Sports

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, ચીનને હરાવી 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

ભારતે સતત બીજી વખત અને કુલ પાંચમી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુઇર શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું હતું. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ જુગરાજ સિંહે કર્યો હતો. ચીનની ટીમ ચાર ક્વાર્ટર બાદ પણ ગોલ કરી શકી ન હતી.

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઇનલમાં ચીનને 1-0થી હરાવ્યું છે. આ મેચમાં શરૂઆતમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ કરી શક્યું ન હતું. ત્યાર બાદ મેચ પુરી થવાની થોડી મિનિટો પહેલા જ જુગરાજ સિંહે ભારત માટે ગોલ કર્યો હતો. આ ગોલના કારણે ભારતીય હોકી ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ભારતે પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ચીને પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે પહેલા જ રાઉન્ડમાં હારી ગયું હતું.

પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમના કોઈપણ ખેલાડી ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતે ગોલ કરવાની તકો ઉભી કરી હતી, પરંતુ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી. ભારતને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતીય હોકી ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નથી. બીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો તરફથી કોઈ ગોલ થયો ન હતો. આ ક્વાર્ટરમાં ચીનના ડિફેન્સે સારું પ્રદર્શન કર્યું અને ભારતીય ખેલાડીઓને રોકી રાખ્યા. ત્રીજા ક્વાર્ટરમાં ચીને ગોલ કરવા માટે અનેક પ્રયાસ કર્યા પરંતુ ભારતીય ગોલકીપર ક્રિષ્ના પાઠક સામે તેમાંથી એક પણ સફળ રહ્યું ન હતું.

ભારત અને ચીન વચ્ચેની મેચ પહેલા ત્રણ ક્વાર્ટર સુધી ગોલ વિનાની ટાઈમાં ચાલી રહી હતી, પરંતુ ચોથા ક્વાર્ટરમાં જુગરાજે ફિલ્ડ ગોલ કરીને ભારતને 1-0થી આગળ કરી દીધું હતું. આ રીતે ભારતીય ટીમ લીડ લેવામાં સફળ રહી હતી. આ પછી ભલે હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ અન્ય કોઈ ગોલ કરી શકી ન હતી પરંતુ તેણે ચીનને બરાબરીનો ગોલ કરવાની કોઈ તક આપી ન હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહ આ મેચમાં ગોલ કરી શક્યા ન હતા પરંતુ તેમણે જુગરાજને ગોલ કરવામાં મદદ કરી હતી. ચીનના ડિફેન્સે પણ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને લાંબા સમય સુધી ગોલ કરવા દીધો નહોતો. આ દરમિયાન ચીને ચાર પેનલ્ટી કોર્નર પણ જીત્યા હતા, પરંતુ ભારતીય ટીમે તેમને ગોલ કરવાની કોઈ તક આપી ન હતી.

Most Popular

To Top