Comments

આવો, અમે તૈયાર છીએ, અમને છેતરો

માહિતીના વિસ્ફોટના આ યુગમાં સૌ કોઈ પાસે જરૂરી કરતાં બિનજરૂરી વિગતો હાથવગી, હોઠવગી અને હૈયાવગી થવા લાગી છે. અલબત્ત, પોતાની માહિતીની ખરાઈ કરવાનું વલણ ભાગ્યે જ કોઈની પાસે જોવા મળે છે. અન્ય અનેક ક્ષેત્રો કરતાં આની વધુ આડઅસર સ્વાસ્થ્ય ક્ષેત્રે વધુ જોવા મળે છે. આહાર અને સ્વાસ્થ્યને લગતી સાચી-ખોટી, ચિત્રવિચિત્ર અનેક જાણકારી લોકો જોતાં રહે છે, મોકલતાં રહે છે અને અભાનપણે પોતાના દિમાગમાં સંઘરતાં રહે છે. તબીબોનું કામ પણ આને કારણે અનેકગણું વધ્યું છે, કેમ કે, ઘણા કિસ્સામાં દર્દીઓ તબીબના નિદાન મુજબ નહીં, પણ પોતાની જાણકારી મુજબનો ઈલાજ કરવાની માગણી કરતા જોવા મળે છે.

છેલ્લા ઘણા વખતથી દૂધ અને અન્ય ડેરી પેદાશો પર વિવિધ ઉત્પાદક કંપનીઓ ‘A2’(એ-ટુ)નું લેબલ મારીને વેચાણ કરી રહી છે. માત્ર ઉપરછલ્લી નજરે ગૂગલ પર તપાસ કરતાં જણાશે કે આ શ્રેણીનું ઘી 999/રૂ. થી માંડીને 2,790/રૂ. પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. આહાર સુરક્ષાના કેટલાક નિષ્ણાતોના મતે ઘીનું ‘એ-ટુ’ની શ્રેણીમાં થઈ રહેલું વેચાણ એકવીસમી સદીના આરંભિક કાળથી વેચાણ માટેના અતિ સફળ ગતકડાં પૈકીનું એક છે. આવું ઘી બહેતર ગુણવત્તાયુક્ત હોવાનું કોઈ પ્રમાણ નથી, પણ તેનું પેકેજિંગ અને વેચાણ માટેના નુસખા એવા હોય છે કે અજાણપણે પણ ગ્રાહકો આ ગતકડામાં ભેરવાઈ જાય. ઘણા ઉત્પાદકો ‘એ-ટુ’ના લેબલની સાથે વ્યાપક રીતે દુરુપયોગ કરાયેલું ‘ઓર્ગેનિક’નું લેબલ પણ લટકામાં લગાવી દે છે અને ગ્રાહકોના ખિસ્સાને ખંખેરે છે.

આપણા દેશમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત ‘ફુડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઈન્‍ડિયા’(એફ.એસ.એસ.એ.આઈ.) કાર્યરત છે, જે આહારસંબંધી કાયદાપાલન અંગે ધ્યાન રાખે છે. આ સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે દૂધ કે અન્ય કોઈ પણ ડેરી પેદાશ પર લગાવાતું ‘એ-ટુ’લેબલ ગેરમાર્ગે દોરનારું છે. ફુડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડ્સ એક્ટ, 2006ની જોગવાઈઓ સાથે એ સુસંગત નથી. આ સંસ્થાએ ઉત્પાદકોને પોતાનાં ઉત્પાદનોનું ‘એ-વન’, ‘એ-ટુ’વગેરે જેવું વર્ગીકરણ કરવાની મનાઈ ફરમાવી છે અને આવાં લેબલ દૂર કરવા જણાવ્યું છે.

21 ઑગષ્ટ, 2021ના રોજ કરવામાં આવેલી આ અધિકૃત જાહેરાતના છ મહિનામાં અગાઉથી પૅકેટ પર છાપવામાં આવ્યાં હોય એવાં તમામ લેબલનો ઉપયોગ કરી દેવાની તેમને તાકીદ કરાઈ છે.  ‘એફ.એસ.એસ.એ.આઈ.’ના જણાવ્યા અનુસાર દૂધનાં ઉત્પાદનોમાં ‘એ-વન’, ‘એ-ટુ’જેવો ફરક કેવળ બીટા કેસિન તરીકે ઓળખાતા પ્રોટિનના બંધારણને લઈને હોય છે. એથી વિશેષ કંઈ નહીં. આ જાણીને એ સવાલ થયા વિના રહે નહીં કે તો પછી આ ‘એ-ટુ’નું ગતકડું આવ્યું ક્યાંથી?

અસલમાં યુરોપિયન ફુડ સેફ્ટી ઓથોરિટી (ઈ.એફ.એસ.એ.) દ્વારા 2009માં 107 પાનાંનો એક વૈજ્ઞાનિક અહેવાલ પ્રકાશિત કરાયો હતો. તેમાં જણાવાયું હતું કે દૂધમાં ‘એ-વન’અને ‘એ-ટુ’જેવો ભેદ કરવાની કશી જરૂર નથી. એ પછી ન્યુઝીલેન્‍ડસ્થિત ‘એ-ટુ કોર્પોરેશન’નામની કંપનીએ પોતાનાં ઉત્પાદનોને આ નામે બજારમાં મૂકેલાં અને એ બહેતર ગુણવત્તાનાં હોવાનો દાવો કરેલો. આમ તો, દરેક કંપનીઓનો દાવો આ રીતનો હોય છે અને એમાં કશી નવાઈ નથી, પણ ન્યુઝીલેન્‍ડની ફુડ સેફ્ટીએ જણાવેલું કે એ-વન/એ-ટુ પ્રકારના દૂધનું બંધારણ માનવસ્વાસ્થ્ય માટે મહત્ત્વનું છે એવો દાવો વિશ્વાસપૂર્વક કરતાં અગાઉ એ બાબતે વિશેષ સંશોધન થવું જરૂરી છે. ખાસ કરીને માનવજાત પર તેનો અખતરો થાય એ પછી જ આમ કહી શકાય.

આ તમામ બાબતો જોતાં સહેલાઈથી તારણ કાઢી શકાય કે ‘એ-ટુ’પ્રકાર ગ્રાહકોના ખિસ્સામાંથી સ્વાસ્થ્યના નામે નાણાં કઢાવવા માટેના ગતકડાથી વિશેષ કંઈ નથી. ‘ઈન્‍ડિયન ડેરી ઍસોસિયેશન’ના પ્રમુખ આર.એસ.સોઢીએ આ રીતે ગ્રાહકોને મૂર્ખ બનાવતી કંપનીઓની ટીકા કરી છે અને કહ્યું છે, ‘દૂધ માનવજાત માટે મૂળભૂત રીતે સારું છે. તે પ્રોટિન, કેલ્શિયમ, ચરબી અને વીટામીન જેવાં પોષક તત્ત્વો ધરાવે છે. પણ અમુક પ્રકારનું પ્રોટિન અન્ય પ્રકારના પ્રોટિનની સરખામણીએ બહેતર હોવાનું હજી નિશ્ચિત થઈ શક્યું નથી.’

આખા મામલામાં બે બાબત સ્પષ્ટપણે નજરે પડે છે. એક તો ‘એ-વન’કે ‘એ-ટુ’જેવો કોઈ પ્રકાર માનો કે હોય તો પણ એનું ખાસ કશું મહત્ત્વ નથી. બીજી બાબત એ કે આવાં લેબલથી ઉત્પાદન વેચતી કંપનીઓને આની સુપેરે જાણ છે. તેમનો એક માત્ર હેતુ સ્વાસ્થ્યના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો છે. વર્તમાન સમયમાં છેતરનારાઓની આખી ફોજ એ હદે સક્રિય છે કે ફોન કે ઈન્‍ટરનેટના ઉપયોગથી તેઓ સીધેસીધો પોતાનો શિકાર શોધતા ફરે છે. આ સંજોગોમાં જે લોકો ખુલ્લી આંખે છેતરાવા તૈયાર હોય, સામે ચાલીને નાણાં ખર્ચવા ઈચ્છતા હોય, એટલું જ નહીં, એમ કરવામાં ખર્ચેલાં નાણાંનું સાર્થક્ય સમજતા હોય ત્યારે છેતરનારાને કેવી મજા પડે!

ગ્રાહક તરીકે આપણે એ વિચારવાનું છે કે સ્વાસ્થ્યલક્ષી બાબત હોય કે બીજી કોઈ પણ અગત્યની બાબત હોય, આપણી પાસે કેવળ નાણાં હોવાના કારણે આપણે એ સેવા લઈ રહ્યા છીએ કે ખરેખર એની જરૂર છે? માત્ર દૂધ કે એની પેદાશો પૂરતી આ વાત મર્યાદિત નથી. નૈસર્ગિક સ્રોતને પણ આ જ બાબત લાગુ પડે છે કે માત્ર નાણાંના જોરે તેનો વેડફાટ કરવાનો આપણને પરવાનો મળી જતો નથી. કોઈ પણ સ્રોતના વેડફાટને આપણે આપણા મોભા સાથે સાંકળવાની જરૂર નથી એટલું હવે આપણને સમજાઈ જવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top