વ્યારા: ડોલવણમાં પબજી ગેમ રમતા રમતા એક સગીરાએ હરિયાણાના સગીર સાથે મિત્રતા કેળવી પોતાની માતા સાથે તેને લેવા માટે હરિયાણા પહોંચી હતી. ત્યાંથી સગીરને લઈ વાલોડના એક ગામમાં રહેવા લાગ્યા હતા. સમગ્ર બનાવની જાણ સગીરાના મામા, નાના-નાનીને હતી. છતાં તે માહિતી તેણીના પિતાથી છુપાવી રાખી હતી. જો કે, આ મામલે વાલોડ પોલીસમથકે સગીરાના પિતાએ ફરિયાદ કરતાં તે દિશામાં તપાસ શરૂ કરાઇ હતી. ૧૪થી ૧૫ વર્ષનાં આ બાળકોને પબજી ગેમથી શરૂ થયેલ ઇલુ-ઇલુનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
ડોલવણ તાલુકાના એક ગામની સગીરા ગેમ રમતા રમતા હરિયાણાના સગીર વયના બાળક સાથે સંપર્કમાં આવી હતી. આ સગીરા હરિયાણાના સગીર સાથે છેલ્લા સાત મહિનાથી સોશિયલ મીડિયાની મદદથી વાતચીત કરતી હતી. ત્યાર બાદ સગીરાની જીદ સામે માતા હરિયાણાના સગીરને લેવા જવા માટે તૈયાર થઈ પણ તેના પિતાએ તેમને હરિયાણા જવા ના પાડી હતી. દીકરીના માતા-પિતા વચ્ચે ઝઘડો પણ થયો હતો. જેથી સગીરાની માતા પોતાના સગીર પુત્રને લઈ પોતાના પિયર જવા નીકળી ગઈ હતી, પોતાના પિયર વાલોડથી આ સગીરને લેવા હરિયાણા પહોંચી હતી.
ડોલવણ ગામે રહેતા પિતાએ બંને બાળક અને પત્નીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓના ફોન બંધ આવતા હતા. પિતાને ચિંતા થતાં સમગ્ર ઘટનાથી વાલોડ પોલીસને વાકેફ કરી હતી. પોલીસે તપાસ કરતાં મોબાઈલ ફોનનું લોકેશન હરિયાણાનું મળી આવ્યું હતું. ત્યાર બાદ તમામને વાલોડથી પકડી પાડ્યા હતા. સગીર બાળકને તેના વાલી-વારસોને જાણ કર્યા વિના વાલોડ લઇ આવ્યાનું જાણવા મળ્યું છે. જો કે, હાલ સગીરના પિતા સગીરને તેના ઘરે પરત મૂકવા હરિયાણા ખાતે ગયા હોવાનું જાણવા મળ્યું છે.