વ્યારા: કુકરમુંડામાં ગણેશ વિસર્જન વેળાએ બેન્ડ પાર્ટીમાં નાચવા ગયેલા યુવકને પકડી પોલીસ આઉટ પોસ્ટ પર લઈ ગઈ હતી અને માર મારી બીભત્સ હરકત કરવા દબાણ કરતા હોવાના ગંભીર આરોપ કુકરમુંડાના પોલીસકર્મી અને જીઆરડીના કર્મચારીઓ સામે કરાયા છે. પોલીસ વડાને કરાયેલી ફરિયાદમાં પોલીસ કર્મચારી સાથે બીજા આઠથી દસ જીઆરડીના માણસો પણ હોવાનું જણાવ્યું છે. જો કે, આ લખાય છે ત્યાં સુધી આ મામલે કોઇ ફરિયાદ નોંધાઇ નથી.
કુકરમુંડાના ચિખલીપાડાના બાદલકુમાર બહાદુરસિંગ પાડવીના જણાવ્યા મુજબ તેઓ તા.૧૭/૯/૨૦૨૪ના રોજ બપોરે ૧:૩૦ વાગ્યાના અરસામાં બાલંબા ગામે ગણેશ વિસર્જનમાં બેન્ડ વાગતું હોવાથી ત્યાં નાચવા માટે ગયા હતા. ત્યાં એક યુવકે તેને નાચવા દીધો ન હતો. જેથી પોતાના ગામેથી ગણેશ વિસર્જન યાત્રાના આ બેન્ડને નીકળવા નહીં દેવાનું કહી હાથમાં પથ્થર લઈને ઊભો હતો, ત્યારે પોલીસની ગાડી આવી તેને ઊંચકી ગઈ હતી. આ પૈકીનો એક પોલીસકર્મીએ દારૂનો નશો કર્યો હોવાથી ગાળો આપી બાદલને માર માર્યો હતો. પોલીસકર્મી સાથે બીજા દસથી પંદર જણા બાદલને ઢોર મારવા લાગ્યા હતા, જેમાં આઉટ પોસ્ટ પર ફરજ બજાવતો એક પોલીસકર્મી દારૂના નશામાં હોવાનું બાદલ પાડવીએ જણાવ્યું છે.
દારૂના નશામાં આ પોલીસકર્મી પોતાની સાથે બીજા આઠ-દસ જી.આર.ડી. ગાડીમાં આવી બાદલને પોતાની ગાડીમાં બેસાડી કુકરમુંડા આઉટ પોસ્ટમાં લઈ ગયા હતા અને ત્યાં લાત મારી હતી. ઘૂંટણ ઉપર બેસાડી મોંના સામે પોતાના બુટ લઈ આવી ચાટવા માટે દબાણ કરતો હતો. માનવતાને ન છાજે તેવું તદ્દન નિમ્ન કક્ષાની અશ્લીલ હરકતો કરવા પણ આ પોલીસકર્મી દબાણ કરતો હોવાનું બાદલે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.