સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગયા અઠવાડિયે ભારે માત્રામાં પાણીની આવક થયા બાદ સ્થિતિ અંકુશમાં જણાતાં બે દિવસ પહેલા જ ડેમના તમામ ગેટ બંધ કરી પાણી છોડવાનું બંધ કરાયું હતું. ફરી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ બદલાઈ છે. ઉકાઈ ડેમમાં 1.47 લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થતા ડેમના 14 ગેટ ખોલીને 1.63 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ત્રણેક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. જેને કારણે ડેમમાંથી પાણી છોડવાનું તબક્કાવાર ઘટાડી દેવાયું હતું અને 31મીએ બપોરે તમામ દરવાજા બંધ કરી પાણી છોડવાનું બંધ કરાયું હતું. જો કે રવિવારથી ફરી ઉપરવાસના 51 રેઈનગેજ સ્ટેશનો ઉપર ભારે વરસાદ વરસ્યો છે. જેને લીધે ફરીથી ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. સોમવારે બપોરથી ડેમમાં પાણીનો મોટો જથ્થો છોડવાનું શરૂ કરાયું છે.
ડેમમાં 1.47 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. ડેમના 12 ગેટ 6 ફુટ અને 2 ગેટ સાત ફુટ ખોલી દેવાયા છે. ઉકાઈ ડેમની સપાટી 336.32 ફુટ નોંધાઈ છે. હથનુર ડેમમાંથી 99,941 ક્યુસેક અને પ્રકાશામાંથી 72 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હજી 23 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ડેમમાંથી સતત આશરે 2800 એમસીએમ પાણી છોડવામાં આવ્યું છે. ત્યાં ફરી ડેમના દરવાજા ખોલી દેવાયા છે. ડેમનું રૂલ લેવલ 340 ફુટ છે. જેથી ડેમમાં પાણીની આવક અને જાવક વરસાદની આગાહી મુજબ મેન્ટેઈન કરાશે.
48 કલાકમાં 190 એમસીએમ પાણી આવશે
ઉકાઈ ડેમમાં પાણીની નવી આવક શરૂ થતા પાણી છોડવાનું શરૂ કરાયું છે. ડેમમાંથી હાલ 1.63 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એક ગણતરી મુજબ આગામી 48 કલાક ડેમમાં 190 એમસીએમ પાણી આવશે. એટલે ડેમની સપાટીમાં આશરે બે થી અઢી ફુટનો વધારો થશે. આટલું પાણી સુરતમાં ઉદ્યોગો માટે આખુ વર્ષ ચાલશે.
દર વખતે ડેમને રૂલ લેવલ સુધી ભરી દેતાં ડેમના સત્તાધિશોએ આ વખતે અગમચેતી દાખવી
સામાન્ય રીતે દર વર્ષે ડેમના સત્તાધીશો ડેમને રૂલ લેવલ સુધી ભરવાનો આગ્રહ રાખે છે. પરંતુ આ વખતે ડેમના સત્તાધીશોએ ડેમ રૂલ લેવલ સુધી પહોંચે તે પહેલા જ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કર્યું છે. કારણ કે હાલ ડેમનું રૂલ લેવલ 340 ફુટ અને ચોમાસાને હજુ એક મહિનો બાકી છે. એટલે પહેલાથી સાવચેતીના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલો વરસાદ
શીરપુર 61, ગીધાડે 54, લુહારા 30, લખપુરી 10, વાનખેડ 36, ચીકલધરા 55, ટેસ્કા 18, કુરાનખેડા 21, ગોપાલખેડા 25, અકોલા 21, દેડતલાઈ 29, નવાથા 24, બુરહાનપુર 34, હથનુર 39, સાવખેડા 22, દહીગાવ 60, દુસખેડા 26, બમ્બરૂલા 49, નરાણે 47, ચોપડવાવ 20, કાકડીઅંબા 24