Charchapatra

ગુરુ સાક્ષાત પરબ્રહ્મ

ભારત દેશમાં દર 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. આપણી જિંદગીમાં માતા-પિતા અને જ્ઞાન સાથે જીવનપાઠ-મૂલ્યો-ઘડતર કરનાર (ગુરુ)શિક્ષકની મહત્વની ભૂમિકા આવે છે. કહેવાય છે કે ગુરુ વિનાનું જ્ઞાન અધૂરું છે.  આજે શિક્ષક માટે ગુરુ, સર, માસ્તર, શિક્ષણ શિલ્પી-કસબી, સર્જક, રાષ્ટ્રનો ઘડવૈયો, વિદ્યાપથનો આજીવન યાત્રી, સહાયક, પથપ્રદર્શક, ચૈતન્ય બાગનો માળી વગેરે શબ્દપ્રયોગ થાય છે.  શિક્ષણનો વાસ્તવિક આંધરસ્તંભ છે તે શિક્ષક માટે હાલમાં ‘ગુલ્લીબાજ’ ઉપમા આપવામાં આવી ત્યારે વિદ્યાર્થીના જીવનઘડરમાં અમૂલ્ય ફાળો આપનાર શિક્ષકનું સમાજમાં સ્થાન, તેનાં ગૌરવ-ગરિમા અંગે પ્રશ્નો ઉઠ્યાં. 

શિક્ષકદિન એ શિક્ષકના બહુમાનનો અવસર છે ત્યારે એટલું સ્વીકારવું પડે કે વ્યવસાયને સમર્પિત નિષ્ઠાવાન શિક્ષકો વધારે છે. અલબત, આજે સમય, મૂલ્યો બદલાયાં છે એટલે શિક્ષકના માન-પાન ઘટયાં છે. અરે, શિક્ષકોની ખાલી જગ્યા પણ ભરાતી નથી એમાંય કોન્ટ્રાકટ પર કામ કરતા શિક્ષકો!  શિક્ષકો પ્રોફેશનલ બની જાય એ કેમ ચાલે? શિક્ષકોને મન વર્ગ એજ સ્વર્ગ હોવું જોઈએ. અહીં બાળકોના ભવિષ્યનો પશ્ન છે. આજનાં શિક્ષકોએ આજીવન વિદ્યાર્થી બનવું પડશે. શિક્ષણ વ્યવસાય નહીં પણ કર્મ છે, તે સ્વીકરવું પડશે. ચાલો, શિક્ષકનાં સ્થાન અને ગૌરવને સ્થાપિત કરી ભાવિ પેઢીનાં ઘડતરને ન્યાય આપીએ,  રાષ્ટ્રનિર્માણ યોગદાન આપીએ. વિદ્યા જ્યોતને પેટાવીએ.
નવસારી           – કિશોર આર. ટંડેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સંવિધાન એ લોકશાહીનો આત્મા છે
થોડાક વખત પર સંસદમાં શપથવિધિ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવેલા તો અન્ય કોઈ સાંસદે જય શ્રી રામ તો વળી કોઈએ જય ભીમ જેવા નારા લગાવેલા. આવું દ્રશ્ય જોવામાં આવે ત્યારે થાય કે આ સંસદ ભવન છે કે શાકમાર્કેટ.? શપથવિધિ વેળાએ જે અલગ અલગ નારા અને  સૂત્રો પોકારવામાં આવે છે એ જરાય ઉચિત નથી. જય બોલાવવી જ હોય તો બંધારણની જ જય બોલાવી શકાય.. સંસદમાં થતો વાણી વિલાસ અટકવો જોઈએ. લોકશાહીએ બક્ષેલા વાણી સ્વાતંત્ર્યને આપણે વાણી સ્વચ્છંદતામાં ફેરવી નાંખ્યો છે. શપથવિધિ વખતે કેટલાક સાંસદો પોતાની માતૃભાષામાં તો વળી કેટલાક અંગ્રેજીમાં શપથ લેતાં હોય છે, જે ખોટું છે. ભલે હિન્દી આપણી સત્તાવાર ઘોષિત રાષ્ટ્રભાષા નથી, છતાંએ તે દેશભરમાં સૌથી વધુ બોલાતી, સમજાતી અને એકબીજાને જોડતી તથા દેશ વ્યાપી ભાષા હોય સંસદમાં શપથવિધિ વખતે હિન્દી ભાષાનો જ ઉપયોગ થવો જોઈએ..

દેશના દક્ષિણપંથી કેટલાક રાજ્યોને હિન્દી ભાષા પ્રત્યે સુગ હોય તો એવા લોકોએ કેન્દ્રમાં બેસીને દેશનું નેતૃત્વ કરવાથી દૂર રહેવું જોઈએ.. કેન્દ્રમાં સંસદમાં બેસવું હોય તો હિન્દી ભાષા આવડવી એ પ્રાથમિક અને અનિવાર્ય લાયકાત હોવી જોઈએ.. શપથવિધિ વેળાં કેટલાક સાંસદો પોતાના ધર્મગ્રંથ પર હાથ મૂકીને શપથ લેતાં હોય છે,  જે  ધર્મ નિરપેક્ષ દેશ માટે  સુસંગત નથી. શપથવિધિ વેળાએ ફક્ત બંધારણના ગ્રંથ પર જ હાથ મૂકીને સોગંદ લેવા જોઈએ, કારણ કે કોઈપણ સાંસદ બંધારણીય રીતે જ ચૂંટાઈને સંસદમાં પહોંચતા હોય છે. સોગંદ વિધિ વખતે બંધારણને વફાદાર રહેવાની વાત સોગંદ વિધિમાં આવતી જ હોય છે, એટલે ધર્મનિરપેક્ષ દેશ માટે બંધારણ જ “ધર્મગ્રંથ” હોઈ શકે છે.
સુરત     – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top