National

લાડુ વિવાદ બાદ તિરુપતિ મંદિરના શુદ્ધિકરણ માટે શરૂ કરાયો મહાશાંતિ હોમ, તપાસ સીટને સોંપાઈ

તિરૂમાલાઃ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આદેશ મુજબ મંદિરમાં ફેલાયેલી અશુદ્ધિને દૂર કરવા માટે આજે સોમવારે તા. 23 સપ્ટેમ્બરથી તિરુમાલામાં શાંતિ હોમમ પંચગવ્ય પ્રોક્ષન એટલે કે મહાશાંતિ હોમનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના શુદ્ધિકરણ માટે આ હોમનું આયોજન શ્રીવરી (શ્રી વેંકટેશ્વર) મંદિરમાં બંગારુ બાવી (ગોલ્ડન વેલ) ની યજ્ઞશાળા (કર્મકાંડ સ્થળ)માં કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરકારે હવે કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. સરકાર દ્વારા રચવામાં આવેલી SIT પર ઈન્સ્પેક્ટર જનરલ (IG) અથવા તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. એસઆઈટી સત્તાના દુરુપયોગ સહિત તમામ કારણોની તપાસ કરશે. તપાસ બાદ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે સરકાર આ મામલે કડક કાર્યવાહી કરશે, જેથી લાડુમાં ભેળસેળ જેવી ઘટનાઓ ફરી ન બને.

જગન સરકારે નિયમો બદલ્યા હતા
સીએમ ચંદ્રબાબુ નાયડુએ અગાઉની જગન સરકાર પર આક્ષેપ કર્યો છે કે નિયમો અનુસાર ઘી સપ્લાયર્સ પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો કે, જગન મોહન રેડ્ડીએ સત્તા સંભાળ્યા પછી તે નિયમ બદલ્યો હતો. અનુભવની મર્યાદા ઘટાડીને એક વર્ષ કરાઈ હતી. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે સપ્લાયર્સ માટે જરૂરી ટર્નઓવર પણ 250 કરોડ રૂપિયાથી ઘટાડીને 150 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. નાયડુએ પ્રશ્ન કર્યો કે શુદ્ધ ઘી 319 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય, જ્યારે પામ તેલ પણ આના કરતા મોંઘુ છે. તેમણે કહ્યું કે એઆર ડેરી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડે 12 જૂન 2024થી ઘીનો સપ્લાય શરૂ કર્યો છે.

લેબ ટેસ્ટમાં એનિમલ ફેટના પુરાવા મળ્યા હતા
થોડા દિવસો પહેલા એનડીએ વિધાનસભ્ય દળની બેઠકમાં ટીડીપી સુપ્રીમોએ દાવો કર્યો હતો કે અગાઉની વાયએસઆરસીપી સરકારે શ્રી વેંકટેશ્વર મંદિરને પણ છોડ્યું ન હતું અને લાડુ બનાવવા માટે ગૌણ સામગ્રી અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. બે દિવસ પછી 20 સપ્ટેમ્બરના રોજ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના કાર્યકારી અધિકારી જે શ્યામલા રાવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લેબ ટેસ્ટના નમૂનાઓમાં પ્રાણીની ચરબીની હાજરી બહાર આવી છે. બોર્ડ દ્વારા ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

Most Popular

To Top