નવસારી, બીલીમોરા : અમલસાડ પાસેના સરિબુજરંગ ગામે ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મુદ્દેની બબાલે ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. કાર ચાલક દેવધા ગામના સરપંચ અને ગણેશ આયજોકોએ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી, છુટ્ટા હાથની મારામારી સાથે એટ્રોસિટીની ફરિયાદ આપતાં પોલીસે 6 સામે ગુનો નોંધી 4 ની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગત મુજબ ગણદેવી તાલુકાના સરિબુજરંગ ગામેથી પાંચ દિવસના ગણપતિ વિસર્જન યાત્રા નીકળી હતી, જે યાત્રા કુમાર શાળાની પાછળના શ્રી શિવગણેશ ઉત્સવ મંડળના ગણપતિએ અંધેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલા તળાવમાં વિસર્જન કરવા માટે જતી વખતે સરિબુજરંગ રેલવે સ્ટેશનની સામેનો રસ્તા ઉપર ટ્રાફિકજામ થયો હતો. આજ સમયે દેવધા ગ્રામ પંચાયતના સરપંચ જીગર સુરેશભાઈ પટેલ (ઉં.31 રહે ભેસલા મંદિર ફળિયું, દેવધા), તેમની પુત્રીને શાળામાંથી લાવવા માટે પોતાની i20 કારમાં નીકળ્યા હતા, પરંતુ યુવાનો રસ્તા વચ્ચે નાચતા હોવાથી વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. બીજી તરફ સ્કૂલ છૂટવાનો સમય થઈ ગયો હતો. આથી જીગર પટેલે મંડળના યુવાનોને પોતાની કારને નીકળવા માટે રસ્તો આપવા જણાવ્યું હતું. પણ સરપંચની કારને રસ્તો આપવાને બદલે દાદાગીરી કરતા બંને વચ્ચે પ્રથમ બોલાચાલી અને પછી ઝપાઝપી થતા મંડળના યુવાનોએ કારને રસ્તો આપ્યો ન હતો.
જોકે વિસર્જન યાત્રામાં હાજર પોલીસે વચ્ચે પડી મામલો ઠાળે પાડ્યો હતો. આ પ્રકરણમાં દેવધા ગામના સરપંચ જીગર પટેલે સરિબુજરંગના ગૌરાંગ ઉર્ફે ઘોડો હળપતિ તેના ભાઈ નયન હળપતિ તેમજ બે અન્ય મળી ચાર સામે રસ્તો નહીં આપી ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની અમલસાડ આઉટ પોસ્ટ પોલીસમાં ફરિયાદ આપી હતી. જ્યારે સામા પક્ષે ગૌરાંગ ભીખુભાઈ પટેલ (30 રહે કુમારશાળા પાછળ, સરિબુજરંગ)એ દેવધાના સરપંચ જીગર પટેલ તેનો ભાઈ સુમિત પટેલ તથા અન્ય બે સામે કારને સાઇટ આપવાના મુદ્દે દાદાગીરી કરી જાતિ વિષયક ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપવાની પણ સામી ફરિયાદ આપતા પોલીસે બંને પક્ષના 6 સામે ગુનો નોંધી 4 ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.