Editorial

ધીરેધીરે સીબીઆઈની ક્રેડિબિલિટી જોખમાઈ રહી છે, સુપ્રીમે પણ ટિપ્પણી કરી

આખરે 177 દિવસ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલની બહાર આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા પરંતુ સાથે સાથે 6 શરત પણ મુકવામાં આવી છે. કેજરીવાલ જામીન પર મુક્ત રહેશે પરંતુ સરકારી ફાઈલો મંજૂર કરી શકશે નહીં. સીએમ કાર્યાલય પર પણ જઈ શકશે નહીં. અગાઉ ઈડીના કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા જ હતા પરંતુ સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી.

જેથી હવે સીબીઆઈના કેસમાં પણ કેજરીવાલને જામીન મળી ગયા છે. કેજરીવાલે સરકારી ફાઈલો પર સહી કરવા માટે એલજીની મંજુરી લેવી પડશે. કેજરીવાલ જાહેર મંચ પરથી નિવેદન આપી શકશે નહીં. કેસ સાથે સંબંધિત કોઈપણ સાક્ષીને મળી શકશે નહીં. વાત પણ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કેજરીવાલને જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની બેન્ચે જામીન આપ્યા હતા. કેજરીવાલને જામીન આપતી વખતે કોર્ટે ટિપ્પણી કટરી હતી કે ઈડી કેસમાં કેજરીવાલની મુક્તિ સમયે જ ધરપકડ કરવાની સીબીઆઈની ઉતાવળ સમજની બહાર છે. જ્યારે 22 મહિના સુધી સીબીઆઈએ ધરપકડ કરી નહોતી અને હવે અચાનક ધરપકડ કેમ કરી?

કેજરીવાલને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા દારૂનીતિ સંબંધિત ત્રણ અન્ય હાઈપ્રોફાઈલ જામીન સુનાવણીમાં આપવામાં આવેલા નિર્ણયોને પણ આધાર તરીકે લેવામાં આવ્યા હતા. આ જ કેસમાં અગાઉ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, તેલંગાણાની બીઆરએસ પાર્ટી અને પૂર્વ સીએમ કેસીઆર રાવની પુત્રી કે. કવિતાને જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટએ જામીન આપતી વખતે કહ્યું હતું કે,પીએમએલએ મની લોન્ડરિંગ કેસમાં જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે. કેજરીવાલને જામીન 10 લાખના બોન્ડ પર આપવામાં આવ્યા છે.

આ જામીન સાથે કેજરીવાલનો આશરે 6 મહિનાનો જેલવાસ પુરો થયો છે. કેજરીવાલને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈની ઝાટકણી પણ કાઢવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈને યાદ કરાવાયું હતું કે, સીબીઆઈએ પાંજરામાં બંધ પોપટની પોતાના વિશેની માન્યતા દૂર કરવી જોઈએ. સીબીઆઈને ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, સીબીઆઈએ કેજરીવાલની જે ધરપકડ કરી તેનો હેતુ ઈડી કેસમાં કેજરીવાલને આપવામાં આવેલા જામીનની નિષ્ફળતાને સાબિત કરવાનો હતો. એવું લાગે છે કે ઈડી કેસમાં નીચલી કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ જ સીબીઆઈ સક્રિય થઈ. આવી ધરપકડોથી સવાલો ઉભા થાય છે.

દેશમાં જ્યારે પણ સ્થાનિક પોલીસ નિષ્ફળ જાય છે ત્યારે લોકોને સીબીઆઈ પર ભરોસો રહે છે. સીબીઆઈ દ્વારા અત્યાર સુધીનો મોટાભાગના કેસોમાં સઘન તપાસ કરીને કેસ ઉકેલવામાં આવ્યા છે પરંતુ રાજકીય કેસોમાં સીબીઆઈની કામગીરી પર આક્ષેપો થાય જ છે અને સીબીઆઈની કામગીરી પણ ઘણી વખત રાજકીય કેસોમાં શંકાસ્પદ પણ રહી છે. વાત માત્ર કેજરીવાલના કેસની જ નથી પરંતુ જે તે સમયે પણ સીબીઆઈ એ સત્તાધારી પક્ષનું જ સાંભળતી હોવાના આક્ષેપો મોટાભાગે જે તે વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યા જ છે.

સીબીઆઈએ કેજરીવાલ કે પછી ભૂતકાળમાં કરેલી રાજકીય આગેવાનોની ધરપકડો સાચી હતી કે ખોટી? તે મુદ્દાને બાજુ પર રાખવામાં આવે તો પણ સીબીઆઈએ એ તકેદારી રાખવાની જરૂરીયાત છે કે તેની કામગીરી પર શંકાઓ ઉઠાવવામાં નહીં આવે. સીબીઆઈ જો તેની કામગીરી તટસ્થ રાખશે તો ભારતના નાગરિકોનો ભરોસો સીબીઆઈ પર બરકરાર રહેશે તે નક્કી છે. સુપ્રીમ કોર્ટે સાચું જ કહ્યું છે કે, સીબીઆઈએ એ સાબિત કરવાનું છે કે તે પાંજરાનો પોપટ નથી.

Most Popular

To Top