હથોડા: કઠવાડા ગામની ભાગોળેથી અંગત અદાવતે રોડ ઉપરથી પસાર થતા કીમના એક ઈસમનું કારમાં આવેલા ચાર જણા અપહરણ કરી ભાગી છૂટ્યાનો મેસેજ વાયરલ થતાં જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
- જીજાએ સાળીને સીમોદરાના મિતેશ સોલંકી સાથે લગ્ન કરવાની ના પાડી હતી
- મિતેશ ત્રણ મિત્રો સાથે કારમાં આવી જીજાનું અપહરણ કરી ફાર્મહાઉસ લઈ ગયો
- અપહ્યત ચેતન પરમારને ફટકાર્યો, પોલીસે અપહરણકર્તાને સળિયા પાછળ ધકેલી દીધા
કીમના ગીતાનગર ખાતે રહેતા ચેતનભાઇ કાંતિભાઈ પરમારને એક યુવતી સાથે છ વર્ષથી પ્રેમસંબંધ હતો અને ચેતનભાઈની સાળી સાથે સીમોદરા ગામે રહેતા મિતેશકુમાર ગોવિંદભાઈ સોલંકી સાથે લગ્ન કરવાની વાતચીત ચાલતી હતી. જેથી ચેતનભાઇએ સાળીને લગ્ન કરવાની ના પાડી હતી અને ચેતનભાઇએ ટેલીફોન દ્વારા સિમોદરાના મિતેશને પણ જાણ કરી હતી. જેની અદાવત રાખીને સીમોદરાના મિતેશકુમાર ગોવિંદભાઈ સોલંકી અને તેમના ત્રણેય સાથીદારે આજે એકબીજાની મદદગારીથી પૂર્વ આયોજિત કાવતરું રચી મિતેશકુમારની જીજે 19 બીઇ 9683 નંબરની ઓરા ગાડીમાં ધસી આવી ચેતનકુમાર પોતાની જીજે ઝીરો 5 કેવી 0687 નંબરની બાઇક પર બેસી કઠવાડા ગામની ભાગોળેથી પસાર થતા હતા ત્યારે તેમની મોટરસાઇકલ આગળ કાર થોભાવી દઈ ચેતનકુમારને પકડી લીધો હતો. બાદ કારમાં જબરદસ્તીથી બેસાડી અપહરણ કરી ચેતનના મોં, બરડાના ભાગે અને પગમાં લાતો વડે માર મારી ઇજા પહોંચાડી હતી. આ બાબતે માર્ગ પરથી પસાર થતા એક મુસ્લિમ યુવાને વિડીયો ઉતારી તાત્કાલિક જિલ્લા પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ હરકતમાં આવી દોડતી થઈ ગઈ હતી.
અપહરણકારોને શોધવા આકાશપાતાળ એક કરી આખરે માંગરોળ-ઉમરપાડાની હદમાં આવેલા એક ફાર્મહાઉસમાંથી શોધી કાઢી અપરણકર્તાઓની ચુંગાલમાંથી ચેતનકુમારનો છૂટકારો કરાવી ચેતનકુમારનું અપહરણ કરનાર મિતેશ ગોવિંદ સોલંકી, પ્રશાંત ગોવિંદ સોલંકી, જય પંકજ સોલંકી અને નીલ પંકજ સોલંકી (તમામ રહે.,સીમોદરા, તા.માંગરોળ)ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.