Vadodara

20લાખનો ખર્ચ કરી સ્વચ્છતા માટે ખરીદેલી ઈ-રીક્ષાઓ ભંગાર બની

સ્થાયી સમિતિના ચેરમેનએ તપાસના આદેશ આપ્યા

વડોદરા કોર્પોરેશનના શાસકો અધિકારીઓ સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્કિંગ સુધારવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓની સ્વચ્છતાને લઇ બેદરકારી સામે આવી છે. લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી ઈ-રીક્ષા હાલમાં ભંગાર બની છે. જે અંગે વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બાદ સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કિંગમાં સુધારો થાય તે માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન પાસે હાલમાં જે સાધનો છે તેનો જ ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. ભાયલી ગ્રામ પંચાયત અને વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળે વર્ષ 2019માં ભાયલી ગામ સ્વચ્છ રહે તે માટે 20 લાખના ખર્ચે કચરા કલેક્શન માટે 10 ઈ-રીક્ષાની ખરીદી કરી હતી.

કચરા કલેક્શન માટે ખરીદવામાં આવેલી ઈ-રીક્ષાઓથી ગામ સ્વચ્છ રહેતું હતું, બાદમાં વર્ષ 2020માં ભાયલી ગામનો વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો. ત્યારબાદથી દોઢ વર્ષ સુધી કોર્પોરેશને તમામ ઈ-રીક્ષાનો સ્વચ્છતા માટે ઉપયોગ પણ કર્યો હતો. બાદમાં કોર્પોરેશનના બેજવાબદાર અધિકારીઓના કારણે તમામ ઈ-રીક્ષાઓને ભાયલી શ્મશાનમાં ધૂળ ખાવા મૂકી દેવાઈ છે.
ઈ-રીક્ષાઓ હાલમાં અધિકારીઓના પાપે ભંગાર બની ગઈ છે. ત્યારે નાગરિકો કોર્પોરેશ પર પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ કરતાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે અધિકારીઓની ભૂલના કારણે ઈ-રીક્ષા ભંગાર બની છે. લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી ઈ-રીક્ષાઓ ભંગાર થતાં પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ તમામ ઈ-રીક્ષાઓની ચકાસણી કરવા માટે આદેશ આપી દીધા છે. બંધ પડેલ ઈ-રીક્ષાઓ ફરીથી શરૂ થાય તે માટે જરૂરી રિપેરીંગ કામ હાથ ધરીને ઈ-રીક્ષા ફરીથી પ્રજાના કામમાં ઉપયોગમાં લઇ શકાય તે માટેના પ્રયાસો હાથ ધરવાની બાહેંધરી પણ આપી છે.

Most Popular

To Top