Charotar

ખંભાતમાં કાર ટક્કરે બાઇક સવાર માસુમ બાળકનું મોત

તારાપુરના બુધેજ ગામનો પરિવાર બાઇક પર ખંભાતમાં ગણપતિ જોવા નિકળ્યો હતો

નેજા ગામ પાસે અકસ્માતમાં પતિ – પત્ની, પુત્રી અને ભત્રીજી ઘવાયાં

(પ્રતિનિધિ) ખંભાત તા.17

ખંભાતના નેજા ગામમાં પુરપાટ ઝડપે જતી કારના ચાલકની ગફલતના કારણે બાઇક સવાર પરિવાર હડફેટે ચડાવ્યું હતું. જેના કારણે બાઇક પર સવાર 3 બાળક સહિત દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમં એક બાળકનું મોત નિપજ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

તારાપુરના બુધેજ ગામમાં રહેતા રાજુભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.વ.33) સોખડા ગામની કંપનીમાં નોકરી કરે છે. રાજુભાઈ મકવાણા 16મી સપ્ટેમ્બરના રોજ સાંજના નોકરી પરથી ઘરે આવ્યાં હતાં તે વખતે ગણપતિ ઉત્સવ ચાલતો હોવાથી તેઓ તેમના પત્ની સજનબહેન ઉર્ફે નયનાબહેન (ઉ.વ.30), પુત્રી સેજલબહેન, પુત્ર પાર્થકુમાર (ઉ.વ.7) તથા મોટાભાઈની પુત્રી હિનાબહેન (ઉ.વ.12) સાથે ખંભાત ગણપતિ દાદાની મૂર્તિઓના દર્શન કરવા સાંજના સુમારે બાઇક પર નિકળ્યાં હતાં. તેઓ સાંઠ ચોકડી, જીણજ વટાવી નેજા ગામ પાસે પહોંચ્યાં તે સમયે આઝાદ સ્વામી ફાર્મ પાસે રોડ પર સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે ખંભાત તરફથી પુરપાટ ઝડપે કાર ધસી આવી હતી. આ કારના ચાલકની બેદરકારીના કારણે રાજુભાઈનું બાઇક હડફેટે ચડી ગયું હતું. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે બાઇક સવાર પરિવાર રસ્તા પર જ પટકાયો હતો. જેમાં રાજુભાઈને પગ પર ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે તેમનો પુત્ર પાર્થ (ઉ.વ.7)ને છાતીમાં ગંભીર ઇજા થઇ હતી અને હૃદયનો ભાગ બહાર નિકળી ગયો હતો. જેથી સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત સજનબહેન, સેજલ અને હિનાને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે રાજુભાઈ મકવાણાની ફરિયાદ આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top