આણંદ: તારાપુરમાં અમીનપ્લાઝા કોમ્પ્લેક્ષમાં મામલતદાર દ્વારા રેડ પાડવામાં આવતા એક દુકાનમાંથી 1640 લીટર રૂ. 98,400ની કિંમતનું બાયો ડીઝલ ગેરકાયદે રીતે સંગ્રહ કર્યું હોવાનું બહાર આવ્યું છે. સંગ્રહ કરેલ બાયો ડીઝલના 7 કારબા અને 2 બેરલ ભરેલા મળી આવ્યા હતા.
જ્યારે 6 કારબા ,5 બેરલ અને અને 3 પ્લાસ્ટિક ટેન્ક ખાલી મળી આવ્યા હતા. સાથે બાયોડિઝલ ભરવા ઇલેક્ટ્રિક મોટર અને માપિયા પણ મળી આવ્યા હતા. તારાપુર મામલતદાર દ્વારા તમામ જથ્થો સીઝ કરી ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરનાર ઈસમ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આણંદ તારાપુર મુકામે આવેલ અમીનપ્લાઝા કોમ્પલેક્ષમાં એક દુકાનમાંથી ગેરકાયદે બાયો ડીઝલના વેચાણ બાબતે એસઓજી દ્વારા આઠેક દિવસ અગાઉ મામલતદાર ને જાણ કરવામાં આવી હતી.તારાપુર મામલતદાર દ્વારા આ બાબતે રેડ કરી ચકાસણી કરતા મોટી ક્ષતિઓ બહાર આવી હતી વળી તમામ જથ્થો બીલ વિનાનો અને ગેરકાયદેસર નીકળતા બાયો ડીઝલના નમુના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.
બાયોડિઝલનું ગેરકાયદેસર સંગ્રહ કરનાર અફઝલભાઈ અબ્બાસભાઈ વ્હોરાએ ભારત સરકારના પેટ્રોલીયમ અને નેચરલ ગેસ મંત્રાલયના જાહેર નામાના જોગવાઈઓનો ભંગ કર્યો છે. આ ઉપરાંત સંગ્રહ કરેલ જથ્થાવાળી જગ્યાએ માલિકી અને ભાડા કરારના પુરાવા પણ રજુ કરેલ નથી.અહીં જાહેર કોમ્પલેક્ષમાં જ્વલંતશીલ પદાર્થ ખાનગી દુકાનમાં કોઈ પણ પરવાનગી કે સુરક્ષા વિના રાખવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.
મહત્વનું છે કે આ ઝડપાયેલ બાયો ડીઝલના ખરીદી અંગેના બીલ કે વેચાણ અંગેના બીલ કે જીએસટી રજીસ્ટ્રેશન કે ફાયર સેફ્ટીના પ્રમાણપત્ર પણ જાેવા મળ્યું નહોતું.આ ઉપરાંત હાઈબ્રીડ ડીઝલમાં બી-100 નું મીશ્રણ કરવા માટે વેચાણ સ્થળે બોર્ડ પ્રદર્શિત કરવું જરુરી છે. તે પણ દર્શાવેલ નથી.