સુરત: શહેરમાં 80 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન મોડી રાત સુધી ચાલતુ રહ્યું હતું. રાત્રે 9 વાગ્યા સુધીમાં 62 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન પુરું થયુ હતુ. વિવિધ વિસ્તારોમાંથી મંગળવારે વિસર્જન યાત્રા શરૂ કરાઈ હતી. જોકે આ વખતે જુદો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. રાજમાર્ગ ખાતેની ગણેશ વિસર્જન યાત્રા સાંજે પાંચ વાગ્યે જ પુરી થઈ ગઈ હતી. જ્યારે હજીરા ખાતે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જેથી અહીં ગણપતિ દર્શન કરવા માટે લગભગ 50 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જેને લઈને અહીં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મોટી પ્રતિમાઓનું વિસર્જન હજીરા ખાતે થનાર હોવાથી અહીં મોડી રાત સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી હતી.
શહેરના હજીરા અને મગદલ્લા ઓવારા ખાતે સૌથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મગદલ્લા ઓવારા, ડુમસ નાવડી ઓવારા અને હજીરા ખાતે સાંજે 5 વાગ્યા સુધીમાં 5252 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જ્યારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 7915 હજાર પ્રતિમાઓનું વિસર્જન પુરું થયું હતું. રાત્રે 9 વાગ્યા સુધી સુરતના 21 કૃત્રિમ તળાવો અને 3 ઓવારા મળીને 62,592 હજાર પ્રતિમાઓનું વિસર્જન કાર્ય પુરું થયું હતું. જોકે હજીરા ખાતે મોટી પ્રતિમાઓની ખૂબ લાંબી લાઈનો લાગી હતી જેને કારણે સવાર સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
સાંજ પડતા વિસર્જન કાર્ય ધીમું પડ્યું
હજીરા ખાતે એક સાથે વધુ પ્રતિમાઓ આવી પહોંચતા ખૂબ ટ્રાફિક સર્જાયો હતો. જેને લઈને સાંજ પડતા અહીં વિસર્જન કાર્ય ધીમું પડી ગયું હતું. પાલ આરટીઓ ખાતે પણ ટ્રાફિક જામ થતા ગણેશ આયોજકોને હજીરા જેટી સુધી પહોંચતા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સાંજે પાંચ વાગતા જ હજીરામાં પ્રતિમાઓની લાંબી કતાર લાગી ગઈ હતી. રાત્રે 8 કલાકે 300થી વધુ મૂર્તિઓ કતારમાં હોવાથી ગણેશ આયોજકોને આખી રાત લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું.
પાલ RTO રોડ પર મહાકાય પ્રતિમાઓ વાયરોમાં અટવાતા ઠેર ઠેર ટ્રાફિકજામ
મુંબઈ બાદ સુરતમાં ગણેશોત્સવ ખુબ ધુમધામથી ઉજવાય છે. પરંતુ શહેરમાં વિસર્જનના દિવસે ઉંચી પ્રતિમાઓને કારણે ઘણી મુશ્કેલી સર્જાઈ હતી. આ વર્ષે શહેરમાં ઘણી ઉંચી પ્રતિમાઓની સ્થાપના થઈ હતી. 30 થી 35 ફુટની પ્રતિમાઓ પણ જોવા મળી હતી, પરંતુ આવી પ્રતિમાઓની વિસર્જન યાત્રામાં ઘણી તકલીફ થઈ હતી. હજીરા અને ડુમસ ઓવારા પર જતી આ ઉંચી પ્રતિમાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરના વાયરીંગ તેમજ બ્રિજ પર ઝાડની ડાળીઓને કારણે પ્રતિમાઓને ઉભી રાખવાનો વારો આવ્યો હતો, જેના કારણે ટ્રાફિકજામ થયો હતો અને લોકોને ભારે હેરાનગતિ થઈ હતી.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી પ્રતિમાના વિસર્જન વખતે અનેક મુશ્કેલી પડી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલીક વિશાળ પ્રતિમાઓ જેમ તેમ હજીરા રોડ પર તો પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં પણ વાયરોમાં અટવાઈ પડી હતી. પાલ આરટીઓ રોડ પર ઉંચી પ્રતિમાઓ ઉપરના વાયરીંગમાં ફસાતી હતી, જેના કારણે વાયરોને ઉંચા કરવા પડી રહ્યા હતા. જેથી પાછળની પ્રતિમાઓને રાહ જોવાનો વારો આવ્યો હતો. લાંબા સમય સુધી એક જ જગ્યાએ પ્રતિમા ઉભી રહી હતી. જેના કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો અને પાછળ આવતી અનેક યાત્રાના લોકો આ ટ્રાફિક જામમાં ફસાયા હતા.
કન્ટ્રોલ રૂમમાં બે DCP, 40 પોલીસકર્મીએ સતત 1440 મિનીટ CCTV દ્વારા બાજનજર રાખી
સુરતઃ સુરત શહેરમાં આજે ગણપતિ વિસર્જન યાત્રાને લઈને પોલીસ ખૂબ સતર્ક જોવા મળી હતી. સૈયદપુરાની ઘટના બાદ પોલીસે ખૂબ જ સતર્કતાપૂર્વક અને શહેરના ખૂણે ખૂણે બંદોબસ્ત ગોઠવ્યો હતો. સુરત પોલીસ કંટ્રોલરૂમમાંથી પણ આખા શહેરમાં 2200 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. 24 કલાક સુધી એટલે કે 1440 મિનિટ સુધી પોલીસ કંટ્રોલ રૂમમાં બે ડીસીપી અને 40 પોલીસ કર્મચારીઓની ટીમ સતત શહેરને આ ત્રીજી આંખ દ્વારા જોઈ રહી હતી. શહેરના મોટાભાગના રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોને આ સીસીટીવી કેમેરામાં આવરી લેવાયા હતા. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ગણેશ વિસર્જનની આ યાત્રા ઉપર નજર રાખી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના સ્વેદનશીલ વિસ્તારોમાં 12 ડ્રોન કેમેરા ઉડાવવામાં આવ્યા હતા અને સતત વોચ રાખવામાં આવી હતી.
સરથાણા કૃત્રિમ તળાવ પર ગણેશભક્તો પાંચેક મૂર્તિ રઝળતી મુકીને જતા રહ્યાં!
સુરત: શહેરના વિવિધ કૃત્રિમ તળાવો ખાતે 5 ફૂટથી વધારે ઉંચાઇ ધરાવતી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આમ છતાં કેટલાક મંડળો અને શેરી-મહોલ્લાવાળાઓ તેમની પ્રતિમાઓને સરથાણા વીટી સર્કલ પાસે બનાવાયેલા કૃત્રિમ તળાવ ખાતે લઈને આવ્યા હતા. નિયમ મુજબ તંત્ર દ્વારા આ મૂર્તિઓને સ્વીકારવાની ના પાડી દેતા ગણેશભક્તો મૂર્તિઓને ત્યાં જ રઝળતી મુકીને નીકળી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીજીના આગમનમાં કરોડો ખર્ચી નાંખવામાં આવે છે, જો કે વિસર્જનના સમયે બાપ્પાને રઝળતા મુકી દેવાય છે. વીટી સર્કલના કૃત્રિમ તળાવમાં પાંચથી વધુ મૂર્તિઓને ભક્તોએ રઝળતી મુકી હતી. તંત્ર દ્વારા આ મુર્તિઓને તાત્કાલિક ધોરણે ક્રેઈન પર ચઢાવીને તળાવમાં વિસર્જીત કરી દેવામાં આવી હતી.