Columns

વન નેશન, વન ઇલેક્શન દેશને છેવટે વન પાર્ટીની સિસ્ટમ તરફ લઈ જશે

ભારતમાં નવું બંધારણ અમલમાં આવ્યા પછી પહેલી વખત સામાન્ય ચૂંટણીઓ થઈ ત્યારે કેન્દ્રમાં અને રાજ્યોમાં ચૂંટણીઓ સાથે જ થઈ હતી. સમય જતાં રાજ્યોની વિધાનસભાઓ અને પછી લોકસભા પણ તેની મુદત પૂરી ન કરી શકતાં કેન્દ્રમાં અને રાજ્યોમાં અલગ અલગ તારીખે ચૂંટણીઓ થવા માંડી હતી. હવે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે દર વર્ષે દેશના કોઈ ને કોઈ રાજ્યમાં ચૂંટણી ચાલતી હોય છે, જેને કારણે ખાસ કરીને વડા પ્રધાને કાયમ માટે ચૂંટણી પ્રચાર માટે સમય ફાળવવો પડતો હોય છે.

વળી કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ અલગ અલગ સમયે થતી હોવાથી પ્રાદેશિક પક્ષોને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવાની તક મળે છે, જેના આધારે પ્રાદેશિક પક્ષો પણ સત્તામાં આવી શકતા હોય છે. હવે જો આખા ભારતમાં લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે કરાવવામાં આવશે તો ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષોને જબરદસ્ત ફાયદો થશે અને પ્રાદેશિક પક્ષો નબળા પડી જશે. તેનું પરિણામ એ આવશે કે દેશમાં એક પક્ષનું શાસન સ્થપાશે અને છેવટે લોકશાહી પણ નબળી પડી જશે.

કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક દેશ, એક ચૂંટણી પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી લીધી છે. આ સમિતિની રચના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનો દાવો છે કે વન નેશન વન ઇલેક્શન એ ચૂંટણી સુધારા તરફ એક મોટું પગલું છે. સમિતિની દરખાસ્તો અનુસાર ભારતમાં વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માટે બે મોટા બંધારણીય સુધારાની જરૂર પડશે.

આ અંતર્ગત પહેલાં બંધારણની કલમ ૮૩ અને ૧૭૨માં સુધારો કરવો પડશે. પરંતુ વર્તમાન લોકસભામાં ભાજપ પાસે માત્ર ૨૪૦ બેઠકો છે અને મોદી સરકારને બહુમતી માટે સાથી પક્ષોના સમર્થનની જરૂર છે, માટે સરકાર માટે આ કાર્ય બહુ સરળ લાગતું નથી. જો ભાજપના મોરચાની સરકાર કોઈ પણ રીતે તડજોડ કરીને સંસદમાં બંધારણ સુધારાઓ પસાર કરાવી લે તો પણ ભારતમાં ૨૦૨૯ પહેલાં વન નેશન, વન ઇલેક્શન સંભવિત જણાતું નથી, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રિટાયર થઈ ગયા હશે.

સ્વતંત્રતા પછી ભારતમાં નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમ વખત ૧૯૫૧-૫૨માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારે પહેલી વાર ૨૨ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ એક સાથે યોજાઈ હતી. આ પ્રક્રિયા લગભગ ૬ મહિના સુધી ચાલી હતી. ભારતમાં યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં લગભગ ૧૭ કરોડ મતદારોએ ૪૮૯ લોકસભા બેઠકો માટે મતદાન કરવાનું હતું , જ્યારે હાલમાં ભારતમાં મતદારોની સંખ્યા લગભગ ૧૦૦ કરોડ છે.

ભારતમાં ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં ઘણાં રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. જો કે, તે પછી પણ ૧૯૫૫માં આંધ્ર પ્રદેશ, ૧૯૬૦-૬૫માં કેરળ અને ૧૯૬૧માં ઓડિશામાં અલગ ચૂંટણીઓ યોજાઈ હતી. વર્ષ ૧૯૬૭ પછી કેટલાંક રાજ્યોની વિધાનસભા વહેલી ભંગ કરી દેવામાં આવી હતી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આ સિવાય વર્ષ ૧૯૭૨માં યોજાનારી લોકસભાની ચૂંટણી પણ સમય પહેલાં યોજાઈ હતી. હકીકતમાં ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થતાંની સાથે જ સરકાર કોઈ નવી યોજના લાગુ કરી શકતી નથી. વન નેશન, વન ઇલેક્શનથી ચૂંટણી પર થતા ખર્ચમાં પણ ઘટાડો થશે.

ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાનો મુદ્દો વર્ષ ૧૯૮૩માં પણ ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કેન્દ્રની ઈન્દિરા ગાંધી સરકારે તેને કોઈ મહત્ત્વ આપ્યું ન હતું. તે પછી વર્ષ ૧૯૯૯ માં ભારતમાં કાયદા પંચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાનું સૂચન કર્યું હતું. તે સમયે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર ચાલી રહી હતી. વર્ષ ૨૦૧૪માં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાનો મુદ્દો સામેલ કર્યો હતો. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વન નેશન વન ઈલેક્શનનો ઉલ્લેખ કર્યો હતો.

જો કે વિપક્ષી પાર્ટીઓ અને રાજકીય વિશ્લેષકો આ મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે. હાલમાં મહારાષ્ટ્ર અને હરિયાણાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જ્યાં ગત વખતે એકસાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જ્યારે આ વર્ષે આ બંને રાજ્યોની ચૂંટણી પણ અલગ અલગ યોજાઈ રહી છે. આ સિવાય ઘણી એવી ચૂંટણીઓનો પણ ઉલ્લેખ છે જે વન નેશન વન ઇલેક્શનના સિદ્ધાંત સાથે મેળ ખાતી નથી. વરિષ્ઠ વકીલ અને બંધારણીય નિષ્ણાત સંજય હેગડે કહે છે કે આને લાગુ કરવા માટે સરકારે ઘણા બંધારણીય સુધારા કરવા પડશે અને તે નિશ્ચિત નથી કે તેના સાથી પક્ષો તેને ટેકો આપશે કે નહીં. જો તે પસાર થશે તો પણ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે, કારણ કે તે બંધારણના મૂળભૂત માળખાને બદલી નાખશે.

લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ અને બંધારણના નિષ્ણાત પી.ડી.ટી. આચારીના જણાવ્યા અનુસાર વન નેશન, વન ઇલેક્શન લાગુ કરવા માટે, બંધારણમાં સુધારો કરવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. વન નેશન, વન ઇલેક્શનની કલ્પના જ ભારતના બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી બંધારણની સાતમી અનુસૂચિમાં રાજ્યની યાદીમાં આવે છે. રાજ્ય સરકારને રાજ્યની વિધાનસભાનો અકાળે ભંગ કરવાનો અધિકાર છે. પરંતુ એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે રાજ્ય આ વિધાનસભાઓમાંથી અધિકાર છીનવી લેવામાં આવશે, જે બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે, તેથી આવું ક્યારેય ન થઈ શકે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે, જે રાજ્યોનો કાર્યકાળ પૂર્ણ થયો નથી ત્યાંની વિધાનસભાઓને પણ ભંગ કરવી પડશે. રાજ્ય સરકારને હવે વિધાનસભા ભંગ કરવાનો અધિકાર રહેશે નહીં અને તેનું નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે જશે. વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહે કહ્યું હતું કે વન નેશન, વન ઈલેક્શન આજની વાત નથી. તેના પ્રયાસો ૧૯૮૩થી શરૂ થયા હતા અને પછી ઈન્દિરા ગાંધીએ તેને ફગાવી દીધી હતી. ચૂંટણીમાં કાળાં નાણાંનો મોટા પાયે ઉપયોગ થાય છે અને જો ચૂંટણી એકસાથે યોજાય તો તે નોંધપાત્ર રીતે ઘટશે. બીજું રાજકીય પક્ષો અને ઉમેદવારો પર ચૂંટણી ખર્ચનો બોજ ઓછો થશે, કારણ કે રાજકીય પક્ષો પર સૌથી મોટો બોજ ચૂંટણી ફંડનો છે. આવી સ્થિતિમાં વન નેશન, વન ઇલેક્શનથી નાની પાર્ટીઓને ફાયદો મળી શકે છે કારણ કે તેમને વિધાનસભા અને લોકસભા માટે અલગથી પ્રચાર કરવાની જરૂર નહીં પડે.

ભારતના બંધારણની સાતમી અનુસૂચિ વિવિધ મુદ્દાઓ પર રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાના વિભાજન વિશે વાત કરે છે. કેન્દ્ર સરકારને કેન્દ્રની સૂચિના વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર છે, જ્યારે રાજ્ય સૂચિ રાજ્ય સરકાર હેઠળ છે. સમવર્તી યાદીના વિષયો પર કેન્દ્ર અને રાજ્ય બંનેને સત્તા આપવામાં આવી છે. કેશવાનંદ ભારતીના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તમે બંધારણમાં કોઈ પણ સુધારો કરી શકો છો, પરંતુ તમે તેના મૂળભૂત માળખાને બદલી શકતા નથી.

૪૭ રાજકીય પક્ષોએ આ વન નેશન વન ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને પોતાનો જવાબ મોકલ્યો હતો, જેમાંથી ૧૫ પક્ષોએ કહ્યું હતું કે તે લોકશાહી અને સંઘીય માળખાની વિરુદ્ધ છે. જે રાજ્યની સરકાર સમય પહેલાં પડી જશે ત્યાં ફરીથી બાકીની મુદત માટે વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. એટલે કે, તે GST જેવું હશે, જેને વન નેશન વન ટેક્સ કહેવામાં આવે છે. તેમ છતાં આપણે ટોલ ટેક્સ, ઇન્કમ ટેક્સ જેવા ઘણા પ્રકારના ટેક્સ ચૂકવીએ જ છીએ. વન નેશન, વન ઇલેક્શન સરમુખત્યારશાહીની દિશામાં પ્રયાણ હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top