સુરતઃ શહેરમાં એક આઘાતજનક પરંતુ વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની છે. સામાન્ય રીતે પુરુષ દ્વારા બ્લેકમેઈલ કરાતા સ્ત્રીના આપઘાતના કિસ્સા સાંભળવા મળતા હોય છે, પરંતુ સુરતમાં પરિણીત પ્રેમીકાના બ્લેકમેઈલિંગથી ત્રાસીને એક પરિણીત પ્રેમીએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સલાબતપુરા વિસ્તારમાં પરિણીત પુરુષે આપઘાત કર્યો છે. 34 વર્ષીય અઝીઝ લતીફ શેખ માનદરવાજા હળપતિ વાસમાં પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક વર્ષનો દીકરો છે. અઝીઝ કાપડ માર્કેટમાં પાર્સલ ઊંચકી પરિવારનું ગુજરાન ચલાવે છે.
રવિવારે તા. 22 સપ્ટેમ્બરના રોજ ઘરમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી અઝીઝે ફાંસો ખાઈ લીધો હતો. પરિવાર તેને સિવિલ હોસ્પિટલ લઈ પહોંચ્યો હતો પરંતુ મોડું થઈ ચૂક્યું હતું. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સલાબતપુરા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધાયા છે.
આ કેસની વધુ મળતી વિગત અનુસાર અઝીઝના લગ્ન પહેલાં એક યુવતી સાથે સંબંધ હતો. 11 વર્ષ પહેલાં યુવતીના અન્યત્ર લગ્ન થયા હતા. અઝીઝે પણ પરિવારની પસંદની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે લગ્નના પાંચ વર્ષ બાદ જૂના પ્રેમીઓ ફરી સંપર્કમાં આવતા બંને વચ્ચે લગ્નેત્તર સંબંધો બંધાયા હતા.
અઝીઝની પત્ની આ વાત જાણતી નહોતી. થોડા સમય પહેલાં તેની પત્નીને જાણ થતા તેણે વિરોધ કર્યો હતો. પત્નીએ ના પાડતા અઝીઝે પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. જોકે, અઝીઝની પ્રેમિકા વારંવાર ફોન કરી સંબંધ રાખવા દબાણ કરતી હતી. આપઘાત કરવાની ધમકી આપી હતી. માનસિક તણાવમાં આવી આખરે અઝીઝે જ આપઘાત કરી લીધો હતો.