સુરતઃ રવિવારે રાતે શહેરના સૈયદપુરા વિસ્તારમાં વરિયાવી ચા રાજા નામથી ઓળખાતી ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટના ક્ષણિક આવેશ કે ઉશ્કેરાટમાં બની નથી. આ સમગ્ર હુમલો પૂર્વઆયોજિત હતો. તોફાનીઓ સુરતની શાંતિમાં પલીતો ચાંપવા માટે છેલ્લાં 3 મહિનાથી પ્લાનિંગ કરી રહ્યાં હતાં. માત્ર સૈયદપુરાની જ નહીં પરંતુ શહેરના 10 વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર હુમલો કરવાનું પ્લાનિંગ કર્યું હોવાનો મોટો ખુલાસો થયો છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પથ્થરમારામાં સંડોવાયેલા લોકો એક નહિ પરતું 10 ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાના હતા. છેલ્લા ત્રણ મહિનાથી કિશોરે આ માટે પોતાની અલગ એક ગેંગ બનાવી હતી. બે દિવસ પહેલા પણ ગણપતિના પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોતા.
આ કિશોરોને પથ્થરો મારવાનું કોણે શીખવાડયું તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે અને જે મદરેસામાં જાય છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા બે થી ત્રણ મુસ્લિમ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા. પહેલા તો તે આગેવાનોએ પોતે જ આ કિશોરથી દુઃખી હોવાનું કહ્યું હતું. તેનું કારણ એ હતું કે, એક કિશોરે સ્થાનિક તેની જ ઉંમરના છોકરાઓની ગેંગ બનાવી રોજ કંઈક ને કંઈક ટિખળ કરવાની યોજના ઘડે છે. સ્થાનિક છોકરાઓ પણ આ એક કિશોરની ગેંગમાં ભળીને બગડી ગયા હોવાની વિગતો પણ સામે આવી હતી.
દરમિયાન છ કિશોરોને પકડીને પોલીસ મથકે લઈ જવાયા બાદ હિંદુ-મુસ્લિમના ટોળાં, સામ સામે આવી ગયા હતા. જો કે, પોલીસે ટીયરગેસના સેલ છોડી, લાઠીચાર્જ કરી સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક મસ્જિદની નજીક આવેલી બે બિલ્ડીંગોમાં ચાર ઘરો હતો જેમાં ઉપરથી ભારે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
આ પથ્થરમારામાં ડીસીપી સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા. પથ્થરમારો કર્યા પછી 27 જેટલા યુવકોએ પોતાના ઘરોમાં અંધારા કરી દીધા હતા અને બહારથી કોઈ પાસે તાળાં મરાવી દીધા હતા. પોલીસે કોમ્બિંગ કર્યું ત્યારે આ માહિતી મળતા આ જ ઘરોમાંથી તમામ પથ્થરબાજોને શોધી કઢાયા હતા.