Columns

સુંદર બનાવવા

એક બ્યુટી પાર્લરમાં બહુ જ ગિરદી હતી. ફેસ્ટીવ સીઝન હતી એટલે ઘણા બધા કલાઈન્ટ હતાં.એક ૪૫ વર્ષનાં મહિલા આવ્યાં અને ફુલ બોડી બ્યુટી ટ્રીટમેન્ટ માટે જણાવ્યું.થોડી વાર તેમણે વેઈટીંગ કરવું પડ્યું,પછી તેમનો વારો આવ્યો. બે સુંદર યુવતીઓએ તેમની ટ્રીટમેન્ટ શરૂ કરી, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધી જ ટ્રીટમેન્ટ આપી.ફેસિયલ મસાજ બહુ સરસ કર્યો અને હોટ ઓઈલ ટ્રીટમેન્ટ પણ આપી પછી તેમને થોડી વાર માટે રેસ્ટ લેવા કહ્યું.બધી ટ્રીટમેન્ટનું લાંબુલચક બિલ આવ્યું. ૪૫ વર્ષનાં મહિલા પાર્લરની બધી સેવાથી ખુશ હતાં એટલે તેમણે પર્સમાંથી બિલ ભરવા કાર્ડ બહાર કાઢ્યું અને પેલી યુવતીના હાથમાં આપવા ગયાં ત્યારે તેમનું ધ્યાન પેલી યુવતીના હાથ પર ગયું.તેના હાથ એકદમ સુંદર ,સાફ ,ગોરા અને ચમકતા હતા.તેમણે અચાનક તેનો હાથ પકડી લીધો તો તે હાથ એકદમ મુલાયમ પણ હતો. મહિલા અચાનક ગુસ્સે થઇ ગયાં અને કહેવા લાગ્યાં,તમે ચીટીંગ કરો છો.પેલી યુવતી ડરી ગઈ.બંને યુવતીઓ તેમને સમજાવવા લાગી કે તેમણે કોઈ ચીટીંગ કરી નથી જે કહી તે બધી જ ટ્રીટમેન્ટ બરાબર આપી છે.તે મહિલાની બુમાબુમ સાંભળી પાર્લરના ઓનર લેડી ત્યાં આવ્યાં અને શું થયું તે પૂછ્યું.

યુવતીઓ ડરી ગઈ કે હવે તો આ મહિલા ખબર નહિ શું ફરિયાદ કરશે અને નોકરી જશે કે શું? મહિલાએ કહ્યું, ‘મેં તમારા પાર્લરની મોંઘામાં મોંઘી બધી જ બ્યુટી ટ્રીટમેન્ટ લીધી છે અને હું જે ચાર્જ હોય તે આપવા પણ તૈયાર છું.’પેલી યુવતીએ પોતાના લેડી બોસને કહ્યું, ‘મેડમ અમે બધી જ ટ્રીટમેન્ટ આપી જ છે કોઈ ચીટીંગ નથી કરી.’પેલી મહિલા બોલી, ‘તમે મને બરાબર ટ્રીટમેન્ટ નથી આપી કારણ કે જુઓ મારા હાથ અને જુઓ આ યુવતીના હાથ …તેના હાથ કેટલા સુંદર ,સાફ ,ગોરા,ચમકદાર અને મુલાયમ છે. મારા હાથમાં આવી ચમક અને મુલાયમતા કેમ નથી?’લેડી ઓનર હસ્યાં અને બોલ્યાં, ‘તમે મને જણાવો કે તમે તમારા હાથને સુંદર બનાવતી ટ્રીટમેન્ટ લગભગ કેટલી વાર લો છો.’પેલી મહિલાએ કહ્યું, ‘મહિનામાં એક વાર અથવા કોઈક વાર બે વાર….’ઓનર લેડી બોલ્યાં, ‘આ યુવતી મારા પાર્લરમાં છેલ્લાં સાત વર્ષથી કામ કરે છે.

તેનું કામ છે બધાને સુંદર બનાવવાનું …તે રોજેરોજ અનેક મહિલાઓને સુંદર બનાવે છે.તે આ કામ સતત પોતાની કુશળતા અને હાથની મદદથી જ કરે છે એટલે તેના હાથ સુંદર છે.તેના બીજાને સુંદરતા આપવા મહેનત કરતા હાથ આપોઆપ અનેક ટ્રીટમેન્ટ આપતા ક્રીમના સતત સંપર્કમાં રહે છે અને તે જાળવણી પણ કરે છે એટલે સુંદરતા આપતા હાથ વધુ સુંદર રહે છે.’પેલી મહિલા સમજી ગઈ. તેને પોતાના વર્તન માટે શરમ આવી. તે બોલી, ‘સોરી, મારી ભૂલ થઈ ગઈ પણ એક વાત સરસ સમજી ગઈ કે બીજાને સુંદર બનાવવા જે મહેનત કરે, તો તે આપોઆપ વધુ સુંદર બની જાય.’ચાલો, વધુ સુંદર બનવા બીજાના જીવનને સુંદર બનાવવા મહેનત કરીએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top