Sports

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ: પહેલાં દિવસના અંતે ભારતનો સ્કોર 339/6, અશ્વિને સદી ફટકારી, જાડેજાએ રંગ રાખ્યો

ચેન્નાઈઃ ભારત-બાંગ્લાદેશ સિરિઝની ચેન્નાઈ ખાતે આજથી શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચના પહેલાં દિવસે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાયું હતું. ભારતે 150 રનની અંદર 6 વિકેટ ગુમાવી હતી. બાંગ્લાદેશના બોલર સામે ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યું હતું. રોહિત, વિરાટ, શુભમન ગિલ અને કે.એલ. રાહુલ સસ્તામાં આઉટ થયા હતા. ઋષભ પંતે 39 જ્યારે યશસ્વી જ્યસ્વાલે અર્ધસદી (56) ફટકારી હતી.

એવું લાગતું હતું કે, ભારત પહેલી ઈનિંગમાં સસ્તામાં ઓલ આઉટ થઈ જશે, પરંતુ ત્યાર બાદ અશ્વિન અને જાડેજા ટીમના તારણહાર બનીને આવ્યા હતા. બંને બેટ્સમેનોએ બાંગ્લાદેશી બોલિંગ આક્રમણનો હિંમતથી સામનો કર્યો હતો. અશ્વિને પહેલી બોલથી જ એટેકનું અભિગમ અપનાવ્યું હતું. અશ્વિને વન ડે સ્ટાઈલમાં પોતાની સદી પૂરી કરી હતી. દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવી 339 રન બનાવ્યા છે. રવિચંદ્રન અશ્વિન (102 રન) અને રવિન્દ્ર જાડેજા (86) રમતમાં છે.

આ અગાઉ ટી બ્રેક સુધીમાં ભારતનો સ્કોર 176 થયો હતો. ભારતે 6 વિકેટ ગુમાવી હતી. અહીંથી એવું લાગી રહ્યું હતું કે ભારતનો ધબડકો વળી જશે. ભારતની પહેલી ઈનિંગ વહેલી સમેટાઈ જશે, પરંતુ ત્યાર બાદ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા તારણહાર બનીને આવ્યા હતા. ટી બ્રેક બાદ અશ્વિન અને જાડેજાએ બાંગ્લાદેશી બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું. બંને વચ્ચે 150 થી વધુ રનની ભાગીદારી થઈ હતી. બંનેએ ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.

અશ્વિન અને જાડેજા રમતા હતા ત્યારે બાંગ્લાદેશી બોલરો નિઃસહાય જણાતા હતા. ભારતને ઓછા સ્કોર પર ઓલઆઉટ કરવાનું બાંગ્લાદેશનું સપનું રોળાઈ ગયું હતું.

આ અગાઉ ચેન્નાઈ ટેસ્ટના પહેલાં દિવસે પહેલા સેશનમાં ભારતીય ટીમે બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવી 88 રન બનાવ્યા હતા. લંચ બાદ પંત અને જયસ્વાલે રમત આગળ વધારી હતી. પંત વધુ ટકી શક્યો ન હતો. અંગત 39 રન બનાવી તે આઉટ થયો હતો. 96ના સ્કોર પર ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ જયસ્વાલનો સાથ આપવા કે.એલ. રાહુલ મેદાનમાં ઉતર્યો હતો. જયસ્વાલે ફિફ્ટી ફટકારી હતી. ત્યાર બાદ તે અંગત 56 રન બનાવી આઉટ થયો હતો.

144 પર ભારતે પાંચમી વિકેટ ગુમાવી હતી. 144ના જ સ્કોર પર ભારતની છઠ્ઠી વિકેટ પડી હતી. કે.એલ. રાહુલ માત્ર 16 રન બનાવી આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 4, નાહીદ રાણાએ 1 અને મેહેડી હસને 1 વિકેટ લીધી છે. હાલ ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન રમતમાં છે.

આ અગાઉ બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટને ટોસ દરમિયાન કહ્યું કે તે ત્રણ ઝડપી બોલર અને બે સ્પિનરો સાથે રમવા ઉતરશે. જેમાં ત્રણ ફાસ્ટ બોલર બુમરાહ, સિરાજ અને આકાશ દીપ છે. આ સાથે જ બે સ્પિનરો અશ્વિન અને જાડેજા પણ હશે.

બાંગ્લાદેશની ટીમ પણ ત્રણ ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી છે. રોહિતે ટોસ દરમિયાન કહ્યું મેં પણ પહેલા બોલિંગ કરી હોત. આ પડકારજનક પરિસ્થિતિઓ બની રહી છે. અમે સારી તૈયારી કરી છે. જો આપણે 10 ટેસ્ટ મેચો પર નજર કરીએ તો દરેક મેચ મહત્વની છે પરંતુ અમે અમારી સામે જે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. 

બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. ભારતને પહેલો ઝટકો 14ના સ્કોર પર લાગ્યો હતો. ઈનિંગની છઠ્ઠી ઓવરમાં હસન મહમૂદનો બોલ રોહિતના બેટની કિનારી લઈને સ્લિપમાં કેપ્ટન શાંતોના હાથમાં ગયો. રોહિત છ રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ ક્રિઝ પર શુભમન ગિલ આવ્યો હતો, પરંતુ ગિલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

ભારતને 28ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. શુભમન ગિલ આઠમી ઓવરમાં આઉટ થયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. હાસમ મહેમૂદે તેને વિકેટકીપર લિટન દાસના હાથે કેચ કરાવ્યો હતો. આ પહેલા હસને રોહિતને આઉટ કર્યો હતો. આઠ ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 29 રન પર પહોંચ્યો હતો.

ત્યાર બાદ 34ના સ્કોર પર ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. ઇનિંગ્સની 10મી ઓવરમાં હસન મહેમૂદે વિરાટ કોહલીને વિકેટકીપર લિટન દાસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિરાટ છ રન બનાવી શક્યો હતો. આ પહેલા હસને કેપ્ટન રોહિત શર્મા (6) અને શુભમન ગિલ (0)ને આઉટ કર્યા હતા. ભારતીય ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર છે. 10 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 34 રન છે.

ભારત:  રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશ:  શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહિદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.

Most Popular

To Top