Comments

થોડીક પળો

એક સાહિત્યરસિકોની કિટી પાર્ટીમાં આજે બધાએ પોતાને મનગમતી કવિતા વાંચવાની હતી. બધા ખુશ હતાં. પાર્ટીનો માહોલ પણ સાહિત્યિક હતો.જેમના ઘરે પાર્ટી હતી તે રસિકાએ સુંદર દીવાનું ડેકોરેશન કર્યું હતું. બધાને એક એક ગજરો આપીને સ્વાગત કર્યું.કવિતાવાચન શરૂ થયું.કોઈકે વરસાદ પર કવિતા વાંચી તો કોઈએ ‘મા’ પર, કોઈએ પ્રેમની કવિતા વાંચી તો કોઈએ વિરહની.જુદી જુદી લાગણીઓ અને વિષયના માહોલમાં બધા સાહિત્યનો આનંદ માણી રહ્યાં હતાં. મીનાનો વારો આવ્યો. તેમણે કહ્યું, આ કવિતા આપણા બધાની છે. વિષય છે આજની ગૃહિણી,આજની નારીના મનની વાત પણ તેમાં કોઈ બગાવતની વાત નથી પણ આપણા બધાના મનમાં છુપાયેલી વાત છે.આ રૂપરેખા સાંભળીને બધા કવિતા સાંભળવા વધુ ઉત્સુક બન્યાં.

મીનાએ કવિતાનું પઠન શરૂ કર્યું, ‘થોડીક પળો.’
‘મને જોઈએ છે થોડીક પળો માત્ર મારા માટે.
થોડીક પળો જે બધી જ જવાબદારીઓથી આઝાદ હોય.થોડીક પળો જેમાં કોઈ મર્યાદા પાળવાની ન હોય.
થોડીક પળો જેની પર માત્ર મારો અધિકાર હોય.માત્ર મારી મરજી હોય.
થોડીક પળો જેમાં હું દિલ ખોલીને હસી શકું અને મન ભરીને રડી શકું.
થોડીક પળો જેમાં સાચા ખોટાના હિસાબ ન હોય.
થોડીક પળો જે માત્ર સુકુનથી ભરેલી હોય.

કવિતાની આ છ સાત પંક્તિઓમાં જાણે દરેક સ્ત્રીના મનની સ્થિતિ અને દરેક ભાવના વ્યક્ત થઈ હતી.સ્ત્રી ગૃહિણી હોય કે વર્કિંગ વુમન,સ્ત્રી ભણેલી હોય કે અભણ,સ્ત્રી શહેરમાં રહેતી હોય કે ગામડામાં, દરેકના મનોભાવ આ શબ્દોમાં બરાબર વ્યક્ત થયા હતા.સાંભળનાર દરેક જણ આ લાગણીઓ અનુભવતા હતા.બધાએ તાળીઓ સાથે કવિતાને વધાવી.સોનલે કહ્યું, ‘મને તો આ કવિતા બહુ ગમી પણ મનમાં પ્રશ્ન થાય છે કે આવી થોડીક પળો જોઈએ છે બધાને પણ મેળવવી કયાંથી અને કઈ રીતે?’ મીનાએ કહ્યું, ‘મારી પાસે એક વિચાર છે.’ રસિકાએ પૂછ્યું, ‘શું છે તારો વિચાર?’ મીનાએ કહ્યું, ‘આપણે મહિનામાં એક વાર આ કિટી પાર્ટીમાં મળીએ છીએ.પણ કંઇક જૂદું કરીએ. ચાલો, ઓન્લી ગર્લ્સ ટ્રીપ પર જઈએ અને આખું જીવન સતત બાળકો,પતિ ,પરિવાર, માટે જીવીએ છીએ તેને બદલે થોડીક પળો પોતાની રીતે જીવીએ અને કવિતામાં કહી છે તેવી થોડીક પળો ભેગી કરી લઈએ.’ કિટી પાર્ટીની સખીઓને કહ્યો અને બધાએ તરત જ વધાવી લીધો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top