ભરૂચ: ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈયાર કરાયેલા 7 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ સ્થળોએ બેરિકેટ, પોલીસ બંદોબસ્ત, પાલિકાની ટીમ અને તરવૈયાઓ વચ્ચે ગણેશ ભક્તોએ વાજતેવાજતે વિઘ્નહર્તાને ‘અગલે બરસ તું જલદી આ’ના ભારે ભાવથી વિદાય આપી હતી.
ભરૂચમાં જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વરમાં 3 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયાં હતાં. જ્યાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી નિહાળી હતી. અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 2 કૃત્રિમ કુંડ બનાવાયાં હતાં. જ્યારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં 2 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. બપોર સુધીમા ભરૂચ અને અંકલેશ્વરના 7 કૃત્રિમ કુંડોમાં શ્રીજીની 2000થી વધુ પ્રતિમાનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું. 7 ફૂટ કે તેથી મોટી પ્રતિમાઓનું ભાડભૂતમાં વિસર્જન કરવા ક્રેઈન મુકાઈ હતી.
પ્રતિબંધ છતાં અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે વિસર્જન
સુપ્રીમની ગાઈડલાઈન અને NGTના આદેશ વચ્ચે શહેરના નીલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન, ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી નદીમાં વિસર્જન ન કરવા ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. આમ છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું.
3000 પોલીસ કાફલો, 2 SRP સહિતનો બંદોબસ્ત દિવસભર તૈનાત રહ્યો
ભરૂચ જિલ્લામાં નિર્વિઘ્ને વિસર્જન પાર પાડવા 3000 પોલીસ કાફલો, 2 SRP સહિતનો બંદોબસ્ત દિવસભર તૈનાત રહ્યો હતો. કેમેરાથી વિડીયોગ્રાફી, બોડી વોર્મ કેમેરા અને ડ્રોનથી શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર રહી હતી. મોટી પ્રતિમા અને ગણેશ મંડળોની વિસર્જન યાત્રા હજી સાંજ બાદ નીકળશે. ત્યારે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં આતશબાજી કરવામાં આવી હતી.