અનંતપુરઃ દુલીપ ટ્રોફીમાં ભારત-એ અને ભારત-ડી વચ્ચે અનંતપુરના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મયંક અગ્રવાલની કેપ્ટન્સીમાં ભારત એ ટીમે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 290 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ઉતરેલી ઈન્ડિયા ડીની ટીમે પ્રથમ દાવમાં 183 રન બનાવ્યા હતા. શ્રેયસ પોતે ખાતું ખોલાવ્યા વગર ઝીરો પર આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. ઐય્યરે સાત બોલનો સામનો કર્યો હતો. જોકે, સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે શ્રેયસ બ્લેક સનગ્લાસ પહેરીને મેદાનમાં આવ્યો હતો. આને લઈને તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.
ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહેલા શ્રેયસને દુલીપ ટ્રોફીથી ઘણી અપેક્ષાઓ હતી કે તે વધુ સારું પ્રદર્શન કરશે. જોકે, તે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે. ભારત એ સામે પણ તે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. બેટમાં શ્રેયસની નિષ્ફળતાની સાથે સાથે તેના સનગ્લાસ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. સનગ્લાસ પહેરીને મેદાનમાં આવવા બદલ ચાહકો તેને ટ્રોલ કરી રહ્યા છે. ચાહકોએ શ્રેયસને ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી નથી.
શ્રેયસ હાલમાં ટેસ્ટ અને ટી20માં ટીમ ઈન્ડિયાની બહાર છે અને ડોમેસ્ટિક ક્રિકેટ રમીને ફોર્મમાં પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી હતી પરંતુ તે ત્યાં પણ ફ્લોપ રહ્યો હતો. આવી સ્થિતિમાં અત્યારે એવું કોઈ ફોર્મેટ નથી કે જ્યાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત હોય. શ્રેયસે દુલીપ ટ્રોફીમાં છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં 9, 54 અને 0 રન બનાવ્યા છે. ભારતે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ માટેની ટીમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે.