Vadodara

ધો.12ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ કરનાર શિક્ષકને આજીવન કારાવાસની સજા

વડોદરા: શહેરના અટલાદરા વિસ્તારમાં ટ્યૂશન ક્લાસની ધો-12 સાયન્સની વિદ્યાર્થિનીને પેપર લીક કરાવીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપીને વિવિધ શહેરની હોટલમાં દુષ્કર્મ આચરનાર શહેરની ગોરવા ખાતે આવેલ એલેમ્બિક સ્કૂલના શિક્ષકને અદાલતે બળાત્કાર અને પોક્સોના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા વિનુ કતારિયાની (રહે-સહજાનંદ ડુપ્લેક્સ, ચાણક્યનગરી પાછળ, કલાલી રોડ, વડોદરા, મૂળ-રહે ગીર-સોમનાથ) વર્ષ 2009માં ગોરવા રોડની એલેમ્બિક સ્કૂલમાં બાયોલોજી-ટીચર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. બે વર્ષ અગાઉ તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, ત્યાર બાદ તેને શિક્ષકપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ચુકાદો આપતાં સમયે અદાલતે નોંધ્યું હતું કે આરોપી શિક્ષક હોવાથી અને પત્ની તથા બે સંતાનોનો પિતા હોવા છતાં પોતાની પત્ની અને નાની દીકરીના ભવિષ્યની ચિંતા કર્યા વિના વાસનામાં અંધ બની માત્ર પોતાની હવસ સંતોષવાના ભાગરૂપે સગીર વિદ્યાર્થિનીને શિક્ષણ આપવાના બદલે પોતાના શિક્ષક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંબા સમય સુધી શારીરિક શોષણ અને બળાત્કાર કરી હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું છે. એ જોતાં આરોપીઓનું કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનું છે, આવા ગુનામાં આરોપીને યોગ્ય સજા કરવામાં ના આવે તો એનાથી સમાજમાં ખોટો સંદેશો જશે.

આરોપી અને ભોગ બનનાર વચ્ચે આશરે 23 વર્ષની ઉંમરનો તફાવત હતો. પોતે પત્ની અને બે સંતાનનો પિતા હોવા છતાં સગીરા સાથે બળાત્કાર કરીને વિડિયો ઉતારી અશ્લીલ ફોટા પાડીને વારંવાર બ્લેકમેઇલ કરી બળાત્કાર ગુજાર્યો હતો.

બનાવ સમયે આરોપી પોતે ટ્યૂશન ક્લાસનો શિક્ષક હતો, જેથી વિદ્યાર્થિની સંપૂર્ણપણે આરોપીના કંટ્રોલમાં હતી, જેથી આરોપી સહેલાઈથી તેને પોતાના વશમાં લઈ બળાત્કાર ગુજાર્યો હતો.શિક્ષક અને વિદ્યાર્થિનીના શારીરિક સંબંધોની જાણ વિદ્યાર્થિનીનાં માતા-પિતાને થયા બાદ વિદ્યાર્થિનીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને વ્હોટ્સએપ અકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું અને આરોપીથી પીછો છોડાવવા માગતી હતી.

પરંતુ આરોપીએ વિદ્યાર્થિનીની માતાના મોબાઈલ ઉપર વારંવાર મેસેજ કરી તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવતો હોવાનું રેકોર્ડ પર આવ્યું. આરોપીને યોગ્ય સજા કરવામાં ન આવે તો તેની વિકૃત માનસિકતા જોતાં આરોપી જેલમુક્ત થયા બાદ ફરીથી શિક્ષણ આપવાના ઓથા હેઠળ અન્ય વિદ્યાર્થિનીઓનું પણ શારીરિક શોષણ કરી ફરીથી આ પ્રકારનો ગુનો આચરે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top