મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમા છેલ્લા કેટલાક સમયથી બંધ વાડાઓમાં રખાયેલા આફ્રિકન ચિત્તાઓને ફરીથી ખુલ્લા જંગલમાં છોડવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના બહરાઈચમાં વરુનો આતંક ચાલુ છે. રવિવારે મોડી રાત્રે વરુએ ફરી હુમલો કર્યો હતો. આ વખતે વરુના હુમલામાં એક માસૂમ બાળકીનું મોત થયું છે. શૌચા કરવા ઘરની બહાર નીકળેલી એક વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. વરુના હુમલામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ ઘટના ગેરેથી ગુરુદત્ત સિંહ પૂર્વામાં બની હતી. જ્યાં વરુના હુમલાથી બાળકીનું મોત થયું હતું.
અઢી વર્ષની માસૂમ અંજલીનો મૃતદેહ તેના ઘરથી એક કિલોમીટર દૂર વિકૃત હાલતમાં મળી આવ્યો છે. બીજી ઘટના મહિલા મહસીના બારા બીઘા ગામની છે. અહીં પણ રવિવારે એક વૃદ્ધ મહિલા પર વરુએ હુમલો કર્યો હતો. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છ વરુઓનું ટોળું છેલ્લા બે મહિનાથી બહરાઈચ ડિવિઝનના ગામડાઓમાં આતંક મચાવી રહ્યું છે. તેઓએ છેલ્લા બે મહિનામાં નવ બાળકો સહિત દસ માણસોનો શિકાર કર્યો છે. આ ઘટનાઓથી ગુજરાતે પણ ચેતવા જેવું છે કારણ કે અહીં અત્યારે જૂનાગઢના ઝૂમાં વરૂઓનુ બ્રીડિગ કરીને તેમના બચ્ચાઓને વિવિધ જંગલોમાં છોડવાની તૈયારીઓ ચાલી રહી છે.
યુપીના બહરાઇચમાં વહીવટીતંત્રની તમામ તકેદારી છતાં પણ વરુનો આતંક અટકતો નથી. વરુના હુમલામાં 10 માસૂમ બાળકો સાથે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સ્થિતિ એવા સમયે છે જ્યારે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ડ્રોન અને થર્મલ ઇમેજિંગ કેમેરાની મદદથી વરુઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બહરાઈચના મહસી વિસ્તારમાં વરુની ઘટનાઓને કારણે ગભરાટનો માહોલ છે. વન મંત્રીને જિલ્લાઓમાં વરિષ્ઠ અધિકારીઓનો કેમ્પ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
બહરાઈચ, સીતાપુર, લખીમપુર, પીલીભીત, બિજનૌર અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં વન વિભાગના વધારાના કર્મચારીઓને તૈનાત કરો. ત્યાંના તમામ વિભાગોનું સંયુક્ત પેટ્રોલિંગ વધારવું. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં લાઇટની સમસ્યા છે ત્યાં પેટ્રોમેક્સની વ્યવસ્થા કરો. વન વિભાગે ઓપરેશન ભેડિયા શરૂ કરીને ચાર વરુઓને પકડ્યા છે. તેઓ ઝૂંડના બાકીના બે સભ્યોને શોધી રહ્યા છે.
નિષ્ણાતોના મતે, વરુ સામાન્ય રીતે માનવભક્ષી નથી, પરંતુ કેટલાક પરિબળો તેમને મનુષ્યો પર હુમલો કરવા તરફ દોરી શકે છે જ્યારે વરુઓ તેમના સામાન્ય ખાદ્ય સ્ત્રોતો શોધી શકતા નથી, ત્યારે તેઓ મનુષ્ય તરફ વળી શકે છે. કૂતરા અને વરુઓ વચ્ચે ક્રોસ-પ્રજનન વરુઓને મનુષ્યની આસપાસ રહેવાને અનુકૂળ બનાવી શકે છે, જે તેમને મનુષ્યોનો શિકાર કરવા તરફ દોરી જાય છે. એક અભ્યાસ મુજબ વિશ્વભરમાં 2002 અને 2020 વચ્ચે માણસો પર વરુના મોટાભાગના હુમલાઓમાં હડકવા એક પરિબળ હતું. વરુઓ કે જે મનુષ્યની આસપાસ રહેવા ટેવાઇ ગયા હોય છે તે આક્રમણ કરે તેવી શક્યતા છે.
વરુઓ માંસાહારી છે જે ટોળામાં રહે છે અને ચિહ્નિત પ્રદેશોમાં કાર્ય કરે છે. તેઓ અમુક સમય માટે મોટા પ્રમાણમાં ખોરાક ખાય છે, અને પછી લાંબા સમય સુધી શિકાર કરતા નથી. વરુના હુમલાના જોખમને ઘટાડવા માટે, વરુઓને મનુષ્યો સાથે સંકળાયેલા ખાદ્ય સ્ત્રોતોથી દૂર રાખવા જોઈએ. નિષ્ણાતો કહે છે કે વરુઓને નદીના તટ સાથેની જગ્યાઓ ગમે છે. અસરગ્રસ્ત ગ્રામજનોનો દાવો છે કે વરુઓ ઘણા વર્ષોથી અહીં નજીકના જંગલમા ગુફા બનાવીને રહે છે. એવો દાવો કરવામાં આવે છે કે નદીના પટમાં તેમની પાસે 50 થી વધુ ડેન્સ છે અને તેમની સંખ્યા 100 થી વધુ છે.
સાથે જ વન વિભાગનું કહેવું છે કે ડ્રોનમાં ઝડપાયેલા બે વરુઓને જ માણસ પર હુમલા માટે જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. એક ડેનમાં રહેતા વરુઓની સંખ્યા બે થી 20 સુધીની હોય છે. વરુઓની એકતા તેમને ખતરનાક શિકારીઓ બનાવે છે નિષ્ણાંતોનું કહેવું છે કે વરુઓને જંગલો કરતાં ભેજવાળા અને શેરડીના વિસ્તારો વધુ ગમે છે. વરૂ એક વાર માણસનું લોહી ચાખી જાય પછી તે માનવ ભક્ષી બની જાય છે અને મોટેભાગે બાળકોનો શિકાર કરે છે. પછી તેમને છૂટા રાખવા ખૂબ જોખમી પુરવાર થાય છે.
ગુજરાતમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કાર્યરત બ્રીડિંગ સેન્ટરમાં હાલમાં 69 વરુનું સંવર્ધન અને સંરક્ષણ થઈ રહ્યું છે. હાલ 13 ઓગસ્ટના રોજ જૂનાગઢના આ ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં વિશ્વ વરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વરૂઓ અને તેમના બચ્ચાઓને વિવિધ જંગલોમાં છોડવાની યોજના છે, પણ નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે આમાં સાવધાનીપૂર્વક આગળ વધવું જોઈએ. પશુ-માણસ સંઘર્ષના સંજોગોનો ખાસ વિચાર કરવો જોઈએ. યુપીની ઘટનાઓ પછી તો ખૂબ સાવધ થઈ જવું જોઇએ.