ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગેની જરૂરી સુચનાઓ આપવામાં આવી :
પ્રતિબંધિત સમય દરમ્યાન શહેરમાં પ્રવેશ કરતાં કુલ-૨૩૮૨ ભારદારી વાહનો વિરૂધ્ધ ચાલુ વર્ષે ટ્રાફિક શાખા દ્રારા કાર્યવાહી
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
વડોદરા શહેરની આસપાસ ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમ જેમ વડોદરા શહેર વિસ્તરતું ગયું તેમ તેમ નવા નવા ઉદ્યોગો અને વિવિધ પ્લાન્ટો વડોદરા શહેરમાં અને મુખ્યત્વે વડોદરા શહેરની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વિકસતાં ગયા છે. આ ઉદ્યોગો અને પ્લાન્ટમાં કામ કરનાર કર્મચારીઓ જે વડોદરા શહેરમાં રહે છે તેઓને પાદરા, હાલોલ, સાવલી જેવા પ્લાન્ટ/કંપની/ઉધ્યોગના વિસ્તારોમાં લાવવા, લઈ-જવા સારૂં કંપની દ્રારા બસ વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. આવી લકઝરી બસોમાં જનાર કર્મચારીઓને પીક-અપ તેમજ ડ્રોપ કરવા સારૂં લકઝરી બસોને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થવું પડે છે. આ સિવાય વડોદરા શહેર અને તેની આસપાસ કંપનીઓના આવેલ મોટી કોલેજોના વિધ્યાર્થીઓને લાવવા લઈ જવા સારૂં પણ લકઝરી બસોને વડોદરા શહેરમાંથી પસાર થવાની જરૂરીયાત ઉપસ્થિત થાય છે. વડોદરા શહેરના પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ સામાન્ય જનતાને કોઈ અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂં રીતે ચાલે તે હેતુસર સવારના ક.૦૭:૦૦ થી ૧૩:૦૦ સુધી અને ક.૧૬:૦૦ થી ૨૧:૦૦ સુધી ભારદારી વાહનોને શહેર વિસ્તારમાં એન્ટ્રી પ્રતિબંધિત છે. પરંતુ, કંપનીના કર્મચારીઓ તેમજ કોલેજના વિધ્યાર્થીઓ માટે પોલીસ કમિશ્નરના જાહેરનામાંથી પ્રતિબંધિત સમય દરમ્યાન વડોદરા શહેરમાં પ્રવેશ કરવા સારૂં, તેઓએ ટ્રાફિક શાખામાંથી પરવાનગી મેળવવાની રહે છે. તેઓ પાસેથી લકઝરી બસના ફીટનેશ સર્ટીફીકેટ, વેલીડ પરમીટ ઈન્સ્યોરન્સ, PUC વિગેરે ડોક્યુમેન્ટ ચકાસી, ટ્રાફિક શાખામાંથી જરૂરીયાત મુજબ તેઓને વડોદરા શહેરમાં પ્રવેશ કરવા સારૂં શરતોને આધીન પરવાનગી આપવામાં આવે છે. એવીજ રીતે મ્યુનિસીપલ કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટો માટે પણ જે કંપનીને વર્ક-ઓર્ડર આપવામાં આવે છે તેઓના કન્સ્ટ્રક્શન લગત વાહનોની પણ જરૂરી ખરાઈ બાદ વડોદરા શહેરમાં પોલીસ કમિશ્નરના જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમ્યાન શહેરમાં પ્રવેશ કરવા સારૂં શરતોને આધીન પરવાનગી આપવામાં આવે છે. પરવાનગી આપ્યા બાદ શરતોનો ભંગ કરનાર અથવા પરમીશન વગર જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમ્યાન શહેરમાં પ્રવેશ કરતાં આવા કુલ-૨૩૮૨ ભારદારી વાહનો વિરૂધ્ધ ચાલુ વર્ષે વડોદરા શહેર, ટ્રાફિક શાખા દ્રારા કાર્યવાહી કરવામં આવી છે. આજ રોજ ટ્રાફિક શાખા ખાતે લકઝરી બસોના સંચાલકો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, લકઝરી બસો શહેર વિસ્તારમાં યોગ્ય જણાવેલ જગ્યાઓએ પાર્કિંગ કરવા, અડચણરૂપ પાર્કિંગ ન કરવા, વધુ સ્પીડે વાહન ન ચલાવવા, રોન્ગ સાઈડ વાહન ન હંકારવા અંગેની તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગેની જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.