Comments

કેવી રીતે અલગ-અલગ ધર્મનાં લોકોને એકસાથે શાંતિથી જીવવા પ્રેરિત કરી શકાય?

આધુનિક યુગનો એક મોટો પડકાર એ છે કે કેવી રીતે અલગ-અલગ ધર્મનાં લોકોને એકસાથે શાંતિથી જીવવા પ્રેરિત કરી શકાય? મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયામાં ધાર્મિક બહુમતીવાદના સિદ્ધાંત પર રાષ્ટ્ર-રાજ્યોની રચના અને બિનખ્રિસ્તી વસ્તીનું યુરોપ અને ઉત્તર અમેરિકામાં સ્થળાંતર, ધર્મના આધારે કડવા અને ઘણી વાર હિંસક સંઘર્ષો પેદા કરે છે. ઘમંડ અને શ્રેષ્ઠતાની ભાવના સામાન્ય રીતે સહનશીલતા અને પરસ્પર સમજણ પર જીત મેળવી લે છે. અમેરિકન વિદ્વાન થોમસ આલ્બર્ટ હોવર્ડે તેમના પુસ્તક ‘ધ ફેઇથ ઓફ અધર્સઃ એ હિસ્ટ્રી ઓફ ઇન્ટરરિલિજિયસ ડાયલોગ’ (ન્યૂ હેવન: યેલ યુનિવર્સિટી પ્રેસ, 2021)માં વધુ આંતર-ધાર્મિક સમજણ માટેનો કેસ સમજાવટપૂર્વક રજૂ કર્યો છે.

હોવર્ડના પુસ્તકનો મોટો ભાગ ખ્રિસ્તી ધર્મ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ધર્મથી તે ખુદ સૌથી વધુ પરિચિત છે. ખ્રિસ્તી ધર્મશાસ્ત્રીઓ એક સમયે સંપૂર્ણ રીતે સહમત હતા કે તેમનો ધર્મ જ એકમાત્ર સાચો ધર્મ છે. વીસમી સદીમાં આમાં ફેરફાર થવા લાગ્યો. એક વાર તેના આધ્યાત્મિક અહંકાર માટે જાણીતા કેથોલિક ચર્ચે 1960ના દાયકામાં અન્ય ધર્મોને સ્વીકારવાની ધીમી પ્રક્રિયા શરૂ કરી. ઓગસ્ટ 1964ના એક પત્રમાં પોપે કહ્યું હતું કે, તેમનું ચર્ચ ‘’વિવિધ બિનખ્રિસ્તી ધર્મોના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઓળખશે અને આદર આપશે.’’ પચીસ વર્ષ પછી બીજા એક પોપે વધુ આગળ વધીને ટિપ્પણી કરી કે, ‘’સંવાદ વ્યૂહાત્મક ચિંતાઓ અથવા સ્વાર્થમાંથી ઉદ્ભવતો નથી, પરંતુ તેના માર્ગદર્શક સિદ્ધાંતો, જરૂરિયાતો અને ગરિમા સાથેની એક પ્રવૃત્તિ છે.’’

હોવર્ડના અભ્યાસમાં આંતર-ધાર્મિક સંવાદના બે ભારતીય સમર્થકો સામેલ છે. એક મુઘલ સમ્રાટ અકબર છે, જેમના લેખનમાં તેઓ મોટા ભાગે 1952માં માખનલાલ રોયચૌધરી દ્વારા પ્રકાશિત પુસ્તક ધ દિન આઈ ઈલાહી અથવા અકબરનો ધર્મ પર આધારિત છે. હું ખાસ કરીને અકબર દ્વારા તેના સમકાલીન સ્પેનના રાજા ફિલિપ દ્વિતીયને લખેલા પત્રથી પ્રભાવિત થયો હતો. યહૂદીઓ અને મુસ્લિમોની હકાલપટ્ટી પછી સ્પેન તેના કેથોલિક ધર્મમાં વધુ ને વધુ કટ્ટર બની રહ્યું હતું.

અકબરે તેના સમકક્ષને ભારતીય કેસમાંથી શીખવાનું કહ્યું, જ્યાં ‘દરેક વ્યક્તિ તેમની દલીલો અને કારણોની તપાસ કર્યા વિના, તે ધર્મનું પાલન કરવાનું ચાલુ રાખે છે જેમાં તે જન્મ્યો હતો અને શિક્ષિત થયો હતો. આમ સત્યની ખાતરી કરવાની સંભાવનાથી ખુદને બાકાત રાખ્યો હતો, જે માનવબુદ્ધિનો સૌથી મહાન ઉદ્દેશ છે. તેથી આપણે [ભારતમાં] અનુકૂળ સમયમાં તમામ ધર્મના વિદ્વાન પુરુષો સાથે જોડાઈએ છીએ. આમ તેમનાં ઉત્કૃષ્ટ પ્રવચનો અને ઉચ્ચ આકાંક્ષાઓથી ફાયદો મેળવીએ છીએ.

બીજા ભારતીય આદર્શ, જેના વિશે હોવર્ડે વિસ્તારથી ચર્ચા કરી છે, તે સ્વામી વિવેકાનંદ છે, જેઓ અકબર પછી ઘણી સદીઓ બાદ થયા હતા. અન્ય વિવેચકોની જેમ, તેઓ 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મસંસદમાં સ્વામીનું ભાષણ દર્શાવે છે. તેઓ સૌ પ્રથમ આપણને આ સંસદના જણાવેલ આદર્શો સાથે પરિચય કરાવે છે, જેમાંથી વિવિધ ધર્મનાં ધાર્મિક લોકો વચ્ચે મૈત્રીપૂર્ણ સંમેલન અને પરસ્પર સમજણના માધ્યમથી માનવીય ભાઈચારાની ભાવનાને પ્રમોટ કરવી અને તેને વધુ ઊંડી કરવી. કાયમી આંતરરાષ્ટ્રીય શાંતિ હાંસિલ કરવાની આશામાં પૃથ્વીના દેશોને વધુ મૈત્રીપૂર્ણ સંગતિમાં લાવવા સામેલ છે.

હોવર્ડ પછી શિકાગો ખાતેના વિવેકાનંદના ભાષણના કેટલાક અંશો આપે છે. એક અંશ સ્વામીનું એ કથન છે કે ‘તેમને એવા ધર્મ સાથે સંબંધ હોવાનો ગર્વ હતો જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિ બંને શીખવ્યાં છે’ અને સાથે તેમને એવા ધર્મ સાથે સંબંધ હોવાનો ગર્વ છે,’ જેણે દુનિયાને તમામ ધર્મો અને તમામ દેશોના સતાવેલા શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. બીજું, અને કદાચ તેનાથી પણ વધુ પ્રાસંગિક વિવેકાનંદનું કથન આ પ્રમાણે છે: ‘સાંપ્રદાયિકતા, ધર્માંધતા અને તેના ભયાનક વંશજ, કટ્ટરતાએ આ ખૂબસૂરત પૃથ્વી પર લાંબા સમયથી કબજો કર્યો છે, …પરંતુ તેનો સમય પૂરો થઈ ગયો છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજે સવારે [સંસદના ઉદ્ઘાટન સમયે] જે ઘંટડી વાગી છે તે તમામ કટ્ટરતા માટે મૃત્યુની ઘંટડી બની શકે છે.

હોવર્ડ અન્ય સંદર્ભોમાં ગાંધીજીનો ઉલ્લેખ કરે છે, પરંતુ કમનસીબે તેમના ધાર્મિક વિચારને ઊંડાણમાં ધ્યાનમાં લેતાં નથી. વાસ્તવમાં, ગાંધી, અકબર અથવા વિવેકાનંદ કરતાં ઊંડા અને વધુ કટ્ટરવાદી અર્થમાં ધાર્મિક બહુલવાદી હતા. તેમણે આંતર-ધાર્મિક સંવાદને આગળ ધપાવ્યો અને આંતર-ધાર્મિક સામાજિક કાર્યો પણ કર્યાં. તેમના સત્યાગ્રહો, પછી ભલે તે દક્ષિણ આફ્રિકામાં હોય કે ભારતમાં, વિશ્વના તમામ ધર્મોની વ્યક્તિઓને પોતાની સાથે જોડવાની કોશિશ કરી. તેમના આશ્રમોમાં વિવિધ ધર્મનાં લોકો એકબીજાથી સતત નિકટતામાં રહેતા હતા, જેનાથી પરસ્પર આદર અને સમજણ ગાઢ બની હતી. તેમની આંતર-ધાર્મિક પ્રાર્થના સભા, જેમાં વિવિધ ધર્મોના ગ્રંથો અને સ્તોત્રો સાથે ભજનો ગવાતાં હતાં, તે આપણા સંઘર્ષગ્રસ્ત સમયમાં યાદ રાખવા યોગ્ય ઉલ્લેખનીય નવીનતા હતી.

નાસ્તિકોથી વિપરીત, ગાંધી એ સ્વીકારવા તૈયાર હતા કે માનવીય સમજની બહાર કોઈ શક્તિ અથવા આત્મા છે. આસ્થાવાન લોકોથી વિપરીત, તેઓ માનતા ન હતા કે તેમનો ધર્મ ભગવાન સુધી પહોંચવાનો એક વિશેષ અને શ્રેષ્ઠ માર્ગ પ્રદાન કરે છે. સપ્ટેમ્બર 1924માં તેમણે ‘ઈશ્વર એક છે’ એવા શીર્ષક સાથે એક લેખ લખ્યો. અહીં તેમણે કહ્યું: ‘હિંદુઓ માટે ઇસ્લામ, ખ્રિસ્તી અથવા પારસી ધર્મને ભારતમાંથી હાંકી કાઢવાની અપેક્ષા રાખવી એ એક નિષ્ક્રિય સપનું છે જેટલું મુસ્લિમો માટે એવું વિચારવું કે માત્ર ઇસ્લામ જ વિશ્વ પર શાસન કરે. …સત્ય એ કોઈ એક શાસ્ત્રની વિશિષ્ટ મિલકત નથી.’

બીજી તરફ, એવું બની શકે કે ગાંધીજીની દેખીતી હાર ભારત અને ભારતીયો માટે તેમના વારસાને વધુ જરૂરી બનાવે છે. ઇસ્લામિક બહુમતીવાદના દાવાથી પાકિસ્તાનનાં લોકો વધુ શાંતિપૂર્ણ કે સમૃદ્ધ બન્યાં નથી. ન બૌદ્ધ બહુમતીવાદને કારણે શ્રીલંકામાં સુખદ પરિણામ આવ્યું છે. તેથી, રાજકારણીઓ તેમ જ આમ આદમી માટે ધાર્મિક સીમાઓ પાર મિત્રતા કેળવવી એ હજી પણ પ્રજાસત્તાકના સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પ્રથમ પગલું હોઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top