World

શ્રીલંકાને મળ્યા બીજા મહિલા વડાપ્રધાન, હરિની અમરસૂર્યાએ લીધા શપથ

અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ હવે નવા વડાપ્રધાને પણ શપથ લીધા છે. હરિની અમરસૂર્યાએ મંગળવારે શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વર્ષ 2000માં સિરીમાવો ભંડારનાઈકે પછી વડાપ્રધાન તરીકે આ પદ સંભાળનાર તે બીજા મહિલા નેતા બન્યા છે. તમને જણાવી દઈએ કે ‘નેશનલ પીપલ્સ પાવર’ (NPP)ના 54 વર્ષીય નેતા અમરસૂર્યાને રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકેએ શપથ લેવડાવ્યા હતા.

દિસનાયકેએ પોતાના સહિત ચાર સભ્યોની કેબિનેટની નિમણૂક કરી છે. અમરસૂર્યાને ન્યાય, શિક્ષણ, શ્રમ, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને રોકાણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે. તેઓ વડા પ્રધાન દિનેશ ગુણવર્ધનેનું સ્થાન લેશે, જેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી પછી તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. NPP સાંસદો – વિજીતા હેરાથ અને લક્ષ્મણ નિપુર્ણાચીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. સંસદ ભંગ થયા બાદ તેઓ કેબિનેટ મંત્રી તરીકે કામ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે નવેમ્બરના અંતમાં સંસદીય ચૂંટણી યોજાઈ શકે છે. 56 વર્ષીય દિસાનાયકેએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ રવિવારે શ્રીલંકાના નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

શ્રીલંકાને નવા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મળ્યા બાદ વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) હવે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા સાથે સુધારાને લઈને વાત કરશે. IMF એ મંગળવારે જણાવ્યું હતું કે તે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની આગેવાની હેઠળની શ્રીલંકાની નવી સરકાર સાથે કામ કરવા આતુર છે અને ટૂંક સમયમાં દેશના લોન પ્રોગ્રામની આગામી સમીક્ષાના સમય અંગે ચર્ચા કરશે. IMF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે શ્રીલંકાને 2022 માં તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી બહાર આવવામાં મદદ કરી છે. મહેનતથી કમાયેલી સિદ્ધિઓ પર નિર્માણ કરવા માટે રાષ્ટ્રપતિ દિસાનાયકે અને તેમની ટીમ સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.

Most Popular

To Top