SURAT

સુરતઃ ઈન્સ્ટા કાર્ટના ડિલિવરી બોયનું કારસ્તાન, પાર્સલમાંથી એપલના ઓરિજિનલ ગેઝેટ્સ કાઢી ડુપ્લિકેટ પધરાવ્યા

સુરતઃ પુણા કુંભારીયા ખાતે ઇન્સ્ટકાર્ટ સર્વિસ પ્રા.લિ. કંપનીમાં નોકરી કરતા ડિલિવરી બોયે ગ્રાહકના પાર્સલમાંથી એપલ કંપનીનાં મોબાઈલ, ઘડિયાળ અને હેન્ડ્સ ફ્રીની ચોરી કરી હતી. તેની જગ્યાએ ડુપ્લિકેટ વસ્તુઓ મુકી કુલ 7.28 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ સામે આવતાં સારોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • અવારનવાર ચોરીની ફરિયાદ મળતાં કંપનીની મુંબઈ ઓફિસે તપાસ કરી તો ભોપાળું બહાર આવ્યું,
  • પોલીસે 7.28 લાખની ચોરીનો ગુનો નોંધ્યો

સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે સૈયદ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા 53 વર્ષીય અતિક અહેમદ સૈયદ અહેમદ સૈયદ, હેની આર્કેડ ડભોલી ઇન્સ્ટા કાર્ટ સર્વિસ પ્રા.લિ. (મુખ્ય ઓફિસ મુંબઈ) કંપનીમાં એનફોર્સમેન્ટ અધિકારી તરીકે કામ કરે છે. તેમની કંપની ગુજરાતમાં ઓનલાઈન ઓર્ડરનું ડિલિવરી કરવાનું કામ કરે છે. જેથી કંપની દ્વારા ડિલિવરી કરવા ગુજરાતમાં અલગ અલગ હબ બનાવાયા છે.

અતીકભાઈને કુંભારીયાની રઘુવીર પ્લેટિનમ માર્કેટની ઓફિસમાંથી કુરિયરમાંથી ચોરી થતી હોવાની મુંબઈની ઓફિસે અવાર નવાર મેલથી જાણ થતી હતી. જેથી અતિકે મેનેજર સાથે મળી ઓફિસના 24 માર્ચ 2024થી 9 એપ્રિલ 2024 સુધીના ડિલિવરી ડેટા ચેક કર્યા હતા.

આ ડિલિવરી કરવા ડિસ્ટ્રીબ્યુટ કરેલા તથા કેટલાક પાર્સલ ડિલિવરી હબમાંથી ચોરી થયા હોવાનું જણાઈ આવ્યું હતું. આતિકભાઈએ ડીલિવરી બોય જીતેશ રમેશભાઈ સકીનાલા (રહે.લક્ષ્મી નારાયણ સોસાયટી)નાં પરસલો ચેક કર્યા હતા. તેમની કંપનીમાંથી એપલ કંપનીના મોબાઈલ, ઘડિયાળ અને હેન્ડસ ફ્રીના પાર્સલની ચોરી થઈ હતી.

ડિલિવરી વખતે ઓરિજિનલ વસ્તુ કાઢી ડુપ્લિકેટ મૂકી પાર્સલ પરત કરી તેવા મોબાઈલ, ઘડિયાળ અને હેન્ડસ ફ્રી મળી કુલ 7.28 લાખની ચોરી ડિલિવરી બોય જીતેશ દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. સારોલી પોલીસે જીતેશ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top