SURAT

પત્નીને ભરણપોષણ ન આપવું ભારે પડી શકે, સુરતમાં પતિ સાથે જાણો શું થયું…

સુરત: ત્યક્તાને ભરણપોષણની રકમ નહીં ચૂકવનાર પતિને કોર્ટે 120 દિવસની કેદની સજાનો હુકમ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે અરજદાર પત્ની વૈષ્ણવી (નામ બદલ્યું છે) કતારગામ ખાતે રહે છે. તેના લગ્ન વેડરોડ પર રહેતા દીપક (નામ બદલ્યું છે) સાથે 2002માં થયા હતા. વૈષ્ણવી અને દીપકને લગ્નજીવન થકી સંતાનમાં બે પુત્રીઓનો જન્મ થયેલો. જે બંને પુત્રીઓ અરજદાર પરીણીતા પાસે છે.

  • પત્નીને ભરણપોષણની રકમ ચૂકવવા ઈનકાર કરનારા પતિને કોર્ટે 120 દિવસની જેલ ફટકારી
  • ફેમિલી કોર્ટે દર મહિને 10 હજાર પત્ની-બે પુત્રીને ભરણપોષણ પેટે ચૂકવવા હુકમ કર્યો હતો:
  • 1.20 લાખ રકમ ચઢી ગઈ છતાં ચૂકવી ન હતી

લગ્ન બાદ વૈષ્ણવી પતિ દીપક સાથે તેના સાસરે રહેતી હતી. ત્યારબાદ લગ્નના ટુંકા ગાળામાં જ સામાવાળા પતિ અને સાસરિયાઓ દ્વારા વૈષ્ણવીને હેરાન પરેશાન કરવાનું શરૂ કરેલ અને સતત ત્રાસ આપતા હતા. દીપક દારૂ પીને આવીને પત્નીને માર મારતો હતો. પત્નીના ચારીત્ર્ય ઉપર શંકા-કુશંકાઓ કરતો હતો.

વૈષ્ણવી પત્ની જેમ જેમ ત્રાસ સહન કરતા ગયેલા તેમ તેમ પતિ અને સાસરીયાઓનો ત્રાસ વધતો ગયો હતો. પતિ ઘર ખર્ચ પણ આપતો નહતો. નાની નાની બાબતે તકરારો કરી લડાઈ ઝગડો કરતા, ગંદી ગાળગલોચ કરતો હતો. દહેજની માંગણીઓ કરીને ત્રાસ આપતા 2019માં વૈષ્ણવીને માર મારીને બંને પુત્રીઓ સાથે પહેરેલ કપડે કાઢી મૂકી હતી.

પતિ દીપકે પત્ની અને બાળકોના ભરણપોષણની કોઈ જ સગવડ ન કરતા અરજદાર પત્નીએ એડવોકેટ પ્રીતિ જોષી મારફતે સુરત ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરેલી અને જે અરજીના અનુસંધાને પત્ની અને બે પુત્રીને કુલ્લે 10 હજાર રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો.

દીપકે અરજદાર પત્ની અને બંને પુત્રીઓના ભરણપોષણનો હુકમ થયા બાદ ભરણપોષણની રકમ ન ભરતા હોવાથી અરજદાર વૈષ્ણવીએ એડવોકેટ પ્રીતિ જોષી મારફતે કોર્ટમાં રીકવરી અરજી કરી હતી. કોર્ટે પતિને વોરંટ મારફતે બજવણી કરી કોર્ટમાં હાજર કરવામાં આવેલ અને અરજદાર પત્નીએ કરેલી, જેની ચડત રકમ 1.20 લાખ રૂપિયા હતી. જે ચૂકવવાની સામાવાળા પતિએ ના પાડતા સુરતની ફેમીલી કોર્ટે પતિ દીપકને 120 દિવસની સાદી કેસની સજા કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top