Business

સિમલાની ગેરકાયદે મસ્જિદનો મામલો કોંગ્રેસ સરકાર માટે પેચીદો બની ગયો છે

છેલ્લા ઘણા દિવસોથી સિમલામાં ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદનો હિંદુ સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. આ વિવાદ ભારતભરમાં ફેલાયો છે અને સંસદના ગૃહમાં પણ પહોંચ્યો છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંજૌલીની ગેરકાયદે મસ્જિદ વિવાદ પર હિમાચલ સરકાર પર પ્રહારો કર્યા છે, એટલું જ નહીં હિમાચલ સરકારના મંત્રીઓ વિક્રમાદિત્ય સિંહ અને અનિરુદ્ધ સિંહે પણ અસદુદ્દીન ઓવૈસીના હુમલાનો જવાબ આપ્યો છે. સંજૌલી વિવાદ મસ્જિદના ગેરકાયદે બાંધકામ સામેની લડાઈથી શરૂ થયો હતો. આ વિવાદના પ્રારંભમાં માલ્યાણા વિસ્તારમાં વિક્રમસિંહ નામના ૩૭ વર્ષીય વ્યક્તિને કુલ છ લોકોએ માર માર્યો હતો. હુમલા બાદ આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપીએ ગુનો કર્યા બાદ તે મસ્જિદમાં છુપાઈ ગયો હતો, જે બાદ હિંદુ સંગઠનોએ સંજૌલી મસ્જિદ વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડી પાડવાની હાકલ કરી હતી. થોડી જ વારમાં આ મામલો વધુ વકર્યો હતો. બીજી તરફ પોલીસે હુમલાના કેસમાં ચાર પુખ્ત વયના મુસ્લિમ આરોપીઓ અને બે સગીર કિશોરો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને તેમને કસ્ટડીમાં લીધા હતા. બાદમાં સગીરોને તેમનાં પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

સંજૌલી મસ્જિદ વિવાદ પર હંગામો એટલો વધી ગયો કે તેનો અવાજ હિમાચલ વિધાનસભામાં પણ ગૂંજવા લાગ્યો હતો. કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહે ગૃહમાં કહ્યું કે સંજૌલી મસ્જિદનો વિરોધ એકદમ યોગ્ય હતો. આ મસ્જિદ સરકારી જમીન પર બનેલી છે અને તેના અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે બહારથી આવતા લોકો અહીંનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લા દેશથી પણ ઘણાં લોકો ત્યાં આવ્યાં છે. કેબિનેટ મંત્રીએ ગેરકાયદે મસ્જિદ તોડી પાડવાની પણ વાત કરી હતી. 

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ અનિરુદ્ધ સિંહના નિવેદન પર પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ કહ્યું કે હિમાચલની કોંગ્રેસ સરકાર ભાજપની ભાષા બોલી રહી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના મુહબ્બત કી દુકાનના નારા પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે હિમાચલ કોંગ્રેસની પ્રેમની દુકાનમાં માત્ર નફરત છે.

સંજૌલી મસ્જિદને લઈને હિંદુ સંગઠનો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ગુરુવારે હિન્દુ સંગઠનોએ સમગ્ર શહેરમાં હંગામો મચાવ્યો હતો. ચૌરા મેદાનથી સંજૌલી સુધી હિંદુ સંગઠનોનાં હજારો લોકોએ ગેરકાયદે રીતે બનેલી મસ્જિદને તોડી પાડવાની માંગણી કરી હતી. દેવભૂમિ ક્ષત્રિય સંગઠન વતી હિંદુ સંગઠનોને સંજૌલી જવાની હાકલ કરવામાં આવી હતી. ચૌડા મેદાન ખાતે યોજાયેલી રેલીમાં હિન્દુ સંગઠનની સાથે કોંગ્રેસના ત્રણ કાઉન્સિલરો અને શહેરના અનેક હિન્દુત્વવાદી લોકો હાજર રહ્યાં હતાં. આ દરમિયાન હિન્દુ સંગઠનનાં સભ્યોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું અને હિન્દુ દેવતાઓના નામના નારા પણ લગાવ્યા હતા. તે સમયે વિશાળ ચૌડા મેદાન હર હર મહાદેવ, રાધે રાધેથી લઈને જય શ્રી રામ સુધીના નારાઓથી ગૂંજી રહ્યું હતું.

આ ગેરકાયદે મસ્જિદને લઈને કોર્પોરેશન પ્રશાસન સાથે અનેક વખત સુનાવણી થઈ છે. ૨૦૧૦ બાદ ૨૦૧૨માં ફરીથી અહીં ગેરકાયદે બાંધકામ થયું હતું. ૨૦૧૩માં આ કેસની ફરી સુનાવણી થઈ હતી. આ પછી પણ બાંધકામ ચાલુ રહ્યું અને ૨૦૧૯માં પણ બાંધકામ ચાલુ રહ્યું. આ સમયગાળા દરમિયાન ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી કોંગ્રેસ સત્તામાં હતી અને ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી ભાજપ સત્તામાં હતી અને હવે રાજ્યમાં કોંગ્રેસ સત્તા પર છે. મોટી વાત એ છે કે સિમલામાં અઢી માળથી ઉપરના બાંધકામની મંજૂરી નથી, જ્યારે અહીં ચાર માળ બનાવવામાં આવ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ૧૦ વર્ષ પછી ૨૦૨૩માં મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસનને ખબર પડી કે જે પક્ષની વિરુદ્ધ મહાનગરપાલિકામાં સુનાવણી ચાલી રહી છે તેનો મસ્જિદ સાથે કોઈ સંબંધ નથી. મંત્રી અનિરુદ્ધ સિંહે કહ્યું કે આ જમીનની માલિકી હિમાચલ પ્રદેશ સરકાર પાસે છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભાની મોનસૂન બેઠકની કાર્યવાહીમાં ભાગ લેવા આવેલા મુખ્ય મંત્રી સુખુએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે રાજ્યમાં તમામ નાગરિકો સમાન છે અને અહીં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે. જે કોઈ કાયદો પોતાના હાથમાં લેશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે વિરોધ શાંતિપૂર્ણ હોવો જોઈએ અને કોઈને પણ કાયદો તોડવાની મંજૂરી નથી. બીજી તરફ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપા નેતા જયરામ ઠાકુરે કહ્યું કે આ હિંદુ-મુસ્લિમ વિવાદ નથી. આ ગેરકાયદે બાંધકામનો મામલો છે. 

સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે અને કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ. જયરામ ઠાકુરે કહ્યું કે સમગ્ર મામલે મંત્રી અનિરુદ્ધ સિંહે અને મુખ્યમંત્રી સુખુનાં નિવેદનો અલગ-અલગ જણાય છે. મંત્રી અનિરુદ્ધ સિંહ મસ્જિદને ગેરકાયદે જણાવી તેને તોડી પાડવાની તૈયારી બતાડી રહ્યા છે પણ મુખ્ય મંત્રી સુખુ મુસ્લિમોની તરફેણ કરીને ગેરકાયદે મસ્જિદને સંરક્ષણ આપવાની કોશિશ કરી રહ્યા છે.

વાસ્તવમાં સિમલાના માલ્યાણા વિસ્તારમાં કેટલાંક લોકોએ વિક્રમ સિંહ નામના ૩૭ વર્ષના યુવકને માર માર્યો હતો. આ લડાઈમાં વિક્રમ સિંહને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને ૧૪ ટાંકા આવ્યા હતા. મામલાની ગંભીરતા જોતાં ધારી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી બે સગીર હતા. વિક્રમ સિંહે ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ૩૦ ઓગસ્ટના રોજ રાત્રે ૮.૩૦ વાગ્યે તે પોતાનું લોકમિત્ર કેન્દ્ર બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે ત્યાં એક છોકરો અવાજ કરી રહ્યો હતો. જ્યારે વિક્રમે તેને રોક્યો ત્યારે મોહમ્મદ ગુલનવાઝ તેના અન્ય સાથીઓ સાથે ત્યાં આવ્યો અને વિક્રમને ઘેરી લીધો હતો. એક છોકરાએ તેને માથા પર લાકડી વડે ફટકો માર્યો હતો. ગુલનવાઝ અને તેના સહયોગીઓએ જયપાલ અને રાજીવ શર્મા નામનાં લોકોને પણ માર માર્યો હતો.

આ ફરિયાદ પછી ધારી પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરીને ઇજાગ્રસ્તોને તબીબી સારવાર અપાવી હતી. આ કેસમાં છ આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી બે સગીર છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓમાં ગુલનવાઝ ઉંમર ૩૨ વર્ષ, સારિક ઉમર ૨૦ વર્ષ, સૈફ અલી ઉંમર ૨૩ વર્ષ, રોહિત ઉંમર ૨૩ વર્ષ અને બે સગીરોનો સમાવેશ થાય છે. તેમાંથી રિહાન ઉત્તરાખંડનો છે અને બાકીના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના છે. પોલીસને તે સ્થાનિક દુકાનદારો અને રાજ્ય બહારના મુસ્લિમ સમુદાયનાં લોકો વચ્ચેની પરસ્પર દલીલ અને લડાઈનો મામલો હોવાનું જણાયું હતું, પરંતુ સ્થાનિક લોકો એવું માનતાં નથી. તેમનો આરોપ હતો કે ગુનો કર્યા બાદ તેઓ આવીને મસ્જિદમાં છુપાઈ ગયા હતા. જે બાદ હિન્દુ સંગઠનોએ સંજૌલીમાં પ્રદર્શન કર્યું અને મસ્જિદને ગેરકાયદે ગણાવીને તેને તોડી પાડવાની માંગણી કરી હતી.

વાસ્તવમાં માલ્યાણા હિમાચલ સરકારના કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહના મતવિસ્તાર કુસુમપતિમાં આવે છે. સંજૌલીમાં મસ્જિદની બહાર જે વિસ્તારમાં વિરોધ પ્રદર્શન થયું તે સિમલા શહેરી ધારાસભ્ય હરીશ જનાર્થાના મતવિસ્તારમાં છે. અનિરુદ્ધ સિંહે બુધવારે ગૃહમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આંદોલન એકદમ યોગ્ય છે અને તેઓ આ આંદોલનની જવાબદારી લે છે. 

સ્થાનિક ધારાસભ્ય હરીશ જનાર્થાનું કહેવું છે કે લોકો માલ્યાણાના વિવાદને સંજૌલીમાં લાવ્યા જે ખોટું છે. સ્થિતિ એવી હતી કે જ્યારે કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહ આ મુદ્દે નિયમ ૬૨ હેઠળ આયોજિત ચર્ચા દરમિયાન ગૃહમાં બોલી રહ્યા હતા, ત્યારે વિપક્ષી દળ ભાજપનાં સભ્યોએ ઘણી વખત ટેબલ થપથપાવ્યું હતું. અનિરુદ્ધ સિંહે એમ પણ કહ્યું કે બહારથી આવતાં લોકો પર્યાવરણને બગાડે છે. તેમણે લવ જેહાદ વિશે વાત કરી હતી અને દાવો કર્યો કે તે લોકો બાંગ્લા દેશથી આવ્યા છે.
  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top