World

ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં લેબનોનમાં 492ના મોત, હિઝબુલ્લાએ 200 રોકેટ છોડી વળતો હુમલો કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના 1600 ટાર્ગેટોને નિશાન બનાવીને નષ્ટ કરી દીધા છે. લેબનોનમાં આખી રાત બોમ્બ ફેંકવામાં આવ્યા છે. હુમલામાં અત્યાર સુધીમાં 35 બાળકો સહિત 492 લોકોના મોત થયા છે.

ઈઝરાયેલે ચેતવણી આપી છે કે હિઝબુલ્લાહ વિરુદ્ધ વધુ હુમલા કરવામાં આવશે. આવી સ્થિતિમાં લેબનીઝ નાગરિકોને પોતાના ઘર સહિત તે વિસ્તારો ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી છે જ્યાં હિઝબુલ્લાહ શસ્ત્રો છુપાવી રહ્યો હોવાની આશંકા છે. IDFનો દાવો છે કે લેબનોનમાં ઘરોમાં એક હજાર કિલો વજન ધરાવતા ભારે રોકેટ મળી આવ્યા છે.

સોમવારે 2006 પછી પ્રથમ વખત લેબનોનમાં સંઘર્ષનો સૌથી ભયંકર દિવસ જોવા મળ્યો. ઈઝરાયેલના હુમલામાં 492 લોકો માર્યા ગયા હતા. જેમાં 35 બાળકો અને 58 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 1,645 લોકો ઘાયલ થયા હતા. લેબનીઝ અધિકારીઓએ જણાવ્યું હતું કે 2006ના ઇઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ બાદ આ સૌથી ઘાતક હુમલો હતો.

લેબનીઝના ઘરોમાં છુપાયેલા ઘાતક હથિયારો મળ્યા
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે લેબનોનમાં 1600 ટાર્ગેટ સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. મોટાભાગના હુમલાઓ એવા ઘરોમાં કરવામાં આવ્યા હતા જ્યાં હિઝબુલ્લાહ પાસે હથિયારો છુપાયેલા હતા. તેમાં સેંકડો કિલોમીટર સુધીના લક્ષ્યાંકો સાથે ક્રૂઝ મિસાઇલ, 1,000 કિલોગ્રામ વોરહેડ્સ સાથે ભારે રોકેટ, 200 કિલોમીટર સુધીની રેન્જવાળા રોકેટ, ટૂંકા અંતરના રોકેટ અને સશસ્ત્ર માનવરહિત હવાઈ વાહનોનો સમાવેશ થાય છે.

હગારીએ દાવો કર્યો હતો કે સોમવારના મોટા હવાઈ હુમલાથી હિઝબુલ્લાહને ભારે નુકસાન થયું છે. તેણે ઓપરેશનના અંત માટે કોઈ સમયમર્યાદા આપી ન હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલ જરૂર પડ્યે લેબેનોન પર જમીની હુમલો કરવા માટે તૈયાર છે. ઈઝરાયેલની સેના હિઝબુલ્લાહને લેબેનોનની સરહદોમાંથી બહાર કાઢવા માટે જે જરૂરી હશે તે કરશે.

હિઝબુલ્લાહે પણ ઈઝરાયેલ પર 200 રોકેટ છોડ્યા
જો કે, ઇઝરાયેલની કાર્યવાહીનો જવાબ આપવા માટે હિઝબુલ્લાએ પણ કમર કસી છે. હિઝબુલ્લાએ લેબનોનમાંથી ઉત્તર ઇઝરાયેલમાં 200 રોકેટ છોડ્યા છે. જ્યારે હિઝબુલ્લાએ મોડી રાત્રે હુમલો કર્યો ત્યારે હૈફા, અફુલા, નાઝરેથ અને ઉત્તર ઇઝરાયેલના અન્ય શહેરોમાં રોકેટ સાયરન વાગવા લાગ્યા હતા. હિઝબુલ્લાએ આખી રાત રોકેટ છોડ્યા હતા. હિઝબુલ્લાએ કહ્યું, અમે ઈઝરાયલના ઘણા સૈન્ય મથકો અને એરપોર્ટને નિશાન બનાવ્યા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે, મોટાભાગના રોકેટને અમારી આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેમાં કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી.

હજારો લોકો દક્ષિણ લેબનોનથી બૈરૂત તરફ ભાગતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો
ઇઝરાયેલી સેનાએ દક્ષિણ અને પૂર્વી લેબનોનના રહેવાસીઓને હિઝબુલ્લાહ સામે હવાઈ હુમલા પહેલા તેમના ઘર ખાલી કરવા ચેતવણી આપી હતી. એલર્ટ બાદ હજારો લોકો દક્ષિણ લેબનોનથી બેરૂત તરફ ભાગી જતા જોવા મળ્યા હતા. અનેક ગામો અને શહેરો ખાલી પડી ગયા છે. 2006 પછી અહીં સૌથી વધુ સ્થળાંતર જોવા મળ્યું હતું. દક્ષિણના બંદર શહેર સિડોનથી બૈરુત તરફ જતા મુખ્ય ધોરીમાર્ગ વાહનોથી જામ થઈ ગયો હતો.

આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનીઝ નાગરિકોને ચેતવણીને ગંભીરતાથી લેવા સૂચના આપી હતી. નેતન્યાહુએ કહ્યું. એકવાર અમારું ઓપરેશન પૂરું થઈ જાય, પછી તમે સુરક્ષિત રીતે તમારા ઘરે પાછા આવી શકો છો.

શું છે હુમલાનું કારણ?
હકીકતમાં ગયા વર્ષે 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન હમાસના લડવૈયાઓ અચાનક ઇઝરાયેલમાં ઘૂસી ગયા હતા અને હુમલો કર્યો હતો. આ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. લગભગ 250 ઇઝરાયેલ નાગરિકોને હમાસના લડવૈયાઓએ ગાઝામાં બંધક બનાવ્યા હતા. જે બાદ ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો અને હમાસના છેલ્લા ફાઈટરને મારીને જ યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરી. ઘણા દેશોએ બંને બાજુથી સંયમ રાખવાની હાકલ કરી છે.

આ દરમિયાન હમાસના સમર્થનમાં લેબનીઝ લડવૈયાઓ (હિઝબુલ્લાહ) પણ મેદાનમાં આવ્યા છે અને ઈઝરાયેલ પર રોકેટ વડે હુમલો કરી રહ્યા છે. હવે ઈઝરાયેલે પણ હિઝબુલ્લા સાથે લડવાની તૈયારી કરી લીધી છે અને છેલ્લા કેટલાક દિવસોથી લેબનોનમાં શ્રેણીબદ્ધ હુમલાઓ જોવા મળી રહ્યા છે.

Most Popular

To Top