આપણે ત્યાં તહેવારો એક પછી એક આવ્યા જ કરતાં હોય છે. જેમ કે ઉત્તરાયણ, હોળી-ધૂળેટી, ગૌરી વ્રત, રક્ષાબંધન, ગોકુલાષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રી, અને દિવાળી વગેરે તહેવારો ઘેર અને સમાજમાં ધામધુમથી ઉજવામાં આવે છે. પણ હમણાં પાછલા સમયથી આ બધા તહેવારો, શાળા-મહાશાળામાં વિદ્યાર્થી જગત ઉજવવા લાગેલું છે. આ બધાં સમાજમાં ઉજવાતા તહેવારો, શિક્ષણ સંસ્થાઓમાં ઉજવાતા હોવાથી એટલો સમય પૂરતું વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાય છે. બાળકો શાળામાં શિક્ષણ લેવા જાય છે.
અને શાળા-મહાશાળાઓનું કામ વિદ્યાર્થીઓને ભણાવવાનું છે, નહિ કે આવા તહેવારો ઉજવવા દઈને એમના શિક્ષણનો સમય બગાડવાનું. જોકે હાઈસ્કુલ અને કોલેજ લેવલે વિદ્યાર્થીઓ હવે શાળા અને કોલેજોના સંચાલકો તથા આચાર્યોને ગાંઠતા જ નથી. ઉપરવટ જઈને, તેઓ આવા તહેવોરો ઉજવવા નહિ પણ મસ્તી-મોજ કરવા માટે મનાવતા હોય છે. એમાં કોઈ ધાર્મિક ભાવના દેખાતી નથી. હવે ગણેશ ઉત્સવમાં પણ કેટલીક કોલેજોમાં, ગણપતિ બેસાડવામાં આવશે. અને દસ દિવસ ધમાલ અને મસ્તી થયા કરશે. આમ આપણા, ઉપર દર્શાવેલા દરેક તહેવારો શિક્ષણને ભોગે વિદ્યાર્થીઓ શાળા-મહાશાળાઓમાં ઉજવતાં હોય છે. આવા તહેવારો તો વિદ્યાર્થીઓ ઘરમાં, મંદિરોમાં કે શેરીઓમાં ઉજવી શકે છે. માટે શિક્ષણને ભોગે, આવા તહેવારો શિક્ષણ સંસ્થાઓમાં ના ઉજવાય એ શિક્ષણ અને વિદ્યાર્થીઓના જ હિતમાં લેખાશે.
સુરત – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
5 સપ્ટેમ્બર: શિક્ષકદિન
સૌ પ્રથમ તો આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સૌ શિક્ષક ભાઈ-બહેનોને ખુબ ખુબ શુભેચ્છાઓ. ભારત દેશમાં તો મહાન ગુરુઓની પરંપરા રહી છે. ગુરુ વશિષ્ઠ, ગુરુ વિશ્વામિત્ર, ગુરુ દ્રૌણાચાર્ય, ગુરુસાંદીપનિ- અરે સાંદીપનિના શિષ્ય કૃષ્ણ પણ મહાન ગુરુ હતા. બુધ્ધ અને મહાવીર પણ મહાન ગુરુઓ હતા. આર્યભટ્ટથી માંડીને ડો.રાધાકૃષ્ણન અને ડો. અ.કલા.આઝાદ પણ મહાન શિક્ષકો હતા. શિક્ષણ એ જ્ઞાનાત્મક અને સંયોગાત્મક પ્રવૃત્તિ છે. જેમાં શિક્ષક અને વિદ્યાર્થી જ્ઞાન અને લાગણીના સેતુથી જોડાય છે. શિક્ષકે તેના વિદ્યાર્થીમાં રહેલા રસ-રુચિ, કૌશલ્યો અને વિશિષ્ટ છૂપી શક્તિઓને ઓળખીને તેને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું જોએ.
જેના દ્વારા વિદ્યાર્થી તેના જીવનનો રાહ નક્કી કરી શકે. આદર્શ શિક્ષકમાં ક્યા ગુણો હોવા જોઈએ? (1) વર્ગમાં જતા પહેલાં વિષયમાં સજ્જતા હોવી જોઈએ. (2) ક્ષમા-વિદ્યાર્થીઓ તો ભૂલ કરશે. તેમને માફ કરી દેવા જોઈએ. (3) કર્તવ્ય: શિક્ષક કર્તવ્યનિષ્ઠ હોવો જોઈએ. (4) વાત્સલ્ય: શિક્ષકે તો માતા જેવો પ્રેમ વિદ્યાર્થીઓને આપવો. (5) શિક્ષક વ્યસનથી મુક્ત હોવો જોઈએ. (6) શિક્ષકનું ચારિત્ર્ય શ્રેષ્ઠ હોવું જોઈએ. (7) શિક્ષકમાં કોઈ કોમી ભેદભાવ ન હોવો જોઈએ. (8) શિક્ષકને મન બધા જ સરખા હોવા જોઈએ. (9) હવે ઈન્ટેલીજન્સનો (AI) વ્યાપ વધી રહ્યો છે. શિક્ષકોએ AIનો શિક્ષણમાં કઈ રીતે ઉપયોગ કરવો તે દિશામાં વિચારવું જોઈએ. મોક્ષ મૂલમ. ગુરુકૃપા- ગુરુકૃપા હોય તો મોક્ષ પણ પ્રાપત થઈ શકે છે.
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.