SURAT

કાપોદ્રામાં ચોરીના વહેમમાં રત્નકલાકારને કારખાનામાં ગોંધી માર માર્યો, સવારે લાશ મળી

સુરતઃ હીરા ઉદ્યોગ મંદીના લીધે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ઘણા કારખાનામાં જન્માષ્ટમીમાં વેકેશન આપી દેવાયું હતું. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે રત્નકલાકારો અને કારખાનેદારો વચ્ચે ઘર્ષણના પણ અનેક બનાવ બની રહ્યાં છે. આવી જ એક ઘટના કાપોદ્રામાં બની છે.

કાપોદ્રા રચના સર્કલ પાસે ગાયત્રી નગરમાં હીરાના કારખાનામાંથી કારીગરે 10 દિવસ પહેલા 10 હજારની રોકડ અને 20થી 25 હજારના હીરાની ચોરી કર્યાના વહેમમાં કારીગરને માલિક સહિત કેટલાક લોકોએ કારખાનામાં ગોંધીને માર માર્યો હતો. તેને આખી રાત રૂમમાં પુરી રાખવામાં આવ્યો હતો. સવારે રત્નકલાકારની લાશ મળતા ચકચાર મચી ગઈ છે.

આ ઘટના અંગે એક જાગૃત નાગરિકે કાપોદ્રા પોલીસના ડીસ્ટાફને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કારખાનું ખોલાવ્યું હતું. કારખાનામાંથી કારીગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. કાપોદ્રા પોલીસે કારખાનાના માલિક ઠાકરજીની પૂછપરછ શરૂ કરી છે.

હીરાના કારખાનામાં નોકરી કરતા કારીગર લાલજીનું મોત કંઈ રીતે થયું તે બાબતે પોલીસે આવતીકાલે ફોરેન્સિક પીએમ કરાવી તપાસ કરાવશે. કારીગરને બન્ને હાથ-પગમાં ઈજાના નિશાનો છે.

જેથી તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને તેના જ કારણે મોત થયું હોવાની આશંકા લાગી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાપોદ્રા પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી શકે છે.

Most Popular

To Top