મણિપુરની ઘટના કોઈ પણ સંજોગોમાં ફરી ન બને તે માટે વડાપ્રધાને દરમિયાનગીરી કરી તાત્કાલિક ઉકેલ લાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવા જોઈએ. પંખી, પ્રાણી કે માનવી, ‘કિસિકો ભી મત કેદ કરો પિંજરે મેં, ઉસ કો આઝાદ કર દો’ જ્યારે જ્યારે દેશમાં બે સમુદાય વચ્ચે રમખાણ થાય ત્યારે કોને લાભ અને ગેરલાભ થાય એ બધાને ખબર જ છે. દેશ ગુલામીની જંજીરમાંથી મુકત થશે તો આઝાદ થઈને જીવીશું એવા વિચાર સાથે આઝાદી મેળવવાનાં પગરણ મંડાયાં હશે.
આઝાદી બાદ પોતાના હક મેળવવા માટેની લડાઇ લડવી પડે એ બંધારણમાં કરેલ જોગવાઈઓનો પૂરેપૂરો અમલ નથી થતો એમ કહી શકાય. વસુધૈવ કુટુંબની ભાવના દરેકમાં જાગવી જોઈએ. કમજોર કે સીધા વ્યકિતને હેરાન કે તેનો ગેરલાભ ઉઠાવવાવાળા બહાદુર નહીં કાયર છે. જે સમુદાયોને ખૂબ રંજાડવામાં આવે ત્યારે એ જ પછી ખૂંખાર બનીને બહાર નીકળશે ત્યારે? ગુજરાતમિત્ર, તંત્રી લેખ દ્વારા કોઈ પણ લોકહિતની બાબતને પ્રકાશમાં લાવવાનું કરે એ ખરેખર અભિનંદનને પાત્ર છે.
સુરત – ચંદ્રકાંત રાણા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ફોનના ઉપયોગમાં વિવેક જરૂરી
એક મિત્ર મને કહે કે ‘હવે એકદમ શાંતિ થઈ ગઈ.’ મેં પૂછ્યું ‘કેમ’ તો કહે, પેપરમાં નહિ વાંચ્યું, મોબાઈલ ફોનના ઉપયોગ અને મગજના કેન્સર વચ્ચે કોઈ સંબંધ નથી, એવું સાબિત થઈ ગયું છે. આ પ્રસંગ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા થયેલા સંશોધન પરથી એવા નિષ્કર્ષ સુધી પહોંચી શકાય કે ભલે મોબાઈલ ફોનના ઉપયોગ અને મગજના કેન્સર વચ્ચે કોઈ સંબંધ ન હોય, પરંતુ એનો મતલબ એવો નથી થતો કે આપણે બેફામ રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ. બીજી તરફ આપણા દ્વારા થતા મોબાઈલ ફોનના ઉપયોગ અંગે અને એની તરેહ અંગે પણ અનેક સંશોધનો થયાં જ છે, જે એવું દર્શાવે છે કે આપણા દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગનો અતિરેક થઈ રહ્યો છે. મોબાઈલ ફોનના ઉપયોગ સંદર્ભે આપણે વિવેક જાળવીએ એ આપણા જ ફાયદામાં છે.
નવસારી – ઇન્તેખાબ અનસારી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.