હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં અને જીત-હારના દાવા કરવામાં વ્યસ્ત છે. હરિયાણાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનની ખરી કસોટી મનાઈ રહી છે, કારણ કે, હરિયાણામાં ક્યાંકને ક્યાંક ઈન્ડિયા ગઠબંધનની ગાંઠ ઢીલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે હરિયાણા ચૂંટણીથી અંતર રાખવાનો સંકેત આપ્યો છેતો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ પણ આવા જ સંકેતો આપ્યા છે.
હરિયાણાની ૯૦ વિધાનસભા બેઠકો પર ૫ ઓક્ટોબરે મતદાન થશે. ૮ ઓક્ટોબરે ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર કિસાનોના અને પહેલવાનોના આંદોલનને કારણે જબરદસ્ત એન્ટી ઇનકમ્બન્સી વેવનો સામનો કરી રહી છે. તેને કારણે ભાજપે હરિયાણામાં મનહરલાલ ખટ્ટરને રાજીનામું આપવાની ફરજ પાડીને નાયબ સિંહ સૈની મુખ્યમંત્રી બનાવ્યા છે. જો હરિયાણામાં AAP અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તો ભાજપની હાલત બૂરી થઈ શકે છે, પણ ભાજપ અને AAP ગઠબંધન અંગેના સતત મૌનને લઈને રહસ્યનું વાતાવરણ પેદા થયું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે લોકસભાની ચૂંટણી આપ અને કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં ગઠબંધન કરીને લડી હતી. બંને પક્ષોએ દાવો કર્યો હતો કે દિલ્હીની તમામ સાત બેઠકો પર જીત નિશ્ચિત છે.
ચૂંટણીનાં પરિણામોમાં ભાજપના ઉમેદવારોએ તમામ સાત બેઠકો કબજે કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ૧૦ સીટોની માંગણી પર વાતચીત અટકી છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ AAPને ૫ બેઠકો આપવા તૈયાર છે. AAP સાથે ગઠબંધન માટે કોંગ્રેસ એવા શહેરોમાં કેટલીક બેઠકો છોડવા તૈયાર છે જ્યાં તેને લાગે છે કે AAP પાસે વધુ તાકાત છે.જો આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરેતો તે વધુ સીટોનો દાવો કરતી જોવા મળશે, કારણ કે આપ ક્યારેય નહીં ઈચ્છે કે પંજાબમાં સરકારમાં રહેલી પાર્ટી પાડોશી રાજ્ય હરિયાણાની ચૂંટણીમાં નબળી દેખાય.
દિલ્હીમાં સરકાર વિરોધી આંદોલનને કારણે સમાચારોમાં ચમકેલા પહેલવાનો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. એવું માનવામાં આવે છે કે તેઓ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણામાં વિધાનસભા ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં એવી અટકળો હતી કે હવે સાક્ષી મલિક પણ રાજકારણમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ તેણે પોતે આ અંગે મૌન તોડ્યું છે. સાક્ષી મલિકે સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણી લડી રહી નથી કે કોઈ પાર્ટીમાં જોડાઈ રહી નથી.
આ સાથે તેણે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે મારું સંપૂર્ણ ધ્યાન અત્યારે ભારતને રમતગમતમાં નંબર વન બનાવવા પર છે. મારું સપનું છે કે મારા દેશને ઓછામાં ઓછા ૫૦ ઓલિમ્પિક મેડલ મળે. આ દેશે મને ઘણું આપ્યું છે અને આ જીવન દેશના નામે છે. હું દેશભરના બાળકોને મફત રમતની તાલીમ આપવા અને કુસ્તીને દરેક ઘર સુધી પહોંચાડવાના મિશનમાં વ્યસ્ત રહીશ. દરેક શહેરમાં રમતગમતની સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે હું કામ કરીશ.
હરિયાણામાં ૧૦ વર્ષથી સત્તામાં રહેલી ભાજપ માટે આ વખતે સૌથી મોટો ખતરો એન્ટી ઇન્કમ્બન્સીથી છે. તેનો મુકાબલો કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઓબીસીમાં જ્ઞાતિઓના ચહેરાઓને એકત્ર કરવાનો પ્રયાસ પણ કર્યો છે, જેઓ રાજકીય રીતે બહુ બોલતા નથી પરંતુ ચૂંટણી પરિણામો પર તેમની મોટી અસર પડે છે. આ ચૂંટણીમાં પછાત વર્ગને પ્રાધાન્ય આપીને ૬૭માંથી ૧૪ ટિકિટ આપવામાં આવી છે જેમાં ગુર્જર, યાદવ, કશ્યપ, કુમ્હાર, કંબોજ અને સૈની વગેરેને તક મળી છે.
ભાજપે આઠ પંજાબીઓને અને પાંચ-પાંચ યાદવ અને ગુર્જર નેતાઓને તક આપી છે. ચૂંટણીની દિશા નક્કી કરવામાં દલિત મતોની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં લઈને ભાજપે ઉમેદવારોની યાદીમાં દલિત, બાલ્મિકી, ધનુક, બાવરિયા અને બાઝીગરની તમામ પેટાજ્ઞાતિઓ સાથે જાટવ સમાજને પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે માત્ર બ્રાહ્મણો, બનિયાઓ અને રાજપૂતો સુધી તેની મુખ્ય વોટ બેંકનો વિસ્તાર કર્યો નથી પરંતુ વિશ્નોઈ, જાટ, પંજાબીઓ, શીખો અને જાટ શીખોને પણ ટિકિટ આપી છે. પ્રથમ યાદીમાં આઠ મહિલાઓને તક આપવામાં આવી છે.
ભાજપે પોતાના વિસ્તારમાં ચોક્કસ જ્ઞાતિમાં ઊંડાં મૂળ ધરાવતા અડધો ડઝન નેતાઓના પુત્ર-પુત્રીઓને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. પાર્ટીએ કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીતની પુત્રી આરતી, રાજ્યસભાના સભ્ય કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરી, કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્ય બિશ્નોઈ, રાજ્યસભાના સાંસદ કાર્તિકેય શર્માની માતા શક્તિ રાની શર્મા, સતપાલ સાંગવાનના પુત્ર સુનીલ સાંગવાન, કરતાર સિંહ ભડાનાના પુત્ર હસમુખને ચૂંટણીમાં મેદાનમાં ઊતાર્યાં છે.
હરિયાણામાં હાલની ભાજપ સરકાર સામે એન્ટી ઈન્કમ્બન્સીની વાતો થઈ રહી છે, પરંતુ એવું પણ માનવામાં આવે છે કે ત્યાંનાં સમીકરણોમાં જે પક્ષ ભાજપવિરોધી મતોનું વિભાજન થતું રોકવામાં સફળ થાય તે જ જીતી શકે છે. કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર ભાજપ વિરોધી મતોને વેરવિખેર થતા અટકાવવાનો છે. હરિયાણામાં જેજેપી અને આઝાદ સમાજ પાર્ટી કાંશીરામ વચ્ચે ગઠબંધન છે. આ બંને પક્ષોની નજર જાટ અને દલિત મતો પર છે. જો AAP પણ તમામ બેઠકો પર ચૂંટણી લડે તો કોંગ્રેસને નુકસાન થઈ શકે છે.
હકીકતમાં ઇન્ડિયા ગઠબંધનમાં સમાવિષ્ટ બંને પક્ષોએ હરિયાણામાં લોકસભાની ચૂંટણી સંયુક્ત રીતે લડી હતી. પરિણામમાં કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી પણAAPએ તેને ફાળવવામાં આવેલી એકમાત્ર બેઠક ગુમાવી પરંતુ તેને ૩.૯૪ ટકા મત મળ્યા હતા અને ચાર વિધાનસભા મતવિસ્તારોમાં લીડ મળી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને રાહુલે ગઠબંધનનો પ્રસ્તાવ રાખ્યો છે. રાહુલે આ અંગે નેતાઓ સાથે વાત કરીને નફા-નુકસાનનો રિપોર્ટ આપવા કહ્યું છે. બીજી તરફ AAP નેતા સંજય સિંહે રાહુલની પહેલને આવકારી હતી અને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને આ અંગે જાણ કર્યા પછી વધુ વાતચીત કરવામાં આવશે .
ભાજપે હરિયાણાની ૯૦ વિધાનસભા બેઠકોમાંથી ૬૭ ઉમેદવારોની યાદીમાં દલિતોને સામેલ કરવા માટે પ્રયાસો કર્યા છે. પાર્ટીએ ૨૭ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારીને અને સર્વજ્ઞાતિ ઉમેદવારોની યાદી બનાવીને સત્તા વિરોધી લહેરને નાથવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઉર્જા અને જેલ મંત્રી રણજિત સિંહ ચૌટાલા અને ધારાસભ્ય લક્ષ્મણ ટિકિટ ન મળવાથી નારાજ છે. લક્ષ્મણદાસ નાપા સહિત ૨૦ નેતાઓએ બળવો પોકાર્યો છે. પાર્ટી તેમને મનાવવાનો પ્રયાસ કરી રહી છે.
હરિયાણાની ચૂંટણી કોંગ્રેસની ટોચની નેતાગીરી માટે પણ માથાનો દુ:ખાવો બની શકે છે કારણ કે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ માટે રેસ શરૂ થઈ ગઈ છે. સિરસાથી કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજાએ પણ વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કુમારી શૈલજાની વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા ભૂપેન્દર સિંહ હુડ્ડા માટે ચિંતાનું કારણ બની શકે છે.
જો કુમારી શૈલજા વિધાનસભાની ચૂંટણી લડશે અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો કુમારી શૈલજા સીએમ પદની રેસમાં સામેલ થશે.ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જાટ સમુદાયમાંથી આવે છે અને કુમારી શૈલજા દલિત સમુદાયનાં છે. હરિયાણામાં કોંગ્રેસની રાજનીતિ જાટ અને દલિત વોટબેંક પર આધારિત છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કુમારી શૈલજાની જોડીએ ભાજપને સખત ટક્કર આપી હતી. જો કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની શકી નહોતી, પરંતુ હવે બંને નેતાઓ વચ્ચે છત્રીસનો આંકડો જણાવવામાં આવી રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.