Gujarat

PM મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે: ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ધાટન કરશે

ગાંધીનગર: સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રિ – દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. પીએમ મોદીની અમદાવાદ – ગાંધીનગરની મુલાકાતને પગલે સધન સલામતી વ્યવસ્થા ઊભી કરાઈ છે. જયારે રાજય સરકાર દ્વારા પીએમ મોદીના કાર્યક્રમોની તડામાર તૈયારી ચાલી રહી છે. તા.15મી સપ્ટે.ના રોજ પીએમ મોદી સાંજે અમદાવાદ વિમાની મથકે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથ ટ્રસ્ટની બેઠકથી કરશે. પીએમ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની 123મી બેઠક યોજાશે. આ બેઠક રાજ્યપાલના નિવાસ સ્થાન રાજભવનમાં સાંજે યોજાશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ, મહાદેવ મહાપૂજા, ધ્વજારોહણ અને સાંજે દિવ્ય ભંડારનું આયોજન કરવામાં આવશે.  

અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી સીધા ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા, રાત્રી રોકાણ તેઓ રાજભવનમાં કરશે. રાજભવન ખાતે મહત્વની બેઠકો યોજાય તેવી પણ તૈયારી ચાલી રહી છે. આવતીકાલે તા.16મી સપ્ટે.એ સવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ રિ ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ધાટન કરશે. તે પછી બપોરે 1 વાગ્યે સેકટર 1 ખાતે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મેટ્રો રેલના ફેઝ-2નું ઉદ્ધાટન કરશે. ગાંધીનગરથી ગીફટ સીટી સુધી મેટ્રો રેલમાં પ્રવાસ પણ કરશે. અહીંથી તેઓ સીધા અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભાજપના કાર્યકરોના સંમેલનને સંબોધન કરવા જશે. સાંજે છ વાગ્યે તેઓ ગાંધીનગર રાજભવન જશે જ્યાં રાત્રી રોકાણ કરશે. રાત્રી દરમ્યાન રાજભવનમાં બેઠકો યોજાય તેવી સંભવના છે. તા.17મી સપ્ટે.એ સવારે તેમના જન્મ દિવસે તેઓ 9 વાગ્યે ભૂવનેશ્વર જવા રવાના થશે. પીએમ મોદી 73 વર્ષ પૂર્ણ કરીને 74માં વર્ષમા પ્રવેશ કરશે.

Most Popular

To Top