SURAT

‘પ્યાર કીયા તો ડરના ક્યા’, સુરત એરપોર્ટ પર પ્રેમી પંખીડાએ બનાવેલો વીડિયો વાયરલ

સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગ બહાર ટુ વ્હીલર પાર્કિંગ એરિયા પાસે ઊભા કરવામાં આવેલા લેડર પર ચઢી કપલે પ્યાર કિયા તો ડરના ક્યા, ગીત સાથે બનાવેલો વિડિયો વાઇરલ થતાં એરપોર્ટની સેફ્ટી સિક્યોરિટી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

  • ટુ વ્હીલર પાર્કિંગ એરિયા પાસે લેડર પર ચઢી કપલે બિન્દાસ્ત વિડીયો શૂટ કર્યો, કોઈએ રોક્યા કે ટોક્યા નહીં: એરપોર્ટની સિક્યોરિટી સેફ્ટી સામે પ્રશ્નાર્થ

વિમાનમાં પેસેન્જરને ચઢાવવા અને ઉતારવા માટે લેડર એટલે કે, સીડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેડર રાતના સમયે પાર્ક કરવામાં આવ્યું હતું. એ વખતે કપલ લેડરનાં રૂફ પર ચઢી ગયું હતું. મુગલ એ આઝમ ફિલ્મનું ગીત પ્યાર કિયા તો ડરના ક્યા ગીતની થીમ પર થીરકતું હોય એમ એ વિડિયો શૂટ કરવામાં આવ્યો છે. કપલ ઉપરાંત વિડિયોનાં અંતમાં એક બીજી યુવતી પણ દેખાય છે, જે એ બંને પાસે જતી દેખાય છે.

સુરત એરપોર્ટનાં ટર્મિનલની બહાર પાર્કિંગ સાઈટની ખુલ્લી જગ્યા જાણે પિકનિક પોઇન્ટ હોય એમ, બગીચામાં કોઈ વાહન પર બેઠા હોય એ રીતે એનું શૂટિંગ કરી વિડિયો બનાવવામાં આવ્યો છે. રાતના સમયે સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવતી હોય છે. ટર્મિનલ બિલ્ડિંગમાં ગેટ સુધી CRPFનો બંદોબસ્ત હોય છે, જ્યારે બહારની સાઈડ સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ પોલીસ જોતી હોય છે. વિડીયો દર્શાવે છે કે, આ કપલને હિન્દી ફિલ્મના ગીત પર શૂટિંગ કરતા કોઈએ અટકાવ્યા હોય એવું જણાતું નથી.

ચર્ચા એવી છે કે, શૂટિંગ કરાવનાર અને કરનારને એરપોર્ટનો સલામતી સ્ટાફ ઓળખતો હોય, તો જ આ પ્રકારનું દૃશ્ય વાઇરલ થવું શક્ય છે.

Most Popular

To Top