SURAT

સુરતમાં દિવાળી પહેલાં કાપડનું ઉત્પાદન બંધ થયું, જાણો શું છે મામલો…

સુરતઃ સુરતના સાયણ ગોઠાણ વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારથી કાપડના મશીનોનો ધમધમાટ બંધ થયો છે. દિવાળી આડે હવે દોઢ મહિના બાકી છે ત્યારે ઉત્પાદન બંધ થઈ ગયું છે. કારખાનેદારો તો મશીનો ચાલુ રાખવા માંગે છે પરંતુ એવું શું થયું કે તેઓએ મજબૂરીમાં ઉત્પાદન બંધ કરવું પડ્યું છે, ચાલો જાણીએ..

સુરતનો એક ઔદ્યોગિક વિસ્તાર એવો છે જ્યાં દર વર્ષે દિવાળી બાદ કારીગરો વિફરે છે. કોઈને કોઈ કારણોસર કારીગરો આખાય વિસ્તારને બાનમાં લઈ અશાંતિ ફેલાવે છે. કેટલાંક મુઠ્ઠીભર માથાભારે ઈસમો કામ કરવા માંગતા કારીગરોને પણ કામ પર નહીં જવા ધમકી આપે છે. તેના લીધે દિવસો સુધી કારખાનાઓ બંધ રહે છે. સામાન્ય રીતે માથાભારે શખ્સો દિવાળી બાદ તોફાન કરતા હોય છે, પરંતુ આ વર્ષે દિવાળીના દોઢ મહિના પહેલાં જ માથાભારે ઈસમોએ ધમકીભર્યા લેટર કારખાનાઓ પર ચોંટાડતા કારીગરો કામકાજથી દૂર થયા છે અને એક સાથે હજારો કારખાનાઓમાં કાપડના મશીનો બંધ થઈ ગયા છે.

  • અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન બંધ
  • અનંત ચૌદશની રજા બાદ આજે સવારે પ્રવેશદ્વારે લુખ્ખાઓએ અટકાવ્યા
  • આગળ વર્ષોની જેમ ધમકી ભર્યા પોસ્ટરો લગાવ્યા
  • પોસ્ટર મારનાર છેલ્લા સાતેક વર્ષથી હજુ પકડાયા નથી

આ ઘટના સુરતના સાયણ-ગોઠાણ વિસ્તારમાં આવેલી અંજલિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની છે. અહીં આજે તા. 18 સપ્ટેમબરની સવારથી કારીગરો કામ પર બેઠાં નથી. કારખાનાની બહાર ઉડીયા ભાષામાં કોઈક ધમકીભર્યા પત્રો ચોંટાડી ગયું છે. આ પત્રો વાંચ્યા બાદ કારીગરો મશીનો બંધ કરી જતા રહ્યાં છે, તેના લીધે હજારો મશીનોનો ધમધમાટ બંધ થઈ ગયો છે. બીજી તરફ કારીગરો કામ વિના અંજલિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રખડતાં જોવા મળ્યાં છે.

અંજલિ ઈન્સ્ટ્રીયલ એસ્ટેટના અગ્રણી ઉદ્યોગકાર વિજય માંગુકીયાએ વીડિયો, ફોટા સાથેના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યાં છે. માંગુકીયા લખે છે કે અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉત્પાદન બંધ થયું છે. અનંત ચૌદશની રજા બાદ આજે તા. 18 સપ્ટેમ્બરની સવારે પ્રવેશદ્વાર પર માથાભારે તત્વોએ કારીગરોને કામ પર જતા અટકાવ્યા છે.

ભૂતકાળના વર્ષોની જેમ ધમકી ભર્યા પોસ્ટરો લગાવ્યા છે. ઉડીયા ભાષામાં લખેલા પોસ્ટરમાં કારીગરોને ધમકી આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે દિવાળી બાદ બંધ કરાવે છે પરંતુ આ વર્ષે દિવાળી પહેલાં જ કારખાના બંધ કરાવ્યા છે.

માંગુકીયા વધુમાં લખે છે કે છેલ્લાં સાત વર્ષથી આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવા છતાં આજ દીન સુધી ધમકી આપનારા, તોફાન કરનારા માથાભારે તત્ત્વો પકડાયા નથી. દર વર્ષે આ ધમાલના લીધે ઉત્પાદન બંધ રહેતું હોય કારખાનેદારોને લાખો રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડે છે.

Most Popular

To Top