Entertainment

લગ્ન બાદ પણ કિયારા અટકી નથી

કયા સ્ટાર્સ કેટલાં સફળ છે અને કેટલું કમાય રહ્યા છે તેની ખબર હવે એ રીતે પડે છે કે તેમણે કેટલાં કરોડમાં નવો ફલેટ ખરીદયો અથવા કેટલી મોંઘી નવી કાર ખરીદી. કિયારા અડવાણીએ હમણાં રેન્જ રોવર કાર ખરીદી છે. જો કે આ કાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ખરીદી છે એવું કહી શકાય કારણ કે લગ્ન પછી તો સહિયારી સંપત્તિ બની જતી હોય છે.આમ છતાં કહી શકાય કે સિદ્ધાર્થથી વધારે સફળ કિયારા છે.અલબત્ત, અભિનેત્રીઓને આજે પણ અભિનેતાથી ઓછી ફી મળે છે છતાં સિદ્ધાર્થ અને કિયારામાં વધુ લોકપ્રિય તો કિયારા જ છે. સિદ્ધાર્થ અને કિયારા વિમ્બલડનમાં કવાર્ટર ફાઈનલ જોવા ગયા ત્યારે પણ ખાસ્સી ઉત્તેજના વ્યાપી હતી. કિયારા જોકે ફિલ્મોને કારણે ચર્ચાવી જોઈએ પણ સત્યપ્રેમકી કથા પછી તેની કોઇ નવી ફિલ્મ રજૂ નથી થઇ. હા, ત્રણ કરોડની રેન્જ રોવર પણ ચર્ચાનું કારણ બની શકે પણ એકાર તો પરદા પરના કાર્ય આધારે જ હોય શકે. ખેર, હવે કિયારા સિદ્ધાર્થ પાસે મર્સિડીસ બેન્જ, ઑડી સહિતની કાર છે. અલબત્ત, લોકો માટે મોંઘી કારમાં બેઠેલી કિયારાથી વધુ પરદા પર દેખાતી કિયારાનું મહત્વ છે. સહુ જાણે છે કે અશોકકુમાર જેવા અભિનેતાની દિકરી ભારતી જાફરી જે સઇદ જાફરીના ભાઈના પ્રથમ લગ્નથી થયેલી દિકરીની દિકરી કિયારા છે. એ અર્થમાં તે મોટા કલાકાર કુટુંબની પરંપરા ધરાવે છે એટલે તેની એક જવાબદારી બને છે. કિયારા પોતે રૂપવંત તો છે જ સાથે સારી અભિનેત્રી પણ છે. પરંતુ તેની પ્રતિભા વધુ ફિલ્મો વિના નિખરી ન શકે. કિયારા પાસે ઘણી બધી ફિલ્મો ભેગી થઇ ગઇ છે એટલે તે જો છવાશે તો એક સામટી છવાશે. ‘ગુડ ન્યુઝ’, ‘શેર શાહ’, ‘ભુલ ભુલૈયા-2’, સત્ય પ્રેમકી કથા’ જેવી ફિલ્મોએ તેને મોટા ચાહક વર્ગ આપ્યો છે. કિયારા પાસે વધારે આશા એટલા માટે રાખવામાં આવે છે કે તેને સંજય લીલા ભણશાલી જેવાએ ‘બૈજુ બાવરા ફિલ્મ માટે પસંદ કરી છે. એક ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ હોય અને કિયારા પણ હોય તો તે બેસ્ટ કોમ્બિનેશન ગણાય. કિયારા આવનારા સમયની ‘ગેમ ચેંજર’ બને એવું ઘણા ઇચ્છી રહ્યા છે. અને એ નામની ફિલ્મ રામચરણ સાથે આવી રહી છે. એસ. શંકરદિગ્દર્શીત આ ફિલ્મ ડિસેમ્બરમાં જ થિયેટર્સમાં આવવા તૈયાર છે. ફિલ્મોદ્યોગ નવા સેન્સેશનલ સ્ટાર્સની અપેક્ષામાં છે. કિયારાને ઋતિક રોશન, જુનિયર એન.ટી. રામારાવ સાથે ‘વોર-2’ મળી છે.આજે આટલા મોટા સ્ટાર્સ સાથે જે હીરોઇનની ફિલ્મો મળીત હોય તે કિયારા છે ઘણીવાર બને છે એવું કે અભિનેત્રી લગ્ન કરે પછી નિર્માતા જરા પાછળ ખસી જતા હોય છે. કિયારા બાબતે એવું નથી થયું. તેની પાસે તો સંદિપ રેડ્ડી વાંગા દિગ્દર્શીત ‘સ્પિરિટ’ પણ છે જેમાં પ્રભાસ અને નયનતારા છે. ફરહાન અખ્તર દિગ્દર્શીત ડોન 3 : ધ ફાઈનલ ચેપ્ટર’ પણ તેને મળી છે. અત્યારની સૌથી વધુ નસીબદાર અભિનેત્રી માં તમે કિયારાને જ ગણી શકો. તેની પાસેની બધી જ ફિલ્મો બહુ મોટી છે એટલે તે 2024નાં અંતથી 2024 સુધીમાં પોતાને જમાવી દેશે. કિયારા બહુ જલ્દી ફિલ્મોદ્યોગની ખાસ બની ગઇ છે. કદાચ સિદ્ધાર્થ સાથે અંદરોઅંદર ખેંચાખેંચી પણ હશે કે સ્ટારડમમાં કોણ આગળ થશે. •

Most Popular

To Top