Charchapatra

જાહેર દાદાગીરી

સુરત શહેરવાસીઓ પૈકીના ખાસ કરીને સેન્ટ્રલ ઝોન સહિતના મોટા ભાગના રહેણાંક અને ધંધાકીય વિસ્તાર પર દરરોજ નજર સામે જ વાહનવ્યવહારની અગવડ સાથે પગપાળા પસાર થઈ રહેલાં નાગરિકોમાં મોટા ભાગે સિનિયર સિટીઝનને સહેલાઇથી રસ્તાઓ પર આવનજાવન હવે, કઠીન બની છે.એમાં પણ કોઈ મોટી ઉંમરનાં સ્ત્રી હોય કે પુરુષ વાહનચાલકોને ગંતવ્યસ્થાન ઉપરથી કોઈ જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવાની હોય ત્યારે જે તે દુકાન પાસે પૂરતી પાર્કિંગની સગવડ નથી હોતી.

એવા સ્થાન ઉપર આજુબાજુના દુકાનદારો પોતાની દુકાનની સામેના જ જાહેર માર્ગ ઉપર ટ્રાફિક જામ થઇ જાય તેમ વિવિધ પ્રકારની આડશો – લોખંડના સ્ટેન્ડ, જાળીઓ પાથરીને પોતાની દુકાન પર પોતાનાં ઘરાકો સહેલાઇથી આવી શકે એવો મોકળો માર્ગ કરતાં રહે છે.  આ જગજાહેર દૂષણ કહો કે, જાહેર માર્ગ ઉપરનું ગેરકાયદેસરનું દબાણ, સુરત મહાનગરપાલિકાનાં વિવિધ સ્થળોએ આ એક ખૂબ જ માથાફરેલ સમસ્યારૂપ પડકારજનક પુરવાર થઈ ચૂકેલ બાબતો છે.  બેશક આ તો, બિલાડીના ગળામાં,જાણે ઘંટો બાંધવા જેવી વાત છે. પરંતુ જે તે વિસ્તારના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના (મનપાના) નગરસેવકોની પ્રાથમિક ફરજમાં આવતી આવા પ્રકારની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવાની અણઆવડત કહો કે,મિલીભગત હવે આમ વાતો છે. 

શહેરનો વંઠેલ વિકાસ આખેઆખા તળ અને શાંત સુરતને જાણે ઓહિયા કરી ગયો છે. બહુચર્ચિત ચૌટાબજારનાં દબાણો હવે ચારે કોર વધતાં જાય તેમ દેખા દે છે. નજીક આવેલ એક સમયનો બાલાજી રોડ પણ હવે ચૌટાબજારના જ એક સમાવિષ્ટ ભાગ તરીકે આકાર ધારણ કરી શાંત રહેણાંક વિસ્તારને જાણે અશાંત વાણિજ્ય વિસ્તારમાં તબદીલ થઇ રહ્યો હોય તેમ જણાય છે. મોટા મંદિર પરિસર નાનું થઈ ચૂકેલ છે, ગોપીપુરાનું એક સમયનું હિન્દુ મિલન મંદિર પણ જાણે અદૃશ્ય થઇ ગયું? હદ બહાર આખા સુરત શહેરના માર્ગ ઉપર મોકળાશના બદલે ટ્રાફિક જામની સ્થિતિ દરરોજ જોવા મળે છે.ખાસ કરીને પીક અવર્સમાં એક વિસ્તારમાં, વાહનચાલકો માટે જે રીતે ધમકીભર્યા શબ્દો પણ ભીંત ઉપર ચિતરાયા છે.

એ જોતાં લાગે છે કે,આ શહેરવાસીઓ પૈકીનાં અધધ નાગરિકો કાયદાને આસાનીથી હાથમાં લઈને બેરોકટોક વટકે સાથ ફરતાં રહે છે. તમામ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરાઇ હશે,ભૂતકાલીન પણ આ વાતો પણ સ્પષ્ટ છે કે, કોઈ પણ નાગરિક જ્યાં સુધી લેખિત રજૂઆત કે ફરિયાદ દાખલ નહીં કરે ત્યાં સુધી નગરસેવકો હોય કે જાહેર સંસ્થાકીય સત્તાવાળાઓ તરફથી દર વખતની જેમ, દબાણો દૂર કરવાનાં રીતસરનાં નાટકો જ ભજવાય છે કે શું? શું આવી અનેક સમસ્યાઓથી આ મહાશયો અજાણ તો નથી જ ને? આશા રાખીએ છીએ કે,જાહેર માર્ગ ઉપરના દિનપ્રતિદિન વધતા જતા દૂષણયુક્ત દબાણો સત્તાવાર રીતે ફરિયાદ વગર, કાયદાકીય જોગવાઈ મુજબ દૂર થાય તો જ રાજધર્મ અને નાગરિક ધર્મની ગરિમા જળવાઈ રહેશે.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top