણ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. ગાઝામાં યુદ્ધ બાદ પ્રાદેશિક તણાવને પગલે ઉત્તરમાં હિઝબોલ્લાહ અને યમનના હુથી આતંકવાદીઓ દ્વારા લાલ સમુદ્રના શિપિંગ વ્યવસાય પરના હુમલાઓને કારણે ઇઝરાયેલની ચિંતા વધી છે.

હિઝબોલ્લાહ અને હમાસ મધ્ય પૂર્વનાં બે શક્તિશાળી સંગઠનો છે, જે પેલેસ્ટાઈનની આઝાદી માટે ઈઝરાયેલ સામે લડી રહ્યાં છે. બંનેના ઉદ્દેશ સરખા હોઈ શકે છે પરંતુ તેમની જમીની વ્યૂહરચના અને લશ્કરી ક્ષમતાઓ અલગ અલગ છે. હમાસ સુન્ની સંગઠન છે જ્યારે હિઝબુલ્લાહ શિયા સંગઠન છે. ૧૯૮૦ના દાયકામાં હિઝબોલ્લાહનો ઉદય થયો હતો, જ્યારે હમાસનો પાયો ૧૯૨૦માં નાખવામાં આવ્યો હતો, પરંતુ તેની રચના ૧૯૮૭માં થઈ હતી.

હસન નસરાલ્લાહ ૧૯૯૨થી હિઝબુલ્લાહના મહાસચિવ છે. નસરાલ્લાહને તેમના સમર્થકો દ્વારા પ્રભાવશાળી વ્યક્તિ માનવામાં આવે છે. નસરાલ્લાહના નેતૃત્વમાં હિઝબોલ્લાએ ઈઝરાયેલમાં ઘણી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ૬૩ વર્ષીય નસરાલ્લાહ હવે લેબનોનના મોટા રાજનેતા પણ છે. હિઝબોલ્લાહ ઈઝરાયેલના ઉત્તરમાં મોજૂદ છે, જ્યારે હમાસ ગાઝા પટ્ટીમાં સક્રિય છે. તેમની પાસે રોકેટ, મિસાઈલ, એન્ટી ટેન્ક મિસાઈલ અને એર ડિફેન્સ સિસ્ટમ જેવાં હથિયારો છે. હિઝબોલ્લાહ પાસે કોઈ પણ દેશની સેના જેટલી ક્ષમતા છે. હિઝબોલ્લાહના શસ્ત્રાગારમાં કટ્યુષા રોકેટ, ફતાહ-૧૧૦ જેવી મધ્યમ-અંતરની બેલેસ્ટિક મિસાઇલો અને જલાલ અને સ્કડ-ડી જેવી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલે ઉત્તરમાં હિઝબોલ્લાહ અને દક્ષિણમાં હમાસ સાથે એકસાથે યુદ્ધ કરીને મોટું જોખમ
ઉઠાવ્યું છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top