Business

ચાલો કૂવો ખોદીએ

એક દિવસ ગામની શાળાનાં વિદ્યાર્થીઓને શિક્ષક એક ગરીબ ખેડૂતના ખેતરમાં લઈ ગયા અને બોલ્યા, ‘આજે આપણે બધાંએ અહીં સાથે મળીને આ ખેડૂતને મદદ કરવાની છે. તેના ખેતરમાં પાણીની વ્યવસ્થા કરવા માટે કૂવો ખોદવાનો છે એટલે ચાલો આપણે બધાં સાથે મળીને તેને કૂવો ખોદવામાં મદદ કરીએ.’ બધાં છોકરાંઓ તૈયાર થઇ ગયાં. શિક્ષકે કહ્યું, ‘પહેલાં ખેડૂતને પૂછીને યોગ્ય જગ્યા નક્કી કરો, પછી કામ શરૂ કરો.’

ખેડૂતે જગ્યા બતાવી. શિક્ષકે માપ લઈને જમીન પર નિશાન બનાવ્યાં અને છોકરાઓને ચાર ટુકડીમાં વહેંચી કહ્યું, ‘ચાલો આ નિશાન પ્રમાણે કામ શરૂ કરો. પહેલાં જમીન સાફ કરો, પછી ખોદકામ શરૂ કરો. જે પથ્થર માટી નીકળે તેને ભરીને એક બાજુ કરતાં જાઓ.’ છોકરાઓની ટુકડી પોતાનાં કામ કરવા લાગી. બહુ મહેનતથી કામ કર્યું અને થોડી જ વારમાં કૂવાની જમીનની અંદરથી પાણીનો ઝરો ફૂટ્યો અને થોડું વધુ ખોદતાં તો કૂવો પાણીથી ભરાઈ ગયો.બધાં એકદમ ખુશ ખુશ થઇ ગયાં.

ખેડૂતે બધાંને તાજી શેરડીનો રસ પીવડાવ્યો. શિક્ષક બોલ્યા, ‘આ કૂવામાં પાણી ક્યાંથી આવ્યું? એક છોકરો બોલ્યો, ‘સાહેબ, પાણી તો જમીનમાં અંદર હતું જ. શિક્ષક બોલ્યા, ‘એકદમ બરાબર, કૂવા માટે પાણી ક્યાંયથી બહારથી લાવવું નથી પડ્યું, તે તો જમીનમાં અંદર હતું જ, બસ વચ્ચે થોડા પથ્થર અને માટીના થર અવરોધરૂપે હતા તે તમે મહેનતથી દૂર કર્યા એટલે પાણીથી કૂવો ભરાઈ ગયો.કૂવામાં પાણી લાવવું પડ્યું નથી. બસ જે વચ્ચે રુકાવટ હતી જે તેને બહાર આવતાં રોકતી હતી. તેને દૂર કરવી પડી છે. આવી જ રીતે તમારે તમારી અંદર એક કૂવો ખોદવાનો છે.’

શિક્ષકની વાત સાંભળી બધા ચમકયાં. કોઈને સમજાયું નહિ કે સાહેબ શું કહેવા માંગે છે. શિક્ષક ફરી બોલ્યા, ‘હા, તમારે બધાએ હજી એક કૂવો તમારી અંદર ખોદવાનો છે.તમારી અંદર જ્ઞાન, આવડત, પ્રતિભા છુપાયેલી જ છે. બસ, તેની આડેના પથ્થર અને માટી જેવાં કે આળસ, અનિયમિતતા, તોફાન, મસ્તી, સમયનો વેડફાટ વગેરે અવરોધોને ખોદીને કાઢીને ફેંકી દેવાં પડશે. જો તમે તેમ કરશો તો આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટવાની શરૂઆત થઈ જશે. તમે શારીરિક મહેનત કરી આ કૂવો ખોદી ખેડૂતની મદદ કરી છે અને હવે ચાલો, માનસિક મહેનત કરી બધી રુકાવટો દૂર કરી ચાલો, જ્ઞાનનો કૂવો ખોદવા તૈયાર થઈ જાવ.’ શિક્ષકે સાચી સમજ આપી.
 આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top