Columns

બ્રુનઈના સુલતાનની દોમદોમ સાહ્યબીના મૂળમાં ખનિજ તેલ અને કુદરતી ગેસ છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની બે દિવસીય મુલાકાતે જઈ આવ્યા છે. તેમની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસમાં મુલાકાત કરી હતી. બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાનમાં બનેલ ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસને દુનિયાનો સૌથી ભવ્ય મહેલ કહેવામાં આવે છે. તેનું નામ તેની ભવ્યતા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ મહેલની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં ૧,૭૮૮ રૂમ, ૨૫૭ બાથરૂમ અને ૩૮ વિવિધ પ્રકારના માર્બલથી બનેલી ૪૪ સીડીઓ છે. ઇસ્તાના નુરુલ ઈમાન (આસ્થાના પ્રકાશનો મહેલ) ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં સુલતાન હસનલે બનાવ્યો હતો. આશરે ૧.૪ અબજ ડોલરને ખર્ચે બાંધવામાં આવેલ આ મહેલ ૧૯૮૪માં બ્રિટિશ શાસનથી બ્રુનેઈની સ્વતંત્રતા પહેલાં પૂર્ણ થયો હતો. આ મહેલને ફિલિપિનો આર્કિટેક્ટ લિયોનાર્ડો લોક્સિન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

બ્રુનેઈના સુલતાનનો આ મહેલ લગભગ બે લાખ ચોરસ મીટરમાં બનેલો છે. આ કદ તેને વિશ્વની સૌથી મોટી રહેણાંક ઇમારત બનાવે છે. ૨૫૭ બાથરૂમ અને ૧,૭૮૮ રૂમ ઉપરાંત તે એક સમયે પાંચ હજાર મહેમાનોનું સ્વાગત કરી શકે તેટલો મોટો બેન્ક્વેટ હોલ ધરાવે છે. આ પેલેસના પાર્કિંગમાં ૧૧૦ કાર પાર્ક કરી શકાય છે. મહેલની અંદર ૨૦૦ ઘોડાઓ માટે એક વાતાનુકૂલિત તબેલો, પાંચ સ્વિમિંગ પુલ અને એક ભવ્ય મસ્જિદ પણ છે. આ મસ્જિદમાં એક સાથે ૧,૫૦૦ લોકો નમાઝ અદા કરી શકે છે.

મહેલની આર્કિટેક્ચરલ ડિઝાઇન બ્રુનેઇની ઇસ્લામિક સંસ્કૃતિ અને મલય પરંપરાઓનું મિશ્રણ છે. મહેલના બહારના ભાગમાં ગોલ્ડન ગુંબજ બનાવવામાં આવ્યા છે. ગુંબજમાં ૨૨ કેરેટ સોનાથી જડાયેલો કેન્દ્રીય ગુંબજ પણ સામેલ છે. આ મહેલમાં ઘણા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઇસ્તાના નુરુલ ઇમાન વિશ્વનો સૌથી મોટો રહેણાંક મહેલ છે, પરંતુ તે સૌથી મોંઘો નથી. એટલે કે કિંમતની દૃષ્ટિએ આના કરતાં પણ મોંઘો ઇંગ્લેન્ડના રાજવીના રહેઠાણ સમાન બકિંગહામ પેલેસ છે, જેની કિંમત લગભગ ૨.૯ અઅબજ ડોલર છે.

બ્રુનેઈ એશિયામાં સિંગાપોર અને ફિલિપાઈન્સ વચ્ચે આવેલો દેશ છે. તેને ૧૯૮૪માં યુનાઇટેડ કિંગડમથી આઝાદી મળી હતી. હસનલ બોલ્કિયા ઈબ્ની ઓમર અલી સૈફુદ્દીન III ૧૯૬૮ થી બ્રુનેઈના સુલતાન છે. સુલતાનની મિલકત લગભગ ૩૦ અબજ ડોલર છે, જે તેમને વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંથી એક બનાવે છે. તેઓ હાલમાં કોઈપણ દેશના સૌથી લાંબા સમય સુધી રાજ્યના વડા છે. આ રીતે તેઓ રાણી એલિઝાબેથ II પછી ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા બન્યા હતા.

હસનલ બોલ્કિયાનો જન્મ ૧૬ જુલાઈ ૧૯૪૬ના રોજ થયો હતો. સુલતાને કુઆલાલંપુરની વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યુશનમાં હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ પછી તેમણે ૧૯૬૭માં યુકેની રોયલ મિલિટરી એકેડમીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. પોતાના દેશને આગળ વધારવા માટે સુલતાને તેને આસિયાન અને સંયુક્ત રાષ્ટ્રનો એક ભાગ બનાવ્યો. બાદશાહ તેની વૈભવી જીવનશૈલી માટે જાણીતો છે. સુલતાનની આવકનો સૌથી મોટો સ્ત્રોત તેલ અને કુદરતી ગેસનો ભંડાર છે. બ્રુનેઈનો સુલતાન એક મહેલમાં રહે છે. આ મહેલનું નામ ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસ છે જે ૧૯૮૪માં બ્રિટિશ શાસનથી આઝાદીની યાદમાં બાંધવામાં આવ્યું હતું. તે વિશ્વના સૌથી મોટા રહેણાંક મહેલ તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે.

બ્રુનઈના સુલતાને તેમના ઉપયોગ માટે બોઈંગ ૭૪૭ એરક્રાફ્ટમાં લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમના વિમાનમાં ગોલ્ડન વૉશ બેસિન જેવી વધારાની વસ્તુઓ પાછળથી ઉમેરવામાં આવી હતી, જેનું મૂલ્ય ૧૨ કરોડ ડોલર હતું. એવો પણ દાવો કરવામાં આવે છે કે તેણે પોતાની પુત્રીને જન્મદિવસની ભેટ તરીકે એરબસ A-340 આપી હતી. બ્રુનઈના સુલતાન પાસે દુનિયાની રેરેસ્ટ કારનું કલેક્શન છે. આમાં ગોલ્ડ પ્લેટેડ રોલ્સ રોયસ પણ સામેલ છે. કથિત રીતે તેમની પાસે ૭,૦૦૦ વાહનોનો કાફલો છે, જેની કિંમત પાંચ અબજ ડોલર હોવાનો અંદાજ છે.

તેમની પાસે ૩૦૦ ફેરારી અને ૫૦૦ રોલ્સ રોયસ છે. સુલતાનનું પોતાનું પ્રાણી સંગ્રહાલય છે. તેમાં ૩૦ બંગાળના વાઘ છે. કોકાટુ, ફ્લેમિંગો અને ફાલ્કન પણ અહીં રહે છે. બ્રુનઈના સુલતાન બોલ્કિયા તેમના વાળ કાપવા માટે લગભગ ૧૬ લાખ રૂપિયા ખર્ચે છે. તેમના હેર સ્ટાઈલિસ્ટને મહિનામાં બે વાર ખાનગી ચાર્ટર્ડ પ્લેન દ્વારા બોલાવવામાં આવે છે. બ્રુનેઈની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તેનું ખનિજ તેલનું વિપુલ ઉત્પાદન છે. ખનિજ તેલની શોધ ૧૯૨૯માં બ્રુનેઈના સેરિયા વિસ્તારમાં થઈ હતી. બ્રુનેઈમાં પ્રથમ તેલનો કૂવો બ્રિટિશ મલયાન પેટ્રોલિયમ કંપની દ્વારા ખોદવામાં આવ્યો હતો, જેનું નામ સેરિયા-1 હતું. આ કૂવો હવે રોયલ ડચ શેલ તરીકે ઓળખાય છે. ખનિજ તેલનું ઉત્પાદન એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે.

બ્રુનેઈની કુલ જીડીપી ૧,૬૬૮ કરોડ યુએસ ડોલર છે. આમાંથી અડધાથી વધુ તેલ અને ગેસના વેચાણમાંથી આવે છે. તેલની નિકાસએ બ્રુનેઈને વિશ્વના ટોચના માથાદીઠ આવક ધરાવતા દેશોમાં સ્થાન આપ્યું છે. ૨૦૨૩માં બ્રુનેઈમાં માથાદીઠ આવક લગભગ રૂ. ૨૪ લાખ છે. ભારતની માથાદીઠ આવક આશરે ૧ લાખ ૮૭ હજાર રૂપિયા છે. બ્રુનઈ દેશની મજબૂત અર્થવ્યવસ્થાને કારણે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. બ્રુનેઈએ તેની તેલની કમાણીનું રોકાણ વિવિધ ક્ષેત્રોમાં કર્યું છે. આ કારણે તેની અર્થવ્યવસ્થા હવે માત્ર તેલ પર નિર્ભર નથી રહી. જો કે, અર્થતંત્રનો મોટો હિસ્સો હજુ પણ તેલમાંથી આવે છે. તેની સ્થિર અર્થવ્યવસ્થાને કારણે બ્રુનેઈના સુલતાન દક્ષિણ પૂર્વ એશિયાના પ્રાદેશિક રાજકારણમાં મુખ્ય ખેલાડી છે.

બ્રુનેઈને ટેક્સ હેવન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેની ટેક્સ પોલિસી અને ગુપ્તતાના કાયદાને કારણે બ્રુનેઈમાં બે નંબરના નાણાં સહેલાઈથી રાખી શકાય છે. આ કારણે બિઝનેસ રોકાણકારો બ્રુનેઈ તરફ આકર્ષાયા છે. બ્રુનેઈમાં વ્યક્તિગત આવક પર કોઈ ટેક્સ નથી. આ નિયમ દેશમાં રહેતા નાગરિકો અને વિદેશીઓ બંનેને લાગુ પડે છે. બીજી તરફ અહીં કોર્પોરેટ ટેક્સ પણ માત્ર ૧૮.૫ % છે. વધુમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને શિપિંગના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓ કોર્પોરેટ ટેક્સ મુક્તિ મેળવે છે. આ કારણે વિદેશી કંપનીઓ માટે બ્રુનેઈમાં તેમના વ્યવસાયો સ્થાપિત કરવા માટે ફાયદાકારક છે. બ્રુનઈ દેશમાં રોકાણના નફા અને વારસા પર કોઈ ટેક્સ નથી. આ સિવાય બ્રુનેઈએ બેંકિંગ ગુપ્તતાને લઈને કડક કાયદા બનાવ્યા છે. આ કાયદા એકાઉન્ટ ધારકોની ગોપનીયતાનું રક્ષણ કરે છે. આ કારણે વિદેશી ટેક્સ એજન્સીઓ બ્રુનેઈમાં હાજર ખાતાંઓની માહિતી મેળવી શકતી નથી. આ કારણે લોકો અહીં પોતાના ખાતાંમાં પૈસા રાખવાને સુરક્ષિત માને છે. બ્રુનેઈમાં કરન્સી એક્સચેન્જનું નિરીક્ષણ કરવામાં આવતું નથી.

ગયાં વર્ષે વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ સૌરભ કુમાર એક પ્રતિનિધિમંડળ સાથે બ્રુનેઈ ગયા હતા. અહીં તેમણે વિદેશ મંત્રાલયોની બેઠકમાં ભાગ લીધો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે નક્કી થયું કે ભારત અને બ્રુનેઈ તેમના રાજદ્વારી સંબંધોના ૪૦ વર્ષ પૂરા થયાની વર્ષગાંઠની ઉજવણી કરશે. સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં બ્રુનેઈ ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. જ્યારે ભારત ઉપગ્રહ લોન્ચ કરે છે, ત્યારે ભારતે તેમના ટ્રેકિંગ માટે ઘણી જગ્યાએ ગ્રાઉન્ડ સ્ટેશન બનાવ્યાં છે. આને ધ્યાનમાં રાખીને ભારતે ૨૦૧૮માં બ્રુનેઈ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. તેને કોઓપરેશન ઇન એલિમેન્ટરી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ સ્ટેશન ફોર સેટેલાઇટ નામ આપવામાં આવ્યું હતું. હાલમાં આ સ્ટેશન ભારત માટે સારી રીતે કામ કરી રહ્યું છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top