Business

વિશ્વની સરખામણીમાં ભારતમાં કર્મચારીની સુસ્તીની ટકાવારી કંપનીઓ માટે જોખમી

ભારતમાં જેમ વસતી વધારે છે તેમ નોકરીયાતોની સંખ્યા પણ વધારે છે. વિશ્વમાં કામના સ્થળે સુસ્તી તેમજ થાકનો અનુભવ કરતાં નોકરીયાતની ટકાવારી 48 ટકાની છે. પરંતુ ભારતમાં તે 58 ટકા છે. આ બતાવે છે કે ભારતમાં કામના સ્થળે માહોલ એવો છે કે જ્યાં નોકરી કરનાર વ્યક્તિને કામનો વધુ બોજનો અનુભવ થાય છે. વિશ્વની સરખામણીમાં આ ટકાવારી વધારે હોવાથી ભારત માટે તે ચિંતાજનક છે. કારણ કે જો નોકરીયાત કે અન્ય વ્યક્તિ કામના સ્થળે થાકનો અનુભવ કરશે તો તેની સીધી અસર ઉત્પાદનતા પર થશે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ દ્વારા સંયુક્તરીતે તૈયાર કરવામાં આવેલા ‘ઈન્ડિયા એચઆર રિવોલ્યુશન: બિલ્ડિંગ વર્કપ્લેસ ફોર ધ ફ્યુચર’ અહેવાલમાં જણાવાયું છે કે, ધારણાથી વિપરીત, થકાવટ વધુ કામ કરવાને કારણે નહીં પણ તે સતત સહયોગ અને વાતચીતની વધતી જરૂરીયાતને કારણે છે. એટલે કે કામના સ્થળે એવો પોઝિટિવ માહોલ ઊભો કરવાની જરૂરીયાત છે કે જેને કારણે જે તે વ્યક્તિ કામનું પ્રેશરનો અનુભવ નહીં કરે. મુંબઈમાં આયોજીત ફિક્કી ઈનોવેશન સમિટ-2024 દરમિયાન આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિના સહયોગીની સંખ્યા વધારે હોય તો તેનાથી તેનું તણાવનું સ્તર વધે છે. આનું કારણ એ છે કે તેને કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ વાતચીતની પણ જરૂરીયાત ઊભી થાય છે. આ વાતચીત એવી હોય છે કે જે આમ તો સામાન્ય લાગે પરંતુ સાથે સાથે તેનાથી જે તે વ્યક્તિને કામનો બોજ અનુભવતો નથી. આવી વાતચીત નહીં થાય તો કર્મચારી સુક્ષ્મ તાણનો અનુભવ કરે છે અને તેને કારણે કર્મચારીઓને નોંધપાત્ર અસર થાય છે.

જો કર્મચારીને વધુ થાક લાગે તો તે ઉત્સાહિત રહેતો નથી અને તેને કારણે કામ ઓછું થાય છે. થકાવટ અને ઉત્સાહ વચ્ચે સીધો સંબંધ છે. જો કોઈ કર્મચારીને એમ ખબર પડે કે તેની સંસ્થા તેના કામમાં તેને મદદ કરવા માટે તૈયાર છે તો તેનો થાક ઓછો થઈ જાય છે. જે તે સંસ્થાએ આ માટે દરેક કર્મચારીની વાતને સાંભળવાની સાથે તેની ચિંતાનું નિરાકરણ પણ કરવું જોઈએ. જો આમ થાય તો કર્મચારીમાં કામ કરવાનો ઉત્સાહ વધારે રહે છે. જે તે કંપની કે સંસ્થાએ પોતાના કર્મચારીઓ વિશે ઊંડી સમજણ કેળવવાની જરૂરીયાત છે. જો આવું થાય તો કર્મચારીને ઉત્સાહિત કરી શકાય છે. કર્મચારીઓની લાગણી, તેમના કામના કલાકો સહિત વિવિધ બાબતોનો ખ્યાલ રાખવામાં આવે તો પણ તેનો ફાયદો સંસ્થાને મળી શકે છે.

હાલના સંજોગોમાં જે તે સંસ્થા એચઆર પ્રક્રિયાઓમાં પણ જનરેટિવ એઆઈ દાખલ કરવા માટે પ્રયત્નો કરી રહી છે. આશરે 45 ટકા કંપનીઓ દ્વારા આ સિસ્ટમ અપનાવી પણ લેવામાં આવી છે. આ કંપનીઓ પૈકી 93 ટકા કંપનીઓ પોતાને ત્યાં કાર્યક્ષમતા સુધારવાની સાથે ઉત્પાદકતાને પણ વધારી રહી છે. થોડા સમય પહેલા સંસ્થાઓમાં કર્મચારીઓ માટે ટુરના આયોજનો પણ કરવામાં આવતા હતા. તેના પણ સારા પરિણામો મળી ચૂક્યા છે. જો વ્યક્તિ કામના દિવસોમાંથી વીકલી ઓફની સાથે સાથે સમયાંતરે વેકેશન લેતા રહે તો તેની કામની ક્ષમતામાં વધારો થાય છે.

જે તે સંસ્થાની સાથે સાથે કર્મચારીની પણ એ ફરજ છે કે, પોતાને સોંપાયેલા કામને યોગ્ય રીતે પુરૂં કરે. સાથે સાથે સંસ્થાની પણ એ ફરજ છે કે પોતાના કર્મચારીઓ માટે એવો માહોલ ઊભો કરે કે જેનાથી કર્મચારી પણ એક મોકળાશનો અનુભવ કરી શકે. કર્મચારી માટે યોગ્ય વાતાવરણની સાથે સાથે તમામ પ્રકારની સુવિધાઓ પણ જે તે કંપનીમાં હોવી જોઈએ. સંસ્થા દ્વારા કર્મચારીની મુશ્કેલી સમજવામાં આવે તો કર્મચારી સંસ્થાની પણ મુશ્કેલી સમજી શકે છે. આ અહેવાલે એક દિશાનિર્દેશ આપ્યો છે ત્યારે દેશમાં જો તમામ કંપની કે સંસ્થા દ્વારા આ મુદ્દે ધ્યાન અપાશે તો બની શકે છે કે કર્મચારી, કંપની અને સાથે સાથે દેશનો પણ વિકાસ થશે તે નક્કી છે.

Most Popular

To Top