નાનકડી નિહિતા સ્વીમીંગ પુલમાં ડાઈવીંગ બોર્ડ પર ચઢી ગઈ. તેના કોચ બોલ્યા, ‘અરે અરે હમણાં નહિ હજી તારે ડાઈવીંગ શીખવાને વાર છે.’ બીજા એક આન્ટી બોલ્યા, ‘અરે હજી તું નાની છે નીચે ઉતર વાગી જશે.’ પણ કોઈં સાંભળ્યા વિના નિહિતાએ ડાઈવ મારી. સ્વીમીંગ પુલમાં તરીને બહાર આવી કોચ ખિજાયા, કે સાંભળતી નથી. ઘરે મમ્મીને ફરિયાદ પણ કરી. નિહિતાના મમ્મીએ તેને ખીજાતા કહ્યું, ‘બેટા કેમ સરની વાત સાંભળી નહિ તને વાગ્યું હોત તો?’ નિહિતાએ કહ્યું, ‘પણ મમ્મી મને વાગ્યું તો નથી અને મેં જાતે ડાઈવ કર્યું તેના માટે કોઈ શાબાશી નથી આપતું અને બધા ખીજાય છે.’ નિહિતાનો જવાબ સાંભળીને મમ્મી પણ વિચારમાં પડી ગઈ કે પોતાની નાનકડી દીકરીની વાત તો સાચી જ હતી ને!
આ નાનકડો પ્રસંગ છે પણ એક વાત સમજાવે છે. નાનકડી નિહિતાને જેમ ડાઈવ મારતા બધાએ અટકાવી તેમ આપણા જીવનમાં પણ એક અહીં અનેક લોકો પારકા અને પોતાના બધા જ આપણને આગળ વધતા કોઈને કોઈ રીતે અટકાવે જ છે. તમે કઈ પણ કરવા માંગો તો કોઈ કહેશે ‘આ શક્ય નથી..’; કોઈ કહેશે ‘હમણાં નહિ કર’, કોઈ કહેશે ‘ખોટી મહેનત કરે છે.’ તો કોઈ કહેશે, ‘તું નહિ કરી શકે.’ ‘તારી તાકાત બહારની વાત છે.’ કોઈ સુફિયાણી સલાહ આપશે, ‘કોઇથી નથી થયું તારાથી શું થશે.’ કોઈ કહેશે, ‘મને નથી ફાવતું તું પણ રહેવા દે.’ કોઈ કહેશે, ‘તું નહિ કરી શકે..’ કોઈ કહેશે, ‘આવા સપના ન જોવાય.’
જીવનમાં વ્યક્તિ કોઇપણ હોય તેનું ધ્યેય કે સપનું કંઈપણ હોય પણ ઉપર જણાવેલા વાક્યો બધાએ સાંભળવા જ પડે છે અને મોટાભાગના આ વાક્યોની અસર હેઠળ પોતાનું ધ્યેય, પોતાનું સપનું, પોતનું કામ છોડી દે છે. અને જે સાંભળતા નથી તે નિહિતાએ જેમ અટક્યા વિના ડાઈવ મારી તેમ આગળ વધી શકે છે. જીવનમાં આગળ વધવાનો એક જ ઉપાય છે કે આવા નાસીપાસ કરતા વાક્યોથી સતત દુર દુર ચાલ્યા જાવ અને જેટલા દુર જશો ..જેટલું આ વાક્યો પર ધ્યાન નહિ આપો કે તેની પોતાના મન પર અવળી અસર નહિ થવા દો એટલા તમે પોતાના ધ્યેય તરફ આગળ આગળ વધતા જશો. લોકોના બોલાયેલા વાક્યોથી ડરીને અટકશો નહિ તો ચોક્કસ સફળ થશો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.