ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં વર્ષોથી ભાજપનો દબદબો છે. અહીં કોઇ અન્ય પાર્ટી સત્તામાં આવે એવી શક્યતાઓ રહેતી નથી. પણ હવે જેમ જેમ ભાજપ આખા દેશના વિવિધ રાજ્યોમાં પગપેસારો કરી રહી છે. એમ જ અન્ય પાર્ટીઓએ પણ ગુજરાતમાં આવાની હિંમત કરી છે. આ વખતે ગુજરાતમાં ચાર પાર્ટીઓ – ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, છોટુભાઇ વાસાવાની (Chhotubhai Vsasa) ભારતીય ટ્રાયબલ પાર્ટી (Bhartiya Tribal Party BTP)- અસદુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi) ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (All India Majlis-e-Ittehadul Muslimeen -AIMIM) પાર્ટી ગઠબંધન કરીને મેદાનમાં ઉતરવાના છે.
26 ડિસેમ્બરે અસદુદ્દીન ઔવેસીની પાર્ટી અને છોટુભાઇ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનની વાત સામે આવી હતી. આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઔવેસીની પાર્ટીએ પોતાની પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસે દગાખોરી કરી હોવાના કારણે છોટુભાઇ વસાવાએ ગુજરાતમાં પણ કોંગ્રેસની સાથે ગઠબંધન તોડ્યું છે. છોટુભાઇએ ભાજપના કટ્ટર અને ગુજરાતમાં પોતાનો ડંકો વગાડવા આતુર ઔવેસી સાથે હાથ મિલાવ્યો છે.
ઓવૈસીની પાર્ટીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સહિત રાજ્યની તમામ ચૂંટણીઓ લડશે. આ મોટા સમાચાર ત્યારે આવે છે જ્યારે તેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને પોતાની પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. સાબિર કાબલીવાલા અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઓવૈસીની પાર્ટીએ જાહેરાત કરી છે કે તેઓ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં પણ ભાગ લેશે. આ સાથે તેમણે રાજ્યમાં ઓછામાં ઓછા 15 વોર્ડમાં ઉમેદવારો ઊભા કરવાની જાહેરાત કરી છે.
પાર્ટીએ એક ફોન નંબર જાહેર કર્યો છે, જેના પર આ પાર્ટીમાં જોડાવા ઇચ્છુક લોકોએ પોતાનો બાયોડેટા મોકલવાનો રહેશે. પાર્ટના ટોચના સભ્યો આ બાયોડેટા વાંચ્યા પછી તેમને પાર્ટીમાં લેવા કે નહીં તે નક્કી કરશે. પાર્ટીના એક સભ્યનું કહેવુ છે કે હાલમાં તેમનું ધ્યાન અમદાવાદ અને ભરૂચમાં યોજાનારી ચૂંટણીઓ પર છે. સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપે મુસ્લિમ,દલિત,આદિવાસી,ગરીબ અને પછાત વર્ગોના વિકાસની ગંભીર અવગણના કરી છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પણ સમાજના નબળા વર્ગોનો વિકાસ થયો નહોતો. તેમણે કહ્યુ કે ગુજરાતની જનતાને મજબૂત નેતૃત્વ અને વિકલ્પની જરૂર છે.