SURAT

પત્થરમારો કરનારા તોફાનીઓને લંગડાતી હાલતમાં પોલીસ કોર્ટ લઈ ગઈ, 14 દિવસના રિમાન્ડ માંગ્યા

સુરતઃ ગઈ તા. 8 સપ્ટેમ્બરને રવિવારની રાતે સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અંજપાભરી સ્થિતિ છે. પત્થરમારાની ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે આ વિસ્તારમાંથી 27 જેટલાં તોફાનીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં આ સંખ્યા વધીને 32 થઈ હતી. આ કેસમાં કુલ 32 આરોપીઓની ધરપકડ કરી હતી. આજે તા. 10 સપ્ટેમ્બરના રોજ પોલીસે 6 બાળકો સિવાયના તમામ 26 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

ઉમરા પોલીસ સ્ટેશનથી આ તોફાની આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની રાત્રે પકડાયા ત્યારે જે રીતે આરોપી તોફાનીઓ લંગડાઈ રહ્યાં હતાં તે જ રીતે લંગડાતી હાલતમાં ઉમરા પોલીસ સ્ટેશનના દાદર આરોપીઓ ઉતરતા જોવા મળ્યા હતા. આ જ હાલતમાં આરોપીઓને ઉમરા પોલીસ મથકથી કોર્ટમાં લઈ જવાયા હતા.

પોલીસ દ્વારા અલગ અલગ 5થી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. પત્થરમારા પાછળ કોના નિર્દેશ હતા?, ષડયંત્ર કોણે રચ્યું હતું તે બાબતની તપાસ આવશ્યક છે. જે બાળકોએ પત્થરમારો કર્યો તે જે મદ્રેસામાં જતા હતા ત્યાં તપાસ કરવાની છે.

આ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 324 (4), 125, 121(1), 109, 115 (1), 189 (1), 189 (2), 190, 191 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીઓ તરફથી ડિફેન્સ વકીલ ભાજપના પૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાળા તેમજ ઝેબા પઠાણ, જાવેદ મુલતાની, અબ્દુલ શેખ વકીલ છે. સરકારી વકીલ નયન સુખડવાલા આ કેસમાં સરકાર તરફે લડી રહ્યાં છે.

પોલીસ વડાના આદેશ બાદ ડ્રોનથી સમગ્ર વિસ્તાર પર નજર
રવિવારની ઘટના બાદ રાજ્યનું પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે સુરત આવ્યા હતા. પોલીસ વડાની સૂચના બાદ સુરતના સંવેદનશીલ વિસ્તારો ખટોદરા, અઠવા, સલાબતપુરા, લાલગેટ, લિંબાયતમાં ડ્રોન થકી નજર રાખવામાં આવી રહી છે. સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગર, નાનપુરા, કાદર શાહની નાળ, રૂસ્તમપુરા, સૈયદપુરા, ચોક, મહિધરપુરામાં ડ્રોન ઉડાડવામાં આવ્યું છે.

Most Popular

To Top