સુરત: સુરત શહેરના છેવાડે હજીરા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી એક દીપડો આમથી તેમ લટાર મારી રહ્યો હોવાનું સમયાંતરે કેમેરામાં કેદ થઈ રહ્યું છે. પરંતુ હજી સુધી વનવિભાગની પકડથી દૂર દીપડાની લોકોમાં દહેશત પણ જોવા મળી રહી છે. ગઈકાલે ફરી એસ્સાર કંપનીના પટાંગણમાં આ દીપડાને સિક્યુરિટી ગાર્ડે તેના મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો.
હજીરાની સ્ટીલ કંપનીમાં ગઈકાલે રાત્રે ફરી દીપડો કેમેરામાં કેદ થયો હતો. આ વખતે હોસ્ટેલની બીજી તરફ આ દીપડો દેખાયો હતો. આસપાસના વિસ્તારમાં મોટું જંગલ હોવાથી દીપડાને પકડવું મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લા એકાદ મહિનાથી હજીરાપટ્ટીની સ્ટીલ કંપનીના હોસ્ટેલ સાઇટમાં સીસીટીવી કેમેરામાં કેદ થયેલો દીપડો ગઈકાલે રાત્રે એકવાર ફરી આંટા મારતો કેમેરામાં કેદ થયો છે.
વન વિભાગ દ્વારા વધુ નાઇટ વિઝન કેમેરા ગોઠવી ટ્રેક કરીને પકડવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે. વન વિભાગે કમ્પાઉન્ડમાં તથા આસપાસનાં સ્થળે આઠ જેટલાં પાંજરાં અને સીસીટીવી કેમરા ગોઠવી દીપડાને પકડવાના પ્રયાસો કરી રહ્યો છે. હજીરા સ્ટીલ કંપનીમાં આ દીપડો ઓલપાડથી આવ્યો હોવાની સંભાવના વનવિભાગ વ્યક્ત કરી રહ્યો છે. આ દીપડાને છેલ્લા એક મહિનાથી વનવિભાગ પકડવા માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ વનવિભાગની ટીમને હાથતાળી દઈ છટકી જતો આ દીપડો ગઈકાલે ફરી કંપનીના સિક્યુરિટી ગાર્ડને દેખાતાં તેને મોબાઈલમાં તેનો ફોટો કેદ કર્યો હતો.
ફરી દીપડો દેખાતાં વન વિભાગ સાવધાન
કંપનીમાં હોસ્ટેલની તરફ દીપડો ફરી નજરે પડતાં જંગલ વિભાગ સાવધાન થઇ ગયો છે. દીપડાની મૂવમેન્ટ પર સતત નજર રખાઇ રહી છે. સીસીટીવી કેમેરામાં જોતાં આ દીપડાની ઉંમર આશરે ત્રણ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જે જગ્યાએ દીપડો દેખાઇ રહ્યો છે, તેની આજુબાજુ મોટું જંગલ હોવાથી પકડવું મુશ્કેલ બન્યું છે.
હજીરામાં દેખાતો દીપડો ૪૫-૫૦ કિ.મી. રેન્જમાં ફરી રહ્યો છે
દીપડો ચંચળ પ્રાણી હોવાથી તેને પકડવો મુશ્કેલ છે. દીપડો ૪૫-૫૦ કિલોમીટરની રેન્જમાં ફરતો હોય છે. આ દીપડો ઓલપાડથી આવ્યો હોવાની સંભાવના છે. વન વિભાગ દ્વારા હજીરા સ્ટીલની કંપનીમાં મુકાયેલા પાંજરામાં માંસ-મચ્છી મૂકીને પણ તેને પકડવા પ્રયાસ કરાઈ રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા એવી વ્યવસ્થા કરાઇ છે કે તમામ પાંજરાંની ફરતે થોડા-થોડા અંતરે માંસના ટુકડા નાંખ્યા છે. અને માછલીના પાણીનો છંટકાવ પણ કર્યો છે. આમ દીપડો માછલીની ગંધ સુધી આવે અને પાંજરે પુરાઇ તેવી વ્યવસ્થા કરાઇ છે. પરંતુ આટલા પ્રયાસ પછી પણ દીપડો ન પકડાતાં ગ્રામજનોમાં ભયનું મોજું ફરી વળ્યું છે.