દરરોજના વાહનોની લાંબી કતારોથી આસપાસના સ્થાનિકોને પણ અવરજવરમા મુશ્કેલીઓ
ગોકળગતિએ ભૂવાની કામગીરી કરાતાં મોટી બસોને ટર્ન લેવામાં પણ મુશ્કેલીઓ
શહેરના પંડ્યા બ્રિજ નીચે પોલિટેકનિક તરફ જવાના માર્ગે છેલ્લા પચ્ચીસ દિવસથી ભૂવાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોય અહીં વાહનોને સવારે આઠ થી સાંજે પાંચ વાગ્યા સુધી ડાયવર્ઝન આપવાને કારણે દરરોજના દિવસ દરમિયાન ટ્રાફિક જામને કારણે વાહનદારીઓ તથા રાહદારીઓ ને ભારે હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે.
શહેરના પંડ્યા બ્રિજ નજીક એક તરફ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે સ્ટોરેજ બનાવી છેલ્લા એકાદ વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે બીજી તરફ છેલ્લા પચ્ચીસેક દિવસથી પંડ્યા બ્રિજ નજર એક દસ થી અગિયાર ફૂટ જેટલો પહોળો ભૂવો પડ્યો હતો તેની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે અહીં પોલીટેકનિક તરફ જવાના માર્ગને વાહનો માટે સવારે આઠ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી ડાયવર્ઝન આપવામાં આવતા વાહનોને તેમાંય ખાસ કરીને મોટી બસોને રિવર્સ લેવા પડે છે જેના કારણે અહીં વાહનોની કતારો જોવા મળે છે. ખાસ કરીને વડોદરા સેન્ટ્રલ એસ.ટી ડેપોમાંથી અમદાવાદ ગાંધીનગર તરફ જવા બસો નિકળી પંડ્યા બ્રિજ નીચેથી પોલીટેકનિક તરફ ટર્ન લ ઇ કારેલીબાગ થી અમીતનગર બ્રિજથી નિકળી જતી હતી તે જ રીતે અહીં નજીકમાં જ ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો પણ આવેલી હોય ટ્રાવેલ્સની બસો પણ અહીંથી કેટલીક અવરજવર કરતી હોય છે પરંતુ અહીં છેલ્લા પચ્ચીસ દિવસોથી ભૂવાની કામગીરી ગોકળગતિએ ચાલતી હોય અહીં કેટલાક બસોના નવા ડ્રાઇવરો ને ખબર ન હોય તેઓ નિકળતા અહીં ડાયવર્ઝન ને કારણે બસોને પરત ટર્ન લેવા પડે છે બીજી તરફ સતત વાહનોની અવરજવર ને કારણે બસોને વાળવામાં અહીં મોટી સમસ્યા સર્જાય છે જેના કારણે વાહનોની ભીડભાડ જોવા મળે છે જે અંગે સામાજિક કાર્યકર વિજય જાધવ દ્વારા સમગ્ર મામલે મિડિયાના માધ્યમથી રજૂઆત કરતા શુક્રવારે બપોર બાદ ટ્રાફિકપોલીસ ને મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ કેટલીક બસો જોખમી રીતે રોંગસાઇડ થી પસાર થતી હોય અન્ય વાહનો માટે જોખમ ઉભું થઇ શકે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અહીં આ કામગીરી કેટલા દિવસોમાં પૂર્ણ થશે તથા સેન્ટ્રલ એસટી ડેપોથી અમદાવાદ ગાંધીનગર સહિતની બસોને ડાયવર્ટ કરવા માટે આગળથી જ સૂચના કે બોર્ડ ન મૂકાતા અહીં વાહનોની ભીડ થાય છે જેના કારણે છાણી, નવાયાર્ડ તરફના વાહનદારીઓ ખાસ કરીને નોકરિયાત વર્ગને ખૂબ હાલાકી ઉઠાવવાનો વારો આવે છે.