સુરતઃ કોઈ માંગણી પુરી ન થાય તો પ્રજા ધરણાં પર બેસે તે તો સાંભળ્યું-જોયું હતું પરંતુ શું તમે ક્યારેક એવું જોયું છે કે નેતા અધિકારીની કચેરી બહાર ધરણાં પર બેસે છે. સુરતમાં આવી વિરલ ઘટના બની છે. અહીંના વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેરની કચેરી બહાર આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર આજે તા. 18 સપ્ટેમ્બરના રોજ ધરણાં પર બેઠાં છે.
સુરતનાં વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં. ઠલવાતું કેમિકલ વાળું પાણી, ગટરોના ગેરકાયદેસર જોડાણો, રેસિડેન્સ સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે વારંવાર રજુઆત કરવા છતાં ઝોનનાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલ માલવિયા વરાછા ઝોન ઓફિસે કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવાની ઓફીસની બહાર ધરણાં પર બેસી ગયા હતા.
આ સંદર્ભે સેજલ માલવિયાએ જણાવ્યું હતું કે, વારંવારની રજુઆતો છતાં પણ ઝોનનાં અધિકારીઓ ગાંઠતા નથી. કાર્યવાહી કરવાને બદલે કાર્યપાલક ઈજનેર વસાવા દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો હતો. સેજલ માલવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિસ્તારનાં નાગરિકોની સમસ્યા અંગે તંત્ર દ્વારા ધરાર લાપરવાહી દાખવવામાં આવી રહી છે અને જેને કારણે લોકોના સમયસર કામો થતાં નથી.
અધિકારીઓને ફક્ત પોતાના વ્હાલા અને મળતીયાઓને જ છાવરવામાં રસ હોય તેવું પ્રતીત થાય છે. જ્યાં ફાયદો દેખાય એવાના જ કામો અધિકારીઓને કરવામાં રસ હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે. જેને પગલે આજે આપ કોર્પોરેટર દ્વારા વરાછા ઝોન કચેરીએ જ કાર્યપાલક ઈજનેર વસાવાની કેબિન બહાર જ ધરણાં પર ઉતરી જતાં ઝોન કચેરીએ આવનારા મુલાકાતીઓમાં પણ કૌતુહલ સર્જાયું હતું.